________________
ગુરુ-શિષ્ય
એ ચાખવાની મઝા ય એવી ઓર જ આવે છે ને !
સદ્ગુરુ મળ્યા એ જ લાયકાત !
પ્રશ્નકર્તા : સદ્ગુરુ મળ્યા પછી સદ્ગુરુના આદેશ પ્રમાણે સાધના તો કરવી પડે ને ?
૪૧
દાદાશ્રી : સાધના, એનો અંત હોય. છ મહિના કે બાર મહિના હોય. એમાં ચાલીસ-ચાલીસ વર્ષ ના જતાં રહે.
પ્રશ્નકર્તા : એ તો જેની જેવી લાયકાત.
દાદાશ્રી : લાયકાતની જરૂર જ નથી. જો સદ્ગુરુ મળ્યા તો લાયકાતની જરૂર નથી. અને સદ્ગુરુ નથી મળ્યા તો લાયકાતની જરૂર ! સદ્ગુરુ જો બી.એ. થયેલા હોય તો એટલી લાયકાત અને બી.એ.બી.ટી. થયા હોય તો તેટલી લાયકાત. આમાં આપણી લાયકાતની જરૂર જ ના હોય.
પ્રશ્નકર્તા : આ દુનિયાદારીની લાયકાત નહીં. પણ આની લાયકાત જુદી ને ?!
દાદાશ્રી : ના. સદ્ગુરુ મળ્યા એટલે કોઈ લાયકાતની જરૂર નથી. સદ્ગુરુ મળ્યા એ જ એની મોટી પુણ્ય કહેવાય.
પ્રશ્નકર્તા : પણ સદ્ગુરુ મળ્યા પછી કોઈ સાધના કરવાની જ નહીં ? માત્ર સદ્ગુરુથી જ થાય ?
દાદાશ્રી : ના, એ સાધન બધાં બતાવે એ જ કરવાનાં હોય પણ લાયકાતની જરૂર નહીં. લાયકાતવાળાને તો મનમાં એમ હોય કે ‘હવે હું તો સમજું જ છું ને !' લાયકાત તો ઊલટી કેફ ચઢાવે. લાયકાત હોય તો ફેંકી દેવા જેવી નહીં, એ હોય તો સારી વાત છે. પણ આપણે એ સમજવું જોઈએ કે કેફ હોય તો કેફ કાઢી નાખવો જોઈએ. એ લાયકાત અને સદ્ગુરુને બેને ભેગાં થવામાં વચ્ચે કેફ નડે છે. અને લાયકાતવાળા અતડા રહે. અને પેલો ઓછી લાયકાતવાળો હોય ને, એ તો એમ જ કહે, ‘સાહેબ, મારામાં તો અક્કલ નથી. હવે તમારે માથે પડ્યો છું. તમે ઉકેલ
૪૨
ગુરુ-શિષ્ય લાવી આપો.' તો પછી સદ્ગુરુ રાજી થઈ જાય. આટલું જ કહેવાની જરૂર છે. સદ્ગુરુ બીજું કશું માગતા નથી કે બીજી લાયકાતો ખોળતા નથી. સદ્ગુરુને સર્વ સમર્પણ !
પ્રશ્નકર્તા : સદ્ગુરુની ભક્તિ એકલી જ હોવી જોઈએ, એ જ કહેવા માગો છો ને ?
દાદાશ્રી : અર્પણતા જોઈએ બધી.
પ્રશ્નકર્તા : સદ્ગુરુ પ્રત્યે પૂરેપૂરા સમર્પણભાવથી રહે તો ?
દાદાશ્રી : તો કામ થઈ જાય. સમર્પણભાવ હોય તો બધું કામ થઈ જાય. પછી કશું બાકી રહે જ નહીં. પણ મન-વચન-કાયાનું સમર્પણ જોઈએ.
પ્રશ્નકર્તા : એવું સમર્પણ તો કૃષ્ણ ભગવાન કે મહાવીર ભગવાનની કક્ષાના હોય તો જ એ સમર્થ કહેવાય ને ? કે પછી ગમે તે સાધારણને કરીએ તો ય ચાલે ?!
દાદાશ્રી : એ તો તમને આમ વિરાટ પુરુષ લાગે તો કરવું. તમને લાગે કે આ મહાન પુરુષ છે અને એમનાં કાર્યો બધાં એવાં વિરાટ લાગે, તો આપણે એમને સમર્પણ કરવું.
પ્રશ્નકર્તા : જે મહાન પુરુષો થઈ ગયા છે, હજારો વર્ષ પૂર્વે થઈ ગયેલા છે, એમને આપણે સમર્પણ કરીએ, તો એ સમર્પણ કરેલું કહેવાય ? અથવા એનાથી આપણો વિકાસ થાય ખરો ? કે પ્રત્યક્ષ મહાપુરુષ જ જોઈએ ?
દાદાશ્રી : પરોક્ષથી પણ વિકાસ થાય અને પ્રત્યક્ષ મળે તો તો તરત કલ્યાણ જ થઈ જાય. પરોક્ષ વિકાસનું ફળ આપે અને કલ્યાણ પ્રત્યક્ષ વગર નથી.
સમર્પણ કર્યા પછી આપણે કશું કરવાનું ના હોય. બાળક આપણે ત્યાં જન્મ્યો એટલે બાળકને કશું કરવાનું ના હોય, એમ સમર્પણ કર્યા પછી કશું આપણે કરવાનું ના હોય.