________________
‘દાદા ભગવાન’ કોણ
જૂન ઓગણીસસો અઠ્ઠાવનની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નં. ૩ પરનાં રેલવેનાં બાંકડા પર બેઠેલા અંબાલાલ મૂળજીભાઈ પટેલ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે અક્રમ સ્વરૂપે કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા ! અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભુત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું મુક્તિ શું ? 'ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા ! આમ કુદરતે, જગતને ચરણે એક અજોડ પૂર્ણ દર્શન ધર્યું અને તેનું માધ્યમ બન્યા શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ, ચરોતરનાં ભાદરણ ગામનાં પાટીદાર, કંટ્રાક્ટનો ધંધો કરનાર, છતાં પૂર્ણ વીતરાગ પુરૂષ !
એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત સિધ્ધ થયેલા જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. અક્રમ એટલે ક્રમ વિનાનો અને ક્રમ એટલે પગથિયે
પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનો ! અક્રમ એટલે લિફટ માર્ગ ! શોર્ટકટ
તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’ નો ફોડ પાડતા કહેતાં કે, “આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ ન્હોય. દાદા ભગવાન તો ચૌદલોકના નાથ છે, એ તમારામાં ય છે, બધામાં ય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.”
વેપારમાં ધર્મ ઘટે, ધર્મમાં વેપાર ન ઘટે' એ સિદ્ધાંતથી તેઓ આખું જીવન જીવી ગયાં. જીવનમાં ક્યારેય એમણે કોઈની પાસેથી પૈસો લીધો નથી. ઊલ્ટું ધંધાની વધારાની કમાણીથી ભક્તોને જાત્રા કરાવતા !
પરમ પૂજ્ય દાદાશ્રીના દેહવિલય બાદ, જે રીતે ગામેગામ સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ દાદા કરાવતા હતા, એકઝેક્ટ તે જ દાદાકૃપાથી જ્ઞાનવિધિ તેમની હાજરીમાં આપેલી જ્ઞાનસિદ્ધિથી નિમિત્ત ભાવે આજે પણ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન કરાવી રહ્યા છે. જેનો લાભ આજે હજારો મોક્ષાથી લઈને ધન્ય બને છે ! - જય સચ્ચિદાનંદ.
સંપાદકીય
બદ્રી-કેદારની જાત્રાએ લાખો લોકો ગયા ને એકાએક હીમ પડ્યું ને સેંકડો લોકો દટાઈને મરી ગયા. ત્યારે સાંભળીને દરેકને મહીં અરેરાટી વ્યાપી જાય કે કેટલાંય ભક્તિભાવથી ભગવાનના દર્શન કરવા જાય, તેને જ ભગવાન આમ મારી નાખે ?! ભગવાન ભયંકર અન્યાયી છે ! બે ભાઈઓ વચ્ચે મિલ્કતની વહેંચણીમાં એક ભાઈ બધું પચાવી જાય છે, બીજાને ઓછું મળે ત્યાં બુદ્ધિ ન્યાય ખોળે છે, છેવટે કોર્ટનો આશરો લે છે ને સુપ્રિમ કોર્ટ સુધી ઝઘડે છે. પરિણામે દુઃખીદુ:ખી થતા જાય છે. નિર્દોષ વ્યક્તિ જેલ ભોગવે છે, ગુનેગાર વ્યક્તિ મોજ કરે છે ત્યારે આમાં ન્યાય શું રહ્યો ? નીતિવાળા માણસો દુઃખી થાય, અનીતિવાળા બંગલા બાંધે ગાડીમાં ફરે ત્યાં કઈ રીતે ન્યાય સ્વરૂપ લાગે ?
આવાં તો ડગલે ને પગલે પ્રસંગો બને છે, જ્યાં બુદ્ધિ ન્યાય ખોળવા બેસી જાય છે અને દુ:ખીદુ:ખી થઈ જવાય છે ! પરમ પૂજ્ય દાદાશ્રીની અદ્ભુત આધ્યાત્મિક શોધ છે કે આ જગતમાં ક્યાંય અન્યાય થતો જ નથી. બન્યું એ જ ન્યાય ! કુદરત ક્યારેય ન્યાયની બહાર ગઈ નથી. કારણ કે કુદરત એટલે કોઈ વ્યક્તિ કે ભગવાન નથી કે કોઈનું એના પર ચલણ હોય ! કુદરત એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ
એવિડન્સિસ. કેટલા બધા સંયોગો ભેગા થાય ત્યારે એક કાર્ય બને છે ! આટલાં બધામાં અમુક જ કેમ માર્યા ગયા ?! જેનો તેનો હિસાબ હતો તે તો ભોગ બન્યા, મૃત્યુના ને દુર્ઘટનાના ! એન ઇન્સિડન્ટ હેસ સો મેની
કૉઝીઝ અને એન એક્સિડન્ટ હેસ ટુ મેની કૉઝીઝ ! પોતાને હિસાબ વગર એક મચ્છર પણ કરડી શકે નહીં ! હિસાબ છે તો જ દંડ આવ્યો છે. માટે જેને છૂટવું છે, તેણે એ જ વાત સમજવી કે પોતાની સાથે જે જે બન્યું તે ન્યાય જ છે !
‘બન્યું એ જ ન્યાય’ એ જ્ઞાનનો ઉપયોગ જેટલો જીવનમાં થશે એટલી શાંતિ રહેશે ને તેવી પ્રતિકૂળતામાં મહીં પરમાણુ પણ નહીં હાલે ! ડૉ. નીરૂબહેનના જય સચ્ચિદાનંદ