________________
ચિંતા
ચિંતા આવે ક્યાંથી ?
દાદાશ્રી : ચિંતા કોઈ દહાડો કરેલી ખરી ?
પ્રશ્નકર્તા : ચિંતા તો માનવ સ્વભાવ છે, એટલે ચિંતા એક યા બીજા કોઈ સ્વરૂપે એ હોય જ.
દાદાશ્રી : માણસનો સ્વભાવ કેવો છે કે પોતાને કોઈ ધોલ મારે, એને સામે ધોલ મારે. પણ જોડે જોડે કોઈ સમજણવાળો હોય તો એ વિચાર કરે કે આ મારે કાયદો હાથમાં ન લેવો જોઈએ. કેટલાક લોકો કાયદો હાથમાં ય લે. હવે આ ચિંતા કરવી એ કાયદો હાથમાં લેવા બરોબર છે. કાયદો હાથમાં લેવો ગુનો કહેવાય. ચિંતા કેમ કરાય માણસને ? દરેક ભગવાન એમ કહીને ગયા કે કોઈ ચિંતા કરશો નહીં. બધું અમારે માથે જોખમદારી રાખજો.
પ્રશ્નકર્તા : પણ એ બોલવું અને વ્યવહારમાં મૂકવું એની વચ્ચે બહુ જબરજસ્ત ફેર છે.
દાદાશ્રી : ના, હું વ્યવહારમાં છોડવાનું નથી કહેતો. આ તો વિગત કહું છું. એમ કંઈ છૂટે નહીં ચિંતા, પણ આ ચિંતા એ નથી કરવાની, છતાં થઈ જાય છે બધાને.
ચિંતા
હવે આ ચિંતા થાય ત્યારે દવા શું ચોપડો છો ? ચિંતાની દવા નથી આવતી ?
ચિંતા, ત્યાં અનુભૂતિ ક્યાંથી ? પ્રશ્નકર્તા : ચિંતાથી પર થવા માટે ભગવાનના આશીર્વાદ માંગીએ કે આમાંથી હું ક્યારે છૂટું, એટલા માટે ‘ભગવાન, ભગવાન” કરીએ. એ માધ્યમથી આપણે આગળ વધવા માંગીએ છીએ. છતાં હજી મને મારા અંદર રહેલા ભગવાનની અનુભૂતિ થતી નથી. - દાદાશ્રી : શી રીતે અનુભૂતિ થાય ? ચિંતામાં અનુભૂતિ થાય નહીં ને ! ચિંતા અને અનુભૂતિ, બે સાથે ના હોય. ચિંતા બંધ થાય તો અનુભૂતિ થાય.
પ્રશ્નકર્તા : ચિંતા કેવી રીતે મટે ?
દાદાશ્રી : અહીં સત્સંગમાં રહેવાથી. સત્સંગમાં કોઈ દહાડો આવ્યા છો ?
પ્રશ્નકર્તા : બીજે સત્સંગમાં જાઉં છું.
દાદાશ્રી : સત્સંગમાં જવાથી જો ચિંતા બંધ ના થતી હોય તો એ સત્સંગ છોડી દેવો જોઈએ. બાકી, સત્સંગમાં જવાથી ચિંતા બંધ થવી જ જોઈએ.
પ્રશ્નકર્તા : ત્યાં બેસીએ એટલી વાર શાંતિ રહે.
દાદાશ્રી : ના, એને કંઈ શાંતિ ના કહેવાય. એમાં શાંતિ નથી. આવી શાંતિ તો આપણે ગપ્પાં સાંભળીએ તો ય શાંતિ થાય. સાચી શાંતિ તો કાયમ રહેવી જોઈએ, ખસવી જ ના જોઈએ. એટલે ચિંતા થાય એ સત્સંગમાં જવાય જ કેમ કરીને ? સત્સંગવાળાને કહી દેવાનું કે, “ભઈ, અમને ચિંતા થાય છે, માટે હવે અમે અહીં આવવાના નથી, નહીં તો તમે કંઈક દવા એવી કરો કે ચિંતા ના થાય.”