________________
પ્રશ્નકર્તા : હા, આવ્યું છે, દાદા.
દાદાશ્રી : તો આ તો એની મેળે ઘેર બેઠાં મળે છે.
(૫૨૨)
લવ મેરેજ એકલું પસંદ કરવા જેવી ચીજ નથી. કાલે આનો મિજાજ કેવો નીકળે તે શી ખબર પડે ? મા-બાપ ખોળી આપે તે જોવું, કે ડફોળ છોકરો છે કે ડિફેક્ટવાળો છે ? ડફોળ ના હોવો જોઈએ. ડફોળ હોય ખરા કે ?
આપણને કંઈ ગમે એવું જોઈએ. કંઈક આપણા મનને ગમે એવું જોઈએ. બુદ્ધિની લિમિટમાં આવી જવો જોઈએ. અહંકાર એક્સેપ્ટ કરે એવો
જોઈએ અને ચિત્ત ચોંટે એવો જોઈએ. ચિત્ત ચોંટે એવો જોઈએ ને ? એટલે એ કરે તો વાંધો નથી. પણ એને આપણે જોઈ લેવો જોઈએ.
પ્રશ્નકર્તા : કો'ક વાર મા-બાપ પણ છોકરો શોધવામાં ભૂલ કરી શકે ? દાદાશ્રી : એમનો ઈરાદો નથી, એમનો ઈરાદો તો સારું જ કરવાનો છે. પછી ભૂલ થઈ એ આપણા પ્રારબ્ધના ખેલ છે. શું કરવું ? અને આ તમે સ્વતંત્ર ખોળો એમાં ભૂલ થવાના સંભવ છે. ઘણા દાખલા ફેઈલ ગયેલા. (૫૨૫)
આપણા એક મહાત્મા હતાં. એનો એકનો એક છોકરો, મેં કહ્યું, ‘અલ્યા, તારે પૈણવું છે કે નહીં પૈણવું ?” ત્યારે કહે, “પૈણીશ દાદાજી. કેવી પાસ કરી લાવીશ ?” તો કહે, ‘તમે કહો એમ કરું.’ એની મેળે જ પાછું કહેવા માંડ્યો. ‘મારી મમ્મી તો પાસ કરવામાં હોશિયાર છે’. એ લોકોએ મહીં ડીસાઈડ કરી (૫૨૭)
લીધેલું, મમ્મી જે પાસ કરે તે, તો આવી રીતે હોય.
પ્રશ્નકર્તા : આ મારી નાની દીકરી પૂછે છે, એમ ને એમ કેવી રીતે પરણાય, પછી આપણી આખી લાઈફ જ બગડે ને ? તો પહેલાં છોકરાને બરાબર જોઈએ-કરીએ એમ. પછી કહે છે ખબર પડે ને કે છોકરો સારો છે
કે નહીં. પછી લગ્ન થાય. એવું આ મને પ્રશ્ન પૂછયા કરે. તો દાદા એનું સોલ્યુશન શું આ છોકરાઓ માટે ?
દાદાશ્રી : બધા જોઈને જ પૈણે છે ને પછી મારમાર ને વઢવઢા. જોયા
વગરના પૈણેલા તે બહુ સારા ચાલે છે. કારણ કે કુદરતે આપેલું છે, અને પેલું પોતે ડહાપણ કર્યું છે.
(૫૨૮)
આપણા એક મહાત્માની છોકરી શું કરે ? એના ફાધરને કહે છે કે મને આ છોકરો નથી ગમતો.’ હવે છોકરો ભણેલો-કરેલો. હવે ફાધરનું, મધરનું દિલ ઠરે એવો, બધાનું દિલ ઠરે એવો. એટલે પેલા ફાધરને અકળામણ થઈ ગઈ કે મહાપરાણે આવો સારો છોકરો જડ્યો ત્યારે પાછી છોડી ના પાડે છે.
થાકેલો માણસ પછી બાવળિયાના નીચે બેસે. થાકેલો માણસ તે ક્યાં બેસે ? બાવળિયા નીચે ! ત્યારે શું થાય તે ! પછી એમણે મને કહ્યું. એટલે મેં કહ્યું, ‘એ છોડીને મારી પાસે બોલાવો.’ મેં કહ્યું, ‘બેન શું વાંધો આવ્યો મને કહેને. શું વાંધો છે ? ઊંચો પડે છે ? જાડો પડે છે ? પાતળો પડે છે ?’ ત્યારે કહે, ‘ના. જરા બ્લેકીશ છે.' મેં કહ્યું, એ તો હું ઊજળો કરી નાખીશ, બીજું કશું તને નડે છે ? ત્યારે કહે, “ના, બીજું કશું ય નહીં.’ ત્યારે મેં કહ્યું, ‘તો હા પાડી દેને. પછી ઊજળો હું કરી આપીશ.’ પછી એ છોડી એના પપ્પાજીને કહે છે, “તમે દાદાજી સુધી મારી ફરિયાદ કરો ?” તો શું કરે ત્યારે ?
પૈણ્યા પછી મેં કહ્યું, ‘બેન ઊજળો કરવા સાબુ મંગાવું કે ?’ ત્યારે બેન કહે છે, ‘ના દાદાજી, ઊજળો જ છે.' વગર કામનું બ્લેકીશ, બ્લેકીશ !
એ તો બ્લેક કંઈ ચોપડે તો કાળો દેખાય જરા અને યલ્લો ચોપડે તો યલ્લો દેખાય ! બાકી છોકરો સારો હતો. મને સારો લાગ્યો. એને જવા કેમ દેવાય ? પેલી શું જાણે ? મોળો છે જરા. કરી નાખજે પછી, પણ આવું ફરી નહીં મળે !! (૫૩૧)
પ્રશ્નકર્તા : ઇઝ ડેટીંગ એ સીન ? ડેટીંગ એટલે આ લોકો, છોકરીઓ છોકરાઓ સાથે જાય બહાર અને છોકરાઓ છોકરીઓ સાથે બહાર જાય, તો એ પાપ છે ? એમાં કંઈ વાંધો છે ?
દાદાશ્રી : હા. છોકરાઓ સાથે ફરવાની ઇચ્છા થાય તો લગ્ન કરી લેવું. પછી એક જ છોકરો નક્કી કરવો. એક નક્કી થયેલો હોવો જોઈએ. નહીં તો એવો ગુનો નહીં કરવો જોઈએ, જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી આપણે છોકરાઓ જોડે ફરવું નહીં જોઈએ.
પ્રશ્નકર્તા : અહીંયાં તો એવું છે કે છોકરા-છોકરીઓ ચૌદ વર્ષના થાય એટલે પછી બહાર જાય ફરવા. પછી છે તો મેળ પડે. એમાંથી આગળ પણ વધે. એમાં પછી કોઈને કંઈક બગડી જાય, એકબીજાને મેળ ના પડે તો પાછા