________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૯૩
૩૯૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
દાદાશ્રી : જેવો હિસાબ હોય ને તેવો હિસાબ પજવે. આપણે ખેતરમાં એક ઝાડ વાવ્યું, એક રોપ્યું હોય તો એક કડવાં ફળ આપે અને એક રોપ્યું હોય તો મીઠાં આપે. કડવી ગીલોડીને બધું હોય છે ને ? એક ખેતરમાં ગીલોડીઓ બધે સાથે હોય, પણ એક મીઠી હોય, એક કડવી હોય, એવી રીતે આ કડવા છોકરાં હોય, એક મીઠાં છોકરા હોય, માબાપે ય કડવા હોય બળ્યાં !
પ્રશ્નકર્તા : ધાવણ તો બધાને એક જાતનું આપ્યું હોય ને !
દાદાશ્રી : ધાવણ એક જ જાતનું, આ કડવી ગીલોડીને ને મીઠી ગીલોડીને બધાને ધાવણ એક જ જાતનું; લીમડાને એક જાતનું, આંબાને એક જાતનું, બધાને ધાવણ એક જ જાતનું; પણ સહુસહુના સ્વભાવ પ્રમાણે થાય. બીજમાં જે ગુણ છે ને, બીજમાં જેવો ગુણ હોય એવો થાય.
પ્રશ્નકર્તા : બીજ પણ એક જ હોય ને ?
દાદાશ્રી : ના, બીજ એક ના હોય. બીજ જાતજાતનાં હોય, આ જેમ આંબો, લીમડો એવું જાતજાતનાં બીજ. ધાવણ એક જ જાતનું.
પ્રશ્નકર્તા : એક જ જાતનું બી વાવ્યું હોય.
દાદાશ્રી : બી એક જાતનું વવાય નહીં ને ! બીજ તો જાત જાતના પડે. કયું બીજ પડયું છે તે ઊગે ત્યારે ખબર પડે ને એનું ફળ ખઈએને, ચાખીએ ત્યારે ખબર પડે કે આ કડવી ગીલોડી ! ત્યાં સુધી તો આપણને સમજણે ય ના પડે, ગીલોડી કડવી છે કે નહીં, પણ ફળ ચાખીએ, ત્યારે ખબર પડે.
પ્રશ્નકર્તા : એક જ ગીલોડીમાંથી કાઢેલા બધાં બી હોય તો ?
દાદાશ્રી : એ તો લાગે છે એક ગીલોડીના બી બધા. પણ આ તો માણસને ક્ષણે ક્ષણે પોતે જ માણસ જ બદલાયા કરે છે. એક મોટો પુરુષ કહે છે કે મને ફલાણા છોકરાનો જન્મ થયો ત્યારે તે ઘડીએ મારા મુસ્લિમ વિચારો હતા, તેથી આ છોકરો મુસ્લિમને પૈણ્યો, કહે છે. એટલે જેવા જેવા આપણા હિસાબ એ પ્રમાણે બીજ બધા ઉત્પન્ન થયા કરે અને પછી બીજ કડવું હોય, મીઠું હોય.
કરેલાંના ફળ ભોગવવાનાં છે. જે આપણે કર્યું હોયને, તેના ફળ ભોગવવાનાં છે. છોકરો સેવા ય કરે ને મેવા ય કરે.
આપણે એવું કરવું કે આપણે કોઈને ત્રાસ ના આપીએ તો કોઈ આપણને ત્રાસ આપનારો જીવ આપણે ત્યાં આવે જ નહીં. જેના ખેતરમાં ચોખ્યું છે, જે વસ્તુ વાવવાની બધું ચોખ્ખું વેણી કરીને તો પછી દાણા બધા ચોખ્ખા ઊગે અને વખતે ઊગ્યું હોયને, પેલું બીજું આડું ઊગ્યું હોય તો નીંદી નાખે તો ય થાય. પણ લોકો ખોટું કરવામાં કંઈ બાકી રાખતા નથી, તે પછી નીંદવાનું તો વાત જ ક્યાં છે ?
પ્રશ્નકર્તા : એક જ પપૈયામાં, એક જ વાડી હોય, એક જ ખેતર હોય, એક જ ઉછેરનારો હોય, તો ય એમાં નર અને માદા બે જુદાં જુદાં નથી થતાં ?
દાદાશ્રી : અરે, એ તો વળી મીઠી ગીલોડી વાવી હોય તો ય ઠીકરી આવે તો કડવી થઈ જાય બધી, આમને શું વાર ?!
આપણે જો ચોખ્ખાં હોઈએ ને, તો આપણને કોઈ નામ દે એવું નથી. આપણે ચોખ્ખાં રહો તો છોકરાં આવશે કે ચોખાં. આ બધું તમારું. ને મારું ઋણાનુબંધથી ભેગા થયા છીએ.
ઘસારો પડયો તમને ને તમને ગાળો આપી, નુકસાન કર કર કર્યું હોયને, એ એનું છે તે તમારી જોડે હિસાબ બંધાયો. તમે છે તે એ હિસાબ ચૂકવવા એની પાસે આવો. આ રૂપિયા એકલાની ચિંતા નથી. રૂપિયાનું માંગણું એકલું નથી. બીજી બહુ ભાંજગડો છે. રૂપિયાનું માંગણું તો કો'ક જ હોય. પછી બીજી ભાંજગડો પૂરી થઈ જાય, રાગ-દ્વેષ, ક્રોધ-માનમાયા-લોભ એ કકળાટ, કકળાટ, તેનો આ બધો હિસાબ ઉકેલીને છોકરાં થાય છે.
બાપ પોતે ચોર હોય તો છોકરાંને ચોર બનાવે છે. શાહુકાર છોકરો હોય તેને ય ચોર બનાવે. હવે એ મેળ પડે નહીં ને ! એટલે મેળ પડે નહીં, એની આ બધી વઢવાડો છે અને કળિયુગમાં તો મહાદુઃખદાયી ! દુ:ખ દેવા માટે જ છોકરાં આવે. કોઈએ આશા રાખવી નહીં.