________________
ચમત્કાર
૧૫
ચમત્કાર
તે પહેલાં તો સિક્કો એટલો બધો ગરમ થઈ ગયો, તે પેલાએ છોડી દીધો પૈસો, દઝાઈ જાય એવો હતો ! પછી મેં પેલાને કહ્યું, “બીજા ચમત્કાર કરવા હોય તે કર, પણ તું આ ચમત્કારનો મને ખુલાસો કરી આપ.” ત્યારે એ કહે, ‘આમાં એવી ચીજો આવે છે, ‘કેમિકલ્સ' કે અમે એ “કેમિકલ્સ’ સિક્કા પર આમ સહેજ ઘસી અને પાછો આપીએ, તે ઘડીએ ઠંડો હીમ જેવો હોય. થોડો ટાઈમ થાય એટલે ગરમ ગરમ થઈ જાય.’ એટલે આ સાયન્સ' છે, ચમત્કાર નથી ! કાં તો આપણે જે જાણતા નથી તે આ વિજ્ઞાન છે કે બીજું કંઈ એની હાથચાલાકી છે. અને કોઈ એવું કરે ત્યારે આપણે એટલું કહી શકીએ કે ‘તમારી ચાલાકીને ધન્ય છે કે મારા જેવાને પણ ગૂંચવાડામાં મૂકી દો છો તમે !” એટલું કહી શકીએ પણ ‘તમે ચમત્કાર કરો છો' એવું ના બોલાય !
તળ્યાં ભજીયાં કાગળની કઢાઈમાં !!! હું અઠ્ઠાવીસ વર્ષનો હતો ત્યારે અમારા દસેક દોસ્તારો બેઠા હતા, ત્યારે ચમત્કારની વાત નીકળી. તે ઘડીએ તો મારામાં અહંકારી ગુણને એટલે અહંકાર તરત ફૂટી જાય. અહંકાર ફૂટ્યા વગર રહે નહીં. એટલે હું બોલી ઉઠ્યો કે, “શું ચમત્કાર ચમત્કાર કરો છો ? લે, ચમત્કાર હું કરી આપું.” ત્યારે બધા કહે, ‘તમે શું ચમત્કાર કરો છો ?” ત્યારે મેં કહ્યું, ‘આ કાગળ છે. એની કઢાઈમાં ભજીયાં તળી આપું, બોલ !” ત્યારે બધા કહે, “અરે, એવું હોતું હશે ? આ તે કંઈ ગાંડી વાત કરો છો ?” મેં કહ્યું, ‘કાગળની કઢાઈ કરી, મહીં તેલ રેડીને, સ્ટવ ઉપર મૂકીને ભજીયાં કરી આપે અને તમને બધાને એક એક ખવડાવું.” ત્યારે બધા કહે, ‘અમારી સો રૂપિયાની બીટ.” કહ્યું, “ના. એ બીટને માટે આ નથી કરવાનું. આપણે ઘોડેસ્વારી નથી કરવાના. સોને બદલે દસ રૂપિયા કાઢજે. તે પછી આપણે ચા-નાસ્તો કરીશું.” અને તે દહાડે તો દસ રૂપિયામાં તો બહુ ભયો ભયો !
અમારે ત્યાં વડોદરે ન્યાય મંદિર છે, તેનો મોટો સેન્ટ્રલ હોલ હતો. ત્યાં એક જણનું ઓળખાણ હતું. એટલે ત્યાં હોલમાં આ પ્રયોગ કરવાનું રાખ્યું. બહુ માણસ ભેગા થયા ન હતા. દસ અમે ને બીજા પાંચ-પચ્ચીસ માણસ હતા. ત્યાં મેં આ પ્રયોગ કર્યો અને એક સ્ટવ મંગાવ્યો, કાગળની કઢાઈ બનાવી અને ભજીયાંનું ખીરું બનાવ્યું. આમ ભજિયાં તો મને
બનાવતાં આવડે. નાનપણમાં ખાવાની ટેવને, એટલે ઘેર કોઈ ના હોય તો આપણે જાતે બનાવીને ખાઈ લઈએ. એટલે આ અહીં આગળ મેં તો તેલ મૂક્યું અને પછી કઢાઈ સ્ટવ ઉપર મૂકતાંની સાથે પહેલું મેં શું કર્યું ? આવું કર્યું. હાથ ઊંચાનીચા કરી જાદુમંતર મારે, એ અભિનય કર્યો. એટલે પેલાં બધા એમ સમજ્યા કે આ કંઈક મંત્ર માર્યો ! કારણ કે એવું ના કરું તો એ લોક ભડકે. એટલે હિંમત રહે માટે કર્યું. નહીં તો એમના ભડકાટની અસર મારી પર પડે, ‘સાયકોલોજી” પડે ને ?! કે હમણાં બળી જશે ! પેલો મંત્ર માર્યોને એટલે લોકો ઉત્કંઠાથી જોયા જ કરતાં હતાં કે કંઈક મંત્ર માર્યો હશે ! પછી મેં કઢાઈ સ્ટવ પર મૂકી. પણ કંઈ સળગ્યું નહીં એટલે એ જાણે કે મેં મંત્ર ચોક્કસ માર્યો ! તેલ ઊકળ્યું પછી એક એક ભજીયું મહીં મૂક્યું. ભજીયું તો મહીં કૂદાકૂદ કરવા માંડ્યું ! પછી દસ-બાર ભજીયાં કાઢ્યા ને બધાને એક એક ખવડાવ્યું. જરાક કદાચ કાચું રહ્યું હશે. કારણ કે આ મોટું થાય નહીં ને ! વાસણ નાનું ને ! આ તો ફક્ત એટલું એમને સમજાવવા માટે કરવાનું કે આ બની શકે છે. પછી બધા મને કહે છે કે, ‘તમે તો ચમત્કાર જાણો છો, નહીં તો આ તે કંઈ થાય ?” મેં કહ્યું, ‘આ તને શીખવાડું એટલે તું ય કરી શકે. જે બીજાને આવડે, એને ચમત્કાર કહી શકાય નહીં.”
- હું તમને એક ફેરો કાગળની કઢાઈમાં ભજીયાં કરી બતાવું એટલે તમે બીજે દહાડે પછી કરી શકો. તમને શ્રદ્ધા બેસી જવી જોઈએ કે આ મંત્ર માર્યા વગર થાય છે. એટલે તમારાથી થઈ શકે !
એટલે કોઈ પણ માણસ એવો નથી કે જેને ચમત્કાર આવડે. આ તો બધું વિજ્ઞાન છે. વિજ્ઞાનનો સ્વભાવ છે, જે કાગળમાં તેલ મૂકો તો કેવી સ્થિતિમાં કાગળ બળી જાય છે ને કેવી સ્થિતિમાં કાગળ નથી બળતો, એ વિજ્ઞાન જાણે છે. નીચે સ્ટવ સળગે, ઉપર તેલ છે પણ કઈ સ્થિતિમાં કાગળ નથી બળતો ! આ તો મેં જાતે અનુભવ કર્યો.
પ્રશ્નકર્તા : કાગળ બળ્યો નહીં, એ કેવી રીતે ?
દાદાશ્રી : એની રીત નથી, એ તો કાગળનો સ્વભાવ જ એવો છે. કે જો નીચે સહેજ પણ તેલ ચોંટેલું હોત ને, તો ભડકો થાત.