________________
દાન
દાન
દાત શા માટે ? પ્રશ્નકર્તા : આ દાન શા માટે કરવામાં આવે છે?
દાદાશ્રી : એવું છે ને, એ દાન પોતે આપીને લેવા માગે છે. સુખ આપી અને સુખ લેવા માંગે છે. મોક્ષ માટે દાન નથી આપતો. એ સુખ લોકોને આપો તો તમને સુખ મળશે. જે તમે આપો તે મળશે. એટલે એ તો નિયમ છે. એ તો આપવાથી આપણને મળે છે, પ્રાપ્તિ થાય છે. લઈ લેવાથી ફરી જતું રહે છે.
પ્રશ્નકર્તા : ઉપવાસ કરવો સારો કે કંઈક દાન કરવું સારું ?
દાદાશ્રી : દાન કરવું એટલે શું કે ખેતરમાં વાવવું. ખેતરમાં વાવી આવવું એટલે એનું ફળ મળશે. અને ઉપવાસ કરવાથી મહીં જાગૃતિ વધશે. પણ શક્તિ પ્રમાણે ઉપવાસ કરવાનું ભગવાને કહ્યું છે.
દાત એટલે જ સુખ આપવું! દાન એટલે બીજા કોઈ પણ જીવને, મનુષ્ય હોય કે બીજાં પ્રાણી હોય તેમને સુખ આપવું. એનું નામ દાન. અને બધાંને સુખ આપ્યું એટલે એનું ‘રીએક્શન' આપણને સુખ જ આવે. સુખ આપો તો તરત જ સુખ તમારે ઘેર બેઠાં આવે !
તમે દાન આપતા હોય તો તમને અંદર સુખ થાય. પોતાના ઘરના રૂપિયા આપો છતાં સુખ થાય, કારણ કે સારું કામ કર્યું. સારું કામ કરે એટલે સુખ થાય અને ખરાબ કામ કરે તે ઘડીએ દુઃખ થાય. એના ઉપરથી આપણને ઓળખાય કે કયું સારું ને કયું ખોટું ?
આનંદ પ્રાપ્તિના ઉપાય ! પ્રશ્નકર્તા: માનસિક શાંતિ મેળવવા માટે માણસે કોઈ ગરીબ હોય, કોઈ અશક્ત હોય, એની સેવા કરવી કે ભગવાનની ભજના કરવી કે કોઈને દાન આપવું ? શું કરવું ?
દાદાશ્રી : માનસિક શાંતિ જોઈતી હોય તો આપણી ચીજ બીજાને ખવડાવી દેવી. કાલે આઈસ્ક્રીમનું પીપડું ભરીને લાવજે અને આ બધાને ખવડાવજે. તે ઘડીએ આનંદ કેટલો બધો થાય છે તે તું મને કહેજે. આ લોકોને આઈસ્ક્રીમ ખાવો નથી. તું તારે શાંતિનો અખતરો કરી જો. આ કંઈ શિયાળામાં નવરા નથી આઈસ્ક્રીમ ખાવા. એવી રીતે તું જ્યાં હોય ત્યાં, કોઈ જાનવર હોય, આ માંકડા હોય છે, તેમને ચણા નાખ નાખ કરે તો તે કૂદાકૂદ કરે, ત્યાં તારા આનંદનો પાર નહીં રહે. એ ખાતાં જશે અને તને આનંદનો પાર નહીં રહે. આ કબૂતરાંને તું ચણ નાખે તે પહેલાં કબૂતરાં આમ કૂદાકૂદ કરવા માંડે. અને તેં નાખ્યું, તારી પોતાની વસ્તુ તે બીજાને આપી કે મહીં આનંદ શરૂ થઈ જાય. હમણે કોઈ માણસ રસ્તામાં પડી ગયો અને એનો પગ ભાંગી ગયો અને લોહી નીકળતું હોય ત્યાં તારું ધોતિયું ફાડીને આમ બાંધું તે વખતે તને આનંદ થાય. ભલેને સો રૂપિયાનું ધોતિયું હોય, તે ફાડીને તું બાંધે પણ તે ઘડીએ તને આનંદ ખૂબ થાય.
દાત, ક્યાં અપાય ?
પ્રશ્નકર્તા : અમુક ધર્મોમાં એવું કહ્યું છે કે જે કોઈ કમાણા હોય એમાંથી અમુક ટકા દાન કરો, પાંચ-દસ ટકા દાન કરો, તો એ કેવું ?