________________
સંપાદકીય પ્રસ્તુત ગ્રંથ આપ્તવાણી શ્રેણી-૧૪ (ભાગ-૨)માં અવિનાશી તત્ત્વોનું વર્ણન છે. અતિ અતિ ગુહ્ય ને સૂક્ષ્મતમ છ અવિનાશી તત્ત્વોની વાત પૂણ્યશ્રીએ સાદી ને સરળ, તળપદી ભાષામાં સામાન્ય મનુષ્યને પણ અત્રે ખંડ-૧માં સમજાવી દીધી છે. તેમાંય છ તત્ત્વોની ભાગીદારીનો દાખલો આપી સાવ સરળ કરી દીધું છે, બ્રહ્માંડની રચનાનું ગુહ્યતમ જ્ઞાન !
જડ તત્ત્વોનો માલસામાન, ગતિસહાયક તત્ત્વનું હેરાફેરી (કાટીંગ)નું કામ, સ્થિતિસહાયક તત્વ માલને ગોઠવી આપે, સ્ટોર કરે. કાળ તત્ત્વ નવું-જૂનું કરી મેનેજમેન્ટનું કામ કરે. આકાશ તત્ત્વ ધંધો કરવા માલ મૂકવા જગ્યા આપે. અને ચેતન તત્ત્વનું કાર્ય છે સુપરવાઈઝરનું. તેને બદલે તે માલિક બની બેઠો ને ભાગીદારીમાં ભાંજગડ પડી ને દાવાઓ મંડાયા. ચેતન જો પાછો નિરીક્ષક (જ્ઞાતા-દ્રષ્ટા) થઈ જાય તો નિવેડો આવી જાય, આ અનાદિની કોફ્લીક્ટ (ગૂંચવાડા, વઢવાડ)નો.
જડ પુદ્ગલ પરમાણુઓ તેમજ પુદ્ગલના રહસ્યો ખંડ-૨માં ખુલ્લાં થાય છે. તેમાંય વિશ્રસા, પ્રયોગસી અને મિશ્રસા સાદા દાખલા આપી ઈઝિલી (સરળતાથી) સમજાવી દીધું છે. પુદ્ગલની કરામત અને તેનો પ્રસવધર્મી સ્વભાવ, જગત આખું પૂરણ-ગલન છે એ વાંચતા જ મગજમાં ઊતરી જાય છે. પુદ્ગલની ક્રિયાવતી શક્તિનું રહસ્ય સમજાતાં કર્તા સંબંધીની ભ્રાંતિ ઠેઠ તાત્ત્વિકતા સુધીની ઊડી જાય છે.
પરમાણુઓની અસરો ઠેઠ ધૂળ વ્યવહાર સુધી અત્રે ખુલ્લી કરી છે. ખોરાકના પરમાણુઓની અસરો પણ જ્ઞાનીની દૃષ્ટિએ અગોપિત થાય છે.
પ્રસ્તુત ગ્રંથ વાંચતા પહેલાં સાધકે અચૂક ઉપોદ્દાત વાંચવો તો જ જ્ઞાનીના અંતર આશયનો ફોડ પડશે ને લિંક અગોપિત થશે.
પૂણ્યશ્રીની વાણી આત્મજ્ઞાન પછી વીસ વરસ સુધી જુદી જુદી વ્યક્તિના નિમિત્તે ટુકડે ટુકડે નીકળેલી છે. આખો સિદ્ધાંત એક સાથે એક વ્યક્તિ જોડે આટલાં વર્ષોમાં તો ના નીકળી શકે ને ? તે ઘણાં
બધાં સત્સંગોને ભેગા કરીને સંકલિત કરીને સિદ્ધાંત મૂકવામાં આવ્યો છે. સાધક દ્વારા એક ચેપ્ટર એક બેઠકમાં પૂરું થાય તો જ લિંક જળવાઈને સમજણમાં ગોઠવાશે. ટુકડે ટુકડે વાંચવાથી લિંક તૂટીને સમજણ ગોઠવવામાં મુશ્કેલી થવાની સંભાવના રહેશે. - જ્ઞાની પુરુષની જ્ઞાનવાણી મૂળ આત્માને સ્પર્શનિ નીકળેલી છે, જે અમૂલ્ય રત્ન સમાન છે. જુદા જુદા રત્નો ભેગા થઈ અને એકએક સિદ્ધાંતની માળા થઈ જાય. આપણે તો પ્રત્યેક વાતને સમજી સમજીને દાદાશ્રીનાં દર્શનમાં જેવું દેખાયું તેવું જ દેખાય, તેવી ભાવના સાથે વાંચતા જઈશું અને રત્નો જાળવીને ભેગા કરતાં રહીશું તો છેવટે સિદ્ધાંતની માળા થઈને ઊભી રહેશે. તે સિદ્ધાંત કાયમને માટે હૃદયગત થઈને અનુભવમાં આવી જશે.
૧૪મી આપ્તવાણી પીએચ. ડી. લેવલની છે. જે તત્ત્વજ્ઞાનનાં ફોડ પાડે છે. તેથી બેઝીક વાતો અહીં વિગતવાર નહીં મળે અથવા તો બિલકુલેય નહીં મળે. સાધક ૧૩ આપ્તવાણીઓનો તેમજ દાદાશ્રીના સર્વે મહાન ગ્રંથોનો ફૂલ સ્ટડી કરીને, સમજીને ચૌદમી આપ્તવાણી વાંચશે તો જ સમજાશે. અને નમ્ર વિનંતી છે કે બધું સમજમાં ઉતર્યા પછી જ ચૌદમી આપ્તવાણીનો સ્ટડી કરશો.
દરેક નવા મથાળાવાળું મેટર નવી વ્યક્તિ સાથેનું છે એમ સમજવું. તેથી ફરી પાછો પ્રશ્ન પૂછે છે તેમ લાગશે. પણ ઊંડા ફોડ મળતા હોવાને કારણે તેને સંકલનમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે.
એનાટોમી (શરીર વિજ્ઞાનનું) દસમા, બારમા ધોરણમાં, મેડિકલમાં વર્ણન છે. એની એ જ બેઝિક વાત આગળ જતાં ઊંડાણમાં જાય છે. તેથી તે કંઈ એનું એ જ બધા ધોરણમાં ભણવાનું છે એવું ના કહેવાય.
તમામ શાસ્ત્રોના સાર રૂપ જ્ઞાનીની વાણી હોય છે અને તે વાણી સંકલિત થાય ત્યારે સ્વયં શાસ્ત્ર બની જાય છે. તેમ આ આપ્તવાણી મોક્ષમાર્ગી માટે આત્માનુભવીના કથનના વચનોનું શાસ્ત્ર છે, જે મોક્ષાર્થીઓને મોક્ષમાર્ગે આંતરિક દશાની સ્થિતિ માટે માઈલ સ્ટોન સમ કામ લાગશે.
શાસ્ત્રોમાં સો મણ સૂતરમાં એક વાલ જેટલું સોનું વણાયેલું હોય