________________
દાદા ભગવાન ?
૧૯
અન્ડરહેન્ડને હંમેશાં રક્ષણ દીધાં !
મારી લાઈફમાં ધંધો શો કરેલો ? ઉપરી જોડે બળવો અને અંડરહેન્ડનું રક્ષણ. આ મારો નિયમ. બળવો તો ખરો પણ ઉપરી જોડે. જગત આખું ક્યાં આગળ વશ થાય ? ઉપરીને ! અને અંડરહેન્ડને ટૈડકાવ ટૈડકાવ કરે. અને હું ઉપરીની જોડે બળવો કરી લઉં, એટલે લાભેલો (લાભ થયેલો) નહીં. તો અહીં આગળ મને પડેલીય નહોતી. પણ અંડરહેન્ડને બહુ સાચવેલા. અંડરહેન્ડ જે થઈ ગયા એનું તો બિલકુલ રક્ષણ કરવાનું, આ મોટામાં મોટો ગુણ.
પ્રશ્નકર્તા : ક્ષત્રિય ખરા ને !
દાદાશ્રી : હા, ક્ષત્રિય, આ ક્ષત્રિય ગુણ, તે રસ્તે જતાં કોઈ લડતાં હોય, તો જે હાર્યો હોય, જેણે માર ખાધો, એના પક્ષમાં રહું, એ ક્ષત્રિયપણું અમારું !
તોફાતી સ્વભાવ, બાળપણમાં !
આ તો અમને દેખાય આમ ! આમ ફર્યા કે તરત પેલું દેખાય, એટલે અમે બોલીએ. માફક આવે એવી ચીજ દેખાય, તે બોલી નાખીએ. અમે આવું ક્યાં યાદ રાખીએ ? અમને ઠેઠ સુધીનું, નાનપણમાં હતો ત્યાં સુધીનું બધું દેખાયા જ કરે. બધા પર્યાય દેખાય. આવું હતું.... આવું હતું, પછી આવું હતું, સ્કૂલમાં અમે ઘંટ વાગ્યા પછી જતા હતા, એ બધુંય અમને દેખાય. સાહેબ ચિડાયા કરે. કહેવાય નહીં ને ચિડાયા કરે.
પ્રશ્નકર્તા : આપ ઘંટ વાગ્યા પછી કેમ જતા હતા ?
દાદાશ્રી : એવો રોફ ! મનમાં એવી ખુમારી. પણ એ પાંસરા ના થયા ત્યારે જ આ દશાને ! પાંસરો માણસ તો ઘંટ વાગતા પહેલાં જઈને બેસી જાય.
પ્રશ્નકર્તા : રોફ મારે એ અવળો રસ્તો કહેવાય ?
દાદા ભગવાન ? દાદાશ્રી : આ તો અવળો જ રસ્તો ને ! ઘંટ વાગ્યા પછી ભાઈ આવે, સાહેબ પહેલાં આવ્યા હોય ! અને સાહેબ મોડા આવે તો ચાલે, પણ છોકરાં તો ઘંટ વાગ્યા પહેલાં નિયમથી આવે ને ? પણ આ આડાઈ. ‘સાહેબ, એના મનમાં શું સમજે છે ?' કહેશે. લે !! અલ્યા, ભણવા જવું છે કે તારે બાખડી બાંધવી છે ? ત્યારે કહે, ‘ના, બાખડી બાંધવાની પહેલાં.’ બાખડી બાંધવાની કહેવાય એને. તમે બાખડી શબ્દ સાંભળેલો ? તમે હઉ સાંભળેલો ? ત્યારે સારું.
૨૦
પ્રશ્નકર્તા : તો સાહેબ તમને કશું કહી ના શકે ?
દાદાશ્રી : કહેય ખરા, પણ કહેવાય નહીં. એને ભડક લાગે કે બહા૨ પથરો મારશે, માથું તોડી નાખશે.
પ્રશ્નકર્તા : દાદા, તમે આવા તોફાની હતા ?
દાદાશ્રી : ખરા, તોફાની ખરા. માલ જ તોફાની બધો, આડો માલ. પ્રશ્નકર્તા : અને એમાં આવું ‘જ્ઞાન' થઈ ગયું, એ તો બહુ કહેવાય.
દાદાશ્રી : ‘જ્ઞાન’ થઈ ગયું. કારણ કે મહીં ચોખ્ખું હતું ને ? મમતા નહોતી. વાંધો જ આ અહંકારનો હતો. પણ મમતા નહોતી એટલે આ દશા થઈ ! સહેજે મમતા નહીં, લાલચ નહીં પણ મારું નામ દીધું કે પેલાનું આવી બન્યું. એટલે કેટલાક તો મારી પાછળ એવું કહે, આની મિયાંપણી બહુ જ છે. ત્યારે કેટલાક તો કહેશે, અરે, જવા દો ને, તુંડમિજાજી છે.’ એટલે મારા માટે શું શું વિશેષણ વપરાય, તે બધું પાછળ રહીને જાણે પાછો. પણ મને મમતા નહોતી. એ મુખ્ય ગુણ સરસ હતો, એનો પ્રતાપ આ ! અને મમતાવાળો સો ગણો ડાહ્યો હોય તોય સંસારમાં જ ઊંડો ઊતરેલો હોય. અમે મમતારહિત, તે ખરેખર મઝા આવી. આ મમતા એ જ સંસાર છે, અહંકાર એ સંસાર નથી.