________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૭૧ પ્રશ્નકર્તા : આકર્ષણનું પ્રતિક્રમણ કરવું પડે ?
દાદાશ્રી : હાસ્તો ને ! આકર્ષણ-વિકર્ષણ આ શરીરને થતું હોય તો આપણે ચંદુભાઈને કહેવું પડે કે, ‘હે ચંદુભાઈ, અહીં આકર્ષણ થાય છે તો પ્રતિક્રમણ કરો.’ તો આકર્ષણ બંધ થઈ જાય. આકર્ષણ-વિકર્ષણ બેઉ છે તે આપણને રઝળાવનારાં છે. આ પુદ્ગલ શું કહે કે, ‘તમે શુદ્ધાત્મા થઈ ગયા એનો મને વાંધો નથી, પણ તમારો મોક્ષ ક્યારે થશે ? અમે તો શુદ્ધ પરમાણુ રૂપે હતા, પણ તમે જ અમને બગાડ્યા છે. માટે અમને શુદ્ધ કરી નાખો. જેવા હતા તેવા કરી નાખો તો તમે છૂટશો. જ્યાં સુધી અમને શુદ્ધ કરશો નહીં ત્યાં સુધી તમે છૂટશો નહીં'. આ પુદ્ગલનો નિકાલ ના થાય ત્યાં સુધી એ છોડે નહીં. તેથી આપણે આ બધી ફાઈલોનો સમભાવે નિકાલ કરવાનું કહ્યું; તે પરમાણુ શુદ્ધ થવા માટે કહેલું છે.
- પુદ્ગલની પોતાની એવી જુદી જુદી શક્તિઓ છે કે આત્માને આકર્ષણ કરે છે. એ શક્તિથી જ પોતે માર ખાધો છે ને ! આત્મા છે. તે પુદ્ગલની શક્તિ જાણવા નીકળ્યો કે આ શું છે ? આ કઈ શક્તિ છે ? હવે એમાં એ પોતે જ ફસાયો ! હવે શી રીતે છૂટે ?! પોતાનાં સ્વરૂપનું ભાન થાય તો છૂટે !