________________
રૂપિયાને ખખડાવ્યો તો એ સામો દાવો નથી માંડતો. અને આ આમાં દાવો મંડાય, એટલે આપણે શાલ આપી આવીએ. એટલું સો રૂપિયા ઘસાઈ છૂટવા પડે. પણ આપણે એ દુકાનમાંથી-ફસામણમાંથી તો નીકળ્યા ને ! મારું શું કહેવાનું છે કે ક્યાં સુધી ફસાઈ રહેવું ?
અને જેને રાગ-દ્વેષ ના થાય એ છેલ્લા ગુરુ ! ખાવાનું મૂકીએ ને પછી થાળી ઊઠાવી લઈએ અને એમની આંખમાં કંઈ ફેરફાર ના દેખાય, આંખમાં કુરકુરિયાં ના રમે, તો જાણવું કે આ છે ‘લાસ્ટ' ગુરુ ! બાકી, કુરકુરિયાં રમે એ બધામાં માલ જ નહીં ને ! આપને સમજ પડીને ?
પ્રશ્નકર્તા : હા, હી.
દાદાશ્રી : એટલે પરીક્ષા હેતુ માટે નહીં, પણ તપાસ રાખવી જોઈએ. પરીક્ષા હેતુ માટે તો ખોટું દેખાય. પણ જરા ધ્યાન રાખવું જોઈએ કે કેમ આમની આંખોમાં આમ થાય છે ! હવે, આ થાળી ઉઠાવી લીધી ને આંખમાં ફેરફાર થાય તો તરત કહીએ, ‘ના, બીજી ચાંદીની થાળી લાવું છું.’ પણ આપણે જોઈ લેવું કે ‘આંખોમાં ફેરફાર થાય છે !’ તપાસ તો કરવી જ પડે ને ?!
આપણે છેતરાઈને માલ લાવીએ એ શું કામનો ?! માલ લેવા ગયા, તે માલ તો એણે જોવો પડે ને ! એવું ના જોવું પડે ? જરા ખેંચીને જોવું પડે ને ? પછી ફાટેલું નીકળે ત્યારે લોક કહેશે, ‘તમે શાલ જોઈને કેમ લીધી નહીં ?” એવું કહે કે ના કહે ? તેથી શ્રીમદ્ રાજચંદ્ર કહે છે ને, ગુરુ બરાબર જોઈને કરજો, તપાસીને કરજો ! નહીં તો રખડાવી મારશે. એમને એમ ગમે તેને વળગી પડે એ કામમાં ના આવે ને ! એમને એમ તો છેતરાયા પછી શું થાય ?! એટલે બધી બાજુ જોવું પડે.
ઊઘાડી વિગતો, વીતરાગતાથી !
આ કળિયુગમાં ગુરુ સારા મળશે નહીં અને ગુરુ તમારું શાક કરીને ખાઈ જશે.
પ્રશ્નકર્તા : બરાબર છે. પણ અપવાદ સ્વરૂપ એક તો સાચા ગુરુ
હોય ને ?
દાદાશ્રી : કો'ક સારા ગુરુ હોય ત્યારે એ ડબ્બો હોય. ડબ્બો એટલે સમજણ ના હોય કશી. તો એ સમજણ વગરના ગુરુને શું કરીએ પાછું ?! સમજણ હોય છે ત્યારે દુરૂપયોગ કરે એવા હોય છે. એટલે એના કરતાં ઘેર આ પુસ્તકો હોય તે પકડી એનું મનન કર્યા કરવું સારું. એટલે અત્યારે છે એવા ગુરુ ના ચાલે. એના કરતાં ગુરુ ના કરવા સારા, એમને એમ ગુરુ વગર રહેવું સારું.
પ્રશ્નકર્તા : આપણી સંસ્કૃતિ મુજબ ગુરુ વિનાનો માણસ નગુણો
કહેવાય.
દાદાશ્રી : ક્યાં સાંભળેલું તમે આ ?
પ્રશ્નકર્તા : સંત પુરુષો પાસેથી સાંભળેલું.
દાદાશ્રી : હા, પણ એ શું કહે છે ? નગુણો નહીં, પણ નગુરો. અગર તો નુગરો કહે છે. નુગરો એટલે ગુરુ વગરનો ! ગુરુ ના હોય એને આપણા લોકો નુગરો કહે.
બાર વર્ષની ઉંમરે અમારી કંઠી તૂટી ગયેલી, તે લોક ‘નુગરો, નુગરો’ કર્યા કરે ! બધાં કહે, ‘કંઠી તો પહેરવી પડે. ફરી કંઠી પહેરાવડાવીએ.’ મેં કહ્યું, ‘આ લોકોની પાસે તો કંઠી પહેરાતી હશે ?! જેને અજવાળું નથી, જેની પાસે બીજાને અજવાળું આપવાની શક્તિ નથી, એની પાસે કંઠી કેમ પહેરાય ?!’ ત્યારે કહે ‘લોક નુગરો કહેશે.' હવે, નુગરો શું વસ્તુ હશે ? નુગરો એટલે કોઈ શબ્દ હશે ગાળ દેવાનો એમ જાણેલું. એ તો પછી મોટી ઉંમરનો થયો ત્યારે સમજાયું કે નગુરુ, ન ગુરુવાળો !
પ્રશ્નકર્તા : આ કોઈને ગુરુ માનવા હોય, તો એની જે વિધિઓ હોય, કંઠી બંધાવે, કપડાં બદલાવે, એવી કંઈ જરૂર ખરી ? દાદાશ્રી : એવી કશી જરૂર નથી.
પ્રશ્નકર્તા : ધર્મગુરુઓ કેમ કહે છે કે કંઠી બંધાવી હોય એમને ભગવાન તારે અને નગુરાને કોઈ તારે નહીં. એ વાત સાચી ?