________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ના છોડે. આ બધી સ્ત્રીઓ કંઈ આપણને આકર્ષતી નથી, જે આકર્ષે છે. તે આપણો પાછલો હિસાબ છે; માટે ત્યાં ઉખેડીને ફેંકી દો, ચોખ્ખું કરી નાખો. આપણા જ્ઞાન પછી કશો વાંધો નથી આવતો, માત્ર એક વિષય માટે અમે ચેતવીએ છીએ. દ્રષ્ટિ માંડવી જ ગુનો છે અને એ સમજ્યા પછી જોખમદારી ખૂબ વધી જાય છે, માટે કોઈની જોડે દ્રષ્ટિ જ ના માંડવી. દ્રષ્ટિ માંડવાથી જ બધું બગડે છે. દ્રષ્ટિ બગડે છે, તે ય એકદમ નથી બગડતી, પહેલાંનો હિસાબ હોય તો જ આકર્ષણ થાય. મૂળ દ્રષ્ટિ ના બગડે, બગડેલી જ દ્રષ્ટિ બગડે.
પ્રતિક્રમણ પછી, દંડનો ઉપાય ! ગયા અવતારે જે ભૂલ થયેલી, તેનાથી આ અવતારે દ્રષ્ટિ પડી જાય. આપણે દ્રષ્ટિ ના પાડવી હોય તો ય દ્રષ્ટિ પડી જાય. દ્રષ્ટિ પડ્યા પછી આપણે ના ખેંચાવા દેવું હોય તો ય પાછું મન ખેંચાય. એટલે પહેલાંનો હિસાબ છે માટે આવું બધું થાય છે, ત્યાં આપણે પ્રતિક્રમણ કરીને છૂટીએ, તો ય પાછું ફરી દ્રષ્ટિ પડે તો ફરી પ્રતિક્રમણ કરીએ, એવું સો-સો વખત પ્રતિક્રમણ કરે ત્યારે છૂટાય. કેટલાંક પાંચ પ્રતિક્રમણથી છૂટે. કેટલાંક એક પ્રતિક્રમણથી છૂટે.
પ્રશ્નકર્તા: પ્રતિક્રમણ કર્યા છતાંય ત્યાં ચાલ્યું જાય, તો એ નબળાઈ જ ને ? કે પછી દાનત ચોર થઈ જાય છે ? કે મહીં, મન-બુદ્ધિ-ચિત્તઅહંકાર પોતાને છેતરવા લાગે છે ?
દાદાશ્રી : પ્રતિક્રમણ કર્યા છતાં કાર્ય થઈ જાય, તો તો પછી એ ‘વ્યવસ્થિત છે. એ ‘વ્યવસ્થિત’ના હાથમાં આવી ગયું કહેવાય, એ વ્યવસ્થિતની ભૂલ છે. છતાં આ વધારે પડતું થાય ત્યારે એના માટે ખાસ ઉપવાસ ને એવું બધું દંડ લેવો જોઈએ, આને વીંધ્યું કહેવાય. ગોળી મારીએ ને એક્ઝક્ટ જગ્યાએ વાગે એવું આ વીંધ્યું કહેવાય. એનાથી કર્મ ના બંધાય. એટલે આ ફરી ભૂલ થાય ત્યાં આગળ તો આપણે પ્રતિક્રમણ કરવું જોઈએ, જોડે જોડે બીજી કંઈક શિક્ષા લેવી જોઈએ. આપણા મનને ભાવતું હોય તે દહાડે ઓછું કરી નાખીએ, એવી કંઈક શિક્ષા કરવી જોઈએ.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
જોવું, સામાન્ય ભાવે ! સ્ત્રી સંબંધી તો આંખ પહેલી બગડે. આંખ બગડે પછી આગળ વધે છે. જેની આંખ ના બગડી તેને કશું જ ના થાય. હવે તારે જો સેફસાઈડ થવું હોય તો આંખ બગડવા ના દેવી અને આંખ બગડી હોય તો પ્રતિક્રમણ કરવું.
પ્રશ્નકર્તા : એ વિષય-વિકારી દ્રષ્ટિના પરિણામ કેવા ?
દાદાશ્રી : અધોગતિ. આ તો આખો દહાડો ‘ચા’ સાંભરે. ‘ચા’ દેખે ને દ્રષ્ટિ બગડે, તો તે ચા પીધા વગર રહે કે પછી ? દ્રષ્ટિ ના બગડે એ મોટામાં મોટો ગુણ કહેવાય.
ભગવાને કહેલું કે જગતમાં બધી ચીજો ખાજો, પણ મનુષ્ય જાતિની આંખને ના જોશો અને એના મોઢાને ધારી ધારીને ના જોશો. જુઓ તો સામાન્ય ભાવે જોજો, વિષય ભાવે જોશો નહીં. આ કેરીઓ જોઈએ અને બાજુએ મૂકીએ તો પડી રહે, એને એક જ બાજુ છે; પણ આ જીવતી જીવાત તો ચોંટી પડશે, પછી બાજુએ મૂકશો તો દાવો માંડશે. આ લગનમાં દરવાજે ઊભા હોય ને દરેક માણસ આવે, એને ધારી ધારીને જુએ છે ? ના. એ તો એક આવે ને એક જાય એમ સામાન્ય ભાવે જુએ, એવું જોવાનું છે. અમારે જ્ઞાન થતાં પહેલાં નક્કી જ રાખેલું કે સામાન્ય ભાવે જોવું.
આ બધા લોકો ના હોત તો સારું ને ? આપણા ભાવ જ બગડત નહીં ને ?!
પ્રશ્નકર્તા: ના, એ તો આપણી મહીં જ એવા ભાવ છે, એટલે સામાં નિમિત્ત ભેગાં થયાં છે ને ? એટલે આપણો ભાવ જ આપણે તોડી નાખવા જોઈએ, તો નિમિત્ત વળગે નહીં ને !
દાદાશ્રી : ખરું કહ્યું. એટલે જ અમે કહીએ છીએ કે આપણે ભાવનિદ્રા ટાળો. સર્વ પ્રકારના ભાવ આવે એવા આ લોકો છે, તેમાં ભાવનિદ્રા ના આવવી જોઈએ, દેહનિદ્રા આવે તો ચાલશે.
પ્રશ્નકર્તા : પણ ભાવનિદ્રા જ આવે છે ને ?