________________
સંપાદકીય ક્રોધ એ નબળાઈ છે, લોકો એને જબરાઈ માને છે. ક્રોધ કરનાર કરતાં ક્રોધ ન કરનારનો પ્રતાપ કંઈ ઓર જ જાતનો હોય છે !
સામાન્યપણે આપણું ધાર્યું ના થાય, આપણી વાત સામો સમજતો ના હોય, ડીફરન્સ ઓફ વ્યુ પોઈન્ટ થાય, ત્યારે ક્રોધ થઈ જાય. ઘણીવાર આપણે સાચા હોઈએ ને કોઈ આપણને ખોટા પાડે તો ક્રોધ થઈ જાય. પણ આપણે સાચા તે આપણા દ્રષ્ટિબિંદુથી ને ? સામાનાં દ્રષ્ટિબિંદુથી એ ય પોતાને સાચો જ માને ને ? ઘણીવાર સૂઝ ના પડે, આગળનું દેખાય નહીં, શું કરવું એ સમજાય નહીં ત્યારે ક્રોધ થઈ જાય.
અપમાન થાય ત્યાં ક્રોધ થાય, નુકસાન થાય ત્યાં ક્રોધ થાય. એમ માનનું રક્ષણ કરવા કે લોભનું રક્ષણ કરવા ક્રોધ થઈ જાય. ત્યાં માન અને લોભ કષાયથી મુક્ત થવાની જાગૃતિમાં આવવાની જરૂર છે. નોકરથી કપ-રકાબીઓ ફૂટી જાય તો ક્રોધ થાય ને જમાઈથી ફૂટે તો ? ત્યાં ક્રોધ કેવો કંટ્રોલમાં રહે છે ! માટે બિલિફ પર જ આધારિત છે ને ?
આપણું નુકસાન કોઈ કરે કે અપમાન કરે તો તે આપણા જ કર્મનું ફળ છે, સામો નિમિત્ત છે એવી સમજણ ફીટ થયેલી હોય તો જ ક્રોધ જાય.
જ્યાં જ્યાં ને જ્યારે જ્યારે ક્રોધ આવે છે, ત્યારે ત્યારે તેની નોંધ કરી લેવી અને તેના પર જાગૃતિ રાખવાની. અને જેને આપણા ક્રોધથી દુઃખ થયું હોય તો તેનું પ્રતિક્રમણ કરવું, પસ્તાવો કરવો ને ફરી નહીં કરું એવો દ્રઢ નિશ્ચય કરવો. કારણ કે જેની પ્રત્યે ક્રોધ થાય, તેને દુઃખ થાય, તે પછી વેર બાંધે. એટલે પછી આવતે ભવ પાછો ભટકાય !
મા-બાપ પોતાના છોકરાં પર અને ગુરુ પોતાના શિષ્ય પર ક્રોધ કરે, તેનાથી પુણ્ય બંધાય છે. કારણ કે એની પાછળ હેતુ એના સારા માટે, સુધારવા માટેનો છે. સ્વાર્થ માટે હોય તો પાપ બાંધે ! વીતરાગોની સમજણની ઝીણવટ તો જુઓ !!!
પ્રસ્તુત ગ્રંથમાં ક્રોધ કે જે ખૂબ જ હેરાન કરનારો ઊઘાડો કષાય છે, તેની તમામ વિગતો વિગતમાં અત્રે સંકલિત થઈ પ્રકાશિત થાય છે, જે સુજ્ઞ વાંચકને કોધથી મુક્ત થવામાં ખૂબ મદદરૂપ થશે એ જ અભ્યર્થના.
- ડૉ. નીરુબહેન અમીન
આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લીંક !
“હું તો કેટલાક જણને મારે હાથે સિદ્ધિ કરી આપવાનો છું. પછી પાછળ જોઈએ કે ના જોઈએ ? પાછળ લોકોને માર્ગ તો જોઈશે ને ?”
- દાદા ભગવાન પરમ પૂજ્ય દાદાશ્રી ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. તેઓશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીનને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ.
દાદાશ્રીના દેહવિલય બાદ આજે પણ પૂજય ડૉ. નીરુબહેન અમીન ગામેગામ દેશવિદેશ ફરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવી રહ્યા છે, જેનો લાભ હજારો મોક્ષાર્થી લઈને આત્મરમણતા અનુભવે છે. અને સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી શકે છે.
ગ્રંથમાં અંકીત થયેલી વાણી મોક્ષાર્થીનિ ગાઈડ તરીકે અત્યંત ઉપયોગી નિવડે, પરંતુ મોક્ષ મેળવવા માટે આત્મજ્ઞાન મેળવવું જરૂરી છે. અક્રમ માર્ગે આત્મજ્ઞાન પ્રાપ્તિ આજે પણ ચાલુ છે, તે માટે પ્રત્યક્ષ આત્મજ્ઞાનીને મળીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે તો જ થાય. પ્રગટ દીવાને દીવો અડે તો જ પ્રગટે.
$
9