________________
એવી સૂક્ષ્માતિસૂક્ષ્મ ‘રોંગ બિલિફ' છે ત્યાં સુધી વિષયના પરમાણુ સંપૂર્ણપણે નિર્જરી જતા નથી. એ ‘રોંગ બિલીફ’ સંપૂર્ણ સર્વાગપણે ઊંડે ત્યાં સુધી જાગૃતિ અતિ અતિ સૂક્ષ્મપણે રાખવી ઘટે. સહેજ પણ ઝોકું આવી જાય તે પૂરેપૂરી નિર્જરા થવામાં આંતરો નાખે છે.
વિષય હોવો જ ના જોઈએ. આપણને વિષય કેમ રહે ? અગર તો ઝેર પીને મરીશ પણ વિષયના ખાડામાં નહીં જ પડું. એવા અહંકારે કરીને ય વિષયથી વિખૂટા પડવા જેવું છે. એટલે ગમે તે રસ્તે છેવટે અહંકાર કરીને ય આ વિષયથી છૂટવા જેવું છે. અહંકારથી બ્રહ્મચર્ય પકડાય છે, જેના આધારે ઘણો ખરો સ્થળ વિષયભાગ જીતી જવાય છે ને પછી સૂક્ષ્મતાએ ‘સમજ' સમજી કરીને અને આત્મજ્ઞાનના આધારે વિષયથી સંપૂર્ણપણે સર્વાગપણે મુક્તિ મેળવી લેવાની છે.
નિર્વિકારી દ્રષ્ટિ વેદી નથી ત્યાં સુધી ક્યાં ય દ્રષ્ટિ મિલાવવી એ ભયંકર જોખમ છે. તેમ છતાં જ્યાં જ્યાં દ્રષ્ટિ બગડે, મન બગડે, ત્યાં
ત્યાં તે વ્યક્તિના શુદ્ધાત્માનાં દર્શન કરી, પ્રગટ ‘જ્ઞાની પુરુષ'ને સાક્ષીમાં રાખીને મનથી, વાણીથી કે વર્તનથી થયેલા વિષય સંબંધી દોષનો ખુબ ખૂબ પસ્તાવો કરવો, ક્ષમા પ્રાર્થવી ને ફરી ક્યારે ય એવો દોષ ના થાય એવો દ્રઢ નિશ્ચય કરવો. આમ યથાર્થપણે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન થાય તો વિષયદોષથી મુક્તિ થાય.
જ્યાં વધારે બગાડ થતો હોય ત્યાં તે વ્યક્તિના જ શુદ્ધાત્મા પાસે મનમાં બ્રહ્મચર્યની શક્તિઓ માંગ માંગ કરવી પડે ને જ્યાં ખુબ જ ચીકણું હોય ત્યાં કલાકોના કલાકો પ્રતિક્રમણ કરી ધો ધો કરવું પડે તો એવા વિષયદોષથી છૂટાય.
સામાયિકમાં આજ દિન સુધી પૂર્વે જ્યાં જ્યાં, જ્યારે જ્યારે થયેલા પ્રત્યેક વિષય સંબંધી દોષોને આત્મભાવમાં રહીને જાગૃતિપૂર્વક જોઈ તેનું યથાર્થ પ્રતિક્રમણ કરી નાખવાનું હોય છે, ત્યારે એ દોષોથી મુક્તિ થાય. આખા દિવસ દરમિયાન થયેલાં અલ્પ પણ વિચારદોષ કે દ્રષ્ટિદોષનું પ્રતિક્રમણ કરી તથા તે દોષનું, વિષયના સ્વરૂપનું, તેનાં પરિણામનું, તેની સામેની જાગૃતિનું, ઉપાયોનું પૃથક્કરણ સામાયિકમાં થાય. ખરેખર તો
વિષયદોષનાં પ્રતિક્રમણ ‘શૂટ ઓન સાઈટ' કરવાં જ જોઈએ. છતાં અજાગૃતિમાં રહી ગયેલું અગર તો ઉતાવળમાં અધૂરું થયેલું, અગર તો ઊંડાણપૂર્વકનું ‘એનાલિસીસ’ સામાયિકમાં સ્થિરતાથી સંપૂર્ણપણે થાય ત્યારે એ દોષો ધોવાય.
વિષયની ગાંઠો જ્યારે ફૂટ્યા કરતી હોય, ચિત્ત વિષયમાં ખોવાયેલું ને ખોવાયેલું જ રહે, બાહ્ય સંયોગો પણ વિકારને ઉત્તેજિત કરનારા મળે, એવા સમયે ક્યારેક શ્રુતજ્ઞાન પણ કામ લાગે નહીં, ત્યારે ત્યાં તો ‘જ્ઞાની પુરુષ” પાસે પ્રત્યક્ષમાં જ મુંઝવણોની આલોચના કરે, પ્રતિક્રમણ કરે, પ્રત્યાખ્યાન કરે તો જ ઉકેલ આવે !
વિષય રોગ આખો ય કપટના આધારે ટકેલો છે, અને કપટને કોઈની પાસે ખુલ્લુ કરી દેવામાં આવે તો વિષય નિરાધાર બની જાય ! નિરાધાર વિષય પછી કેટલું ખેંચી શકે ? વિષયને નિર્મળ કરવા માટે ‘આ’ મોટામાં મોટી, પાયાની ને અતિ મહત્વની વાત છે. વિષય સંબંધી ગમે તેટલો ભયંકર દોષ થયો હોય પણ તેની ‘જ્ઞાની પુરુષ' પાસે આલોચના થાય તો દોષથી છૂટી જવાય ! કારણ કે આમાં પાછલા ગુનાઓ જોવાતા નથી, તેનો નિશ્ચય જોવાય છે ! વિષયમાંથી છૂટવાની જે તમન્ના જાગૃત થાય છે તે ઠેઠ સુધી ટકે, તો તે તમન્ના જ વિષયમાંથી મુક્ત કરાવડાવે છે.
- બ્રહ્મચર્ય અખંડ પાળવાનો ધ્યેય, તેમાં બ્રહ્મચર્યની આવશ્યકતા, બ્રહ્મચર્યની સિદ્ધિના પરિણામે પ્રાપ્ત થતી આત્મસિદ્ધિની પરાકાષ્ઠા, આત્માનો સ્પષ્ટ અનુભવ, આત્મસુખનું સ્પષ્ટ વેદન, ઈ. ઈ. નિરંતરની ચિંતવના વિષયની બ્રાંત માન્યતાઓથી મુક્ત કરાવી સાચું દર્શન ફીટ કરાવે છે. આવાં ચિંતવનોપૂર્વકની સામાયિક વારંવાર કરવી ઘટે, તો દરેક વખતે નવું ને નવું જ દર્શન થયા કરે ને પરિણામે ધ્યેય સ્વરૂપ થવાય તેમ છે.
પોતાનું સ્વરૂપ શુદ્ધાત્મા છે કે જે સૂક્ષ્મતમ છે તે વિષય માત્ર સ્થળ છે. સ્થળને સૂક્ષ્મ કઈ રીતે ભોગવે ? આ તો અહંકારથી વિષય ભોગવે છે ને આરોપણ આત્મા પર જાય છે ! કેવી ભ્રાંતિ !!! ‘આત્મા સૂક્ષ્મતમ
10.