________________
કર્મનું વિજ્ઞાન
કર્મનું વિજ્ઞાન
નહીં તો દેવગતિમાં જાય. ક્રેડિટના સુખો ભોગવવા માટે. પણ ક્રેડિટ પૂરી થઈ ગઈ, લાખ રૂપિયા પૂરા થઈ ગયા, વપરાઈ ગયા એટલે પાછો અહીં મૂઓ !
પ્રશ્નકર્તા : બીજા બધા ભવો કરતાં આ મનુષ્ય ભવનું આયુષ્ય વધારે ને ?
દાદાશ્રી : ના, એવું કંઈ નહીં. આ દેવલોકોને લાખો વર્ષનું આયુષ્ય.
પ્રશ્નકર્તા: પણ દેવ થવા માટે તો આ બધા કર્મો પૂરા થાય પછી નંબર લાગે ને ?
દાદાશ્રી : ના, એવું કશું નહીં. એ કોઈ સુપરહ્યુમન હોય તો દેવ જ થાય. પોતાનું સુખ પોતે ભોગવે નહીં ને બીજાને આપી દે, એ સુપરહ્યુમન કહેવાય. તે દેવગતિમાં જાય !
પ્રશ્નકર્તા : પોતાને સુખ ના હોય, તો પછી એ બીજાને કેવી રીતના સુખ આપી શકે ?
દાદાશ્રી : એટલે જ ના આપી શકે ને પણ કો’ક એવો માણસ હોય. કરોડોમાં એકાદ માણસ તે પોતાનું સુખ બીજાને આપી દેતો હોય, તે દેવગતિમાં જાય. પહેલાં તો આવાં બહુ માણસો હતા. સેકડે બબ્બેત્રણ ટકા, પાંચ-પાંચ ટકા હતા. અત્યારે તો કરોડોમાં બે-ચાર નીકળે વખતે. અત્યારે તો દુ:ખ ના આપે તો ય ડાહ્યો કહેવાય. બીજાને કંઈ પણ દુઃખ ના આપે તો ફરી મનુષ્યમાં આવે, મનુષ્યમાં સારી જગ્યાએ કે જ્યાં બંગલો તૈયાર હોય, ગાડીઓ તૈયાર હોય ત્યાં જન્મ થાય અને પાશવતાના કર્મો કરે, આ ભેળસેળ કરે, લુચ્ચાઈઓ કરે, ચોરીઓ કરે તો પશુમાં જવું પડે.
પ્રશ્નકર્તા : તો કાયદો કેવો છે ? દાદાશ્રી : અધોગતિમાં જવાનો હોય પકડાઈ જતો નથી અને
ઉર્ધ્વગતિમાં જે જાય એવાનાં હલકા કર્મ હોય ને, તો એને પોલીસવાળાને પકડાવી જ દે તરત જ તે આગળ ઊંધું જતાં અટકી જાય ને એના ભાવ ફરી જાય. કુદરત હેલ્પ કોને કરે છે ? કે જે ભારે છે તેને ભારે થવા દે છે. હલકો છે તેને હલકો થવા દે. હલકાવાળા ઉર્ધ્વગતિમાં જાય. ભારેવાળો અધોગતિમાં જાય. એટલે આ કુદરતના નિયમ છે એવા. હમણાં કોઈકે જેમ કોઈ દહાડો ચોરી ના કરી હોય ને એક વખત ચોરી કરેને તો તરત પકડાઈ જાય અને અઠંગ ચોર પકડાય નહીં. કારણ કે એના ભારે કર્યો છે એટલે એમાં પૂરા માર્કસ જોઈએ ને ! માઈનસ માર્ક ય પણ પૂરા જોઈએ ને ! તો જ દુનિયા ચાલે ને ?
મનુષ્યમાં જ બંધાય કર્મ ! પ્રશ્નકર્તા : હું એટલે જ પૂછું છું કે મનુષ્ય ભવ સિવાય બીજો કોઈ એવો ભવ ખરો કે નહીં કે જેમાં ઓછા કર્મો બંધાતા હોય.
દાદાશ્રી : બીજે કર્મ જ બંધાતા નથી. બીજા કોઈ અવતારમાં કર્મ બંધાતા નથી, અહીં એકલા જ બંધાય છે અને જ્યાં નથી બંધાતા એ લોકો શું કહે છે ? કે અહીં ક્યાં આ જેલમાં આયા ? કર્મ બંધાય એવી જગ્યા એ તો મુક્તપણું કહેવાય, આ તો જેલ કહેવાય.
પ્રશ્નકર્તા : મનુષ્યભવમાં જ કર્મ બંધાય. સારા કર્મો પણ અહીંયા જ બંધાય ને ?
દાદાશ્રી : સારા કર્મો પણ અહીં જ બંધાય ને ખોટાં ય અહીં બંધાય.
આ મનુષ્યો કર્મ બાંધે છે. તેમાં જો લોકોને નુકસાન કરનારા, લોકોને દુઃખ દેનારા કર્મ હોય તો છે તે જનાવરમાં જાય ને નર્કગતિમાં જાય. લોકોને સુખ આપનારા કર્મ હોય તો માણસમાં આવે ને દેવગતિમાં જાય. એટલે જેવાં કર્મ એ કરે છે તેના ઉપરથી ગતિ થાય છે. હવે ગતિ થઈ એટલે પછી ભોગવીને પછી પાછું અહીં આવવાનું.