________________
૨૯૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય મૂર્છા ઊડી ગઈ’ એવું બોલીએ તેથી કરીને કશું ના વળે, મૂર્છા તો એક્ઝેક્ટ જવી જ જોઈએ. અને તે ય જ્ઞાની પુરુષની પાસે ટેસ્ટ કરાવી લેવું જોઈએ કે, ‘સાહેબ, મારી મૂર્છા ગઈ કે નહીં, એ ટેસ્ટ કરી આપો.’ નહીં તો મહીં એવી એવી વકીલાતો ચાલે કે ‘બસ, હવે બધી મૂર્છા ઊડી ગઈ છે, હવે કોઈ વાંધો નથી !' એટલે વકીલાતો કરનારા બહુ ને ! માટે જાગૃત રહેવું ! અપરાધ થઈ જાય એવી જગ્યાએથી ખસી જવું. આત્મા તો આપ્યો છે અને એ આત્મા અસંગ સ્વભાવનો છે, નિર્લેપ સ્વભાવનો છે. પણ અનંત અવતારથી પુદ્ગલની ખેંચ છે. તમે જુદા થયા, પણ પુદ્ગલની ખેંચ છોડે નહીં ને ?! એ ખેંચ જાય નહીં ને ?! સ્ત્રી-પુરુષના આકર્ષણમાં એ જાગૃતિ ના રાખી, તો પુદ્ગલની ખેંચ એને અંધારામાં નાખી દે.
અંતે તો આત્મરૂપ જ થવાનું છે !
પ્રશ્નકર્તા : જ્યારથી બ્રહ્મચર્યની વિચારણા શરૂ થઈ છે, ત્યારથી તે બાજુ મજબૂત બનવા માંડ્યું છે. તો મહીં પાછો આ અહંકારે ય સાથે સાથે ઊભો થવા માંડ્યો, એ ય આમ હેરાન કરે ઘણીવાર.
દાદાશ્રી : કેવો અહંકાર ઊભો થાય ?
પ્રશ્નકર્તા : ‘હું કંઈક છું, હું કેવું સરસ બ્રહ્મચર્ય પાળું છું.’ એવો. દાદાશ્રી : એ તો નિર્જીવ અહંકાર છે.
પ્રશ્નકર્તા : મહીં આ બધી ખુમારી ભરી હોય તેવું થઈ જાય.
દાદાશ્રી : હા, પણ તો ય એ તો બધો નિર્જીવ અહંકાર કહેવાય. મરેલો માણસ બેઠો થઈ જાય તો આપણે ત્યાંથી નાસી જવું ?! બાકી, બ્રહ્મચર્યનો ખરો અર્થ શો છે કે બ્રહ્મમાં ચર્યા. શુદ્ધાત્મામાં જ રહેવું, એનું નામ બ્રહ્મચર્ય. પણ આ તો લોક બ્રહ્મચર્યનો શો અર્થ કરે છે ? નળને દાટો મારી દો. પણ દૂધ પીધું, તેનું શું થશે ? આખા જગતે વિષયોને વિષ કહ્યાં. પણ અમે કહીએ છીએ, વિષયો એ વિષ નથી, પણ વિષયોમાં નીડરતા એ વિષ છે.’ નહીં તો મહાવીર ભગવાનને છોડી શી રીતે થાત ?
જગત વાતને સમજ્યું જ નથી. રિલેટિવમાં બ્રહ્મચર્ય હોવું ઘટે, પણ આ
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૯૩
તો પાછાં એક જ ખૂણામાં પડ્યા રહે છે અને બ્રહ્મચર્યનો જ આગ્રહ કરે છે અને તેનો જ દુરાગ્રહ કરે છે. બ્રહ્મચર્યના આગ્રહી થાય છે તેનો વાંધો નથી, પણ દુરાગ્રહી થયા તેનો વાંધો છે. આગ્રહ એ અહંકાર છે અને દુરાગ્રહ એ જબરજસ્ત અહંકાર છે. બ્રહ્મચર્યનો દુરાગ્રહ કર્યો એટલે ભગવાન કહે છે, ‘માર ચોકડી.’ પછી ભલેને બ્રહ્મચર્ય પાળતો હોય.
પ્રશ્નકર્તા : બધી બાબત માટે કોઈના દોષ મને ના દેખાય, પણ બ્રહ્મચર્ય માટે મને કોઈ અવળું કહે તો મારી બહુ હટી જાય, તરત જ એનાં દોષ દેખાવા માંડે.
દાદાશ્રી : આ શાથી ? કે આત્મા ઉપર પ્રીતિ નથી, બ્રહ્મચર્ય પર પ્રીતિ છે. પણ બ્રહ્મચર્ય એ પુદ્ગલ છે. આત્મા પોતે તો બ્રહ્મચારી જ છે, નિરંતર બ્રહ્મચારી છે ! આ તો આપણે બહારનો ઉપાય કરીએ છીએ અને તે પણ કુદરતી રીતે ડિસ્ચાર્જ રૂપે આવ્યો હોય તો જ થાય. એટલે બ્રહ્મચર્ય એ કંઈ મુખ્ય વસ્તુ નથી. એને મુખ્ય માનીએ તો આત્માનું મુખ્યપણું જતું રહે. મુખ્ય વસ્તુ તો આત્મા છે, બીજું કશું તો મુખ્ય છે જ નહીં. બીજા આ બધા તો સંયોગ છે અને સંયોગો પાછાં વિયોગી સ્વભાવના છે. આત્મા ને સંયોગો બે જ છે, બીજું કશું છે જ નહીં જગતમાં ! એટલે મુખ્યપણું બધું એક માત્ર આત્મામાં આવી ગયું, બીજા બધાને સંયોગ કહી દીધા. સંયોગને સારો-ખોટો કરવા જશો તો, તે બુદ્ધિ વાપરી અને બુદ્ધિ વાપરી માટે આત્મા છેટો ગયો. આપણું કેટલું સરસ સાયન્સ છે !
બ્રહ્મચર્ય વ્યવહારને આધીન છે ! નિશ્ચય તો બ્રહ્મચારી જ છે ને ! આત્મા તો બ્રહ્મચારી જ છે ને !
܀܀܀܀܀