________________
પ્રકૃતિને આમ કરો ચોખ્ખી...
૯૫
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : હા, જો ક્ષમા એવી દેખાય, નમ્રતા એવી દેખાય. સરળતા એવી દેખાય. સંતોષ એવો દેખાય. કોઈ ચીજની ઈફેક્ટ જ નહીં. પોતાપણું ના હોય. એ બધું લોકોનાં દેખવામાં આવે. બધા બહુ ગુણો ઉત્પન્ન થઈ જાય. એ આત્માના ગુણ નથી ને આ પુદ્ગલના ય ગુણ નથી એવાં ગુણ ઉત્પન્ન થઈ જાય.
ક્ષમા તો આત્માનો ય ગુણ નથી ને પુદ્ગલનો ગુણ નથી, સહજ ક્ષમા. પેલો ગુસ્સો કરે, અમે ક્ષમા કરતાં નથી પણ આમ સહજ ક્ષમા જ હોય. પણ પેલાને એમ લાગે કે ક્ષમા કરી એમણે. એટલે અહીં પૃથ્થકરણ થઈને અમને સમજાય કે મારે આમાં લેવા-દેવા નથી ને !
પ્રશ્નકર્તા : એ ક્ષમા માટે થયું. એવું સરળતા માટે કેવું હોય ?
દાદાશ્રી : હા, સરળતા તો હોયને ! સામાની દશા અવળી હોય તો ય સરળને એ સીધું જ દેખાય. કેવી સરળતા છે ! નમ્રતા !! આમાં કશું છે નહીં આત્માનું.
પ્રશ્નકર્તા : એટલે પોતાનામાં ક્રોધ-માન-માયા-લોભ ઊડે છે એટલા માટે આવાં ગુણ પ્રગટ થાય છે ?
દાદાશ્રી : લોભને બદલે સંતોષ થાય એટલે લોક કહે, જુઓને, કશું જોઈતું જ નથી. જે હોય એ ચાલે. એવાં ગુણો ઉત્પન્ન થાય ત્યારે ભગવાન કહેવાય.
પ્રશ્નકર્તા : લોકોને સરળતા, ક્ષમા દેખાય ત્યારે પોતે શેમાં હોય છે ?
દાદાશ્રી : પોતે મૂળ સ્વરૂપમાં હોય, લોકો આવું કહે, પુદ્ગલ આવું દેખાય એટલે. પુદ્ગલનું વર્તન આવું દેખાય એટલે લોક કહે, ઓહોહોહો ! કેવી ક્ષમા રાખે છે ! આ જુઓને, અમે ગાળો ભાંડી પણ કશું એમનાં મોઢાં પર અસર જ નથી. કેટલી ક્ષમા રાખે છે પછી પાછાં કહેવતેય બોલે. ક્ષમા વીરસ્ય ભૂષણમ્. અલ્યા હોય, વીરે ય હોય. ક્ષમા યે હોય. આ તો ભગવાન છે એ તો. પાછાં બોલે ક્ષમા એ મોક્ષનો દરવાજો છે. અલ્યા મૂઆ, આ ક્ષમા નહીં, પેલી સહજ ક્ષમા. ક્ષમા જે સુધારે છે એવું કોઈ સુધારતું
નથી. ક્ષમાથી જે માણસો સુધરે એવું કશાથી સુધરતું નથી. મારવાથી ય સુધરતું નથી. એ ક્ષમા વીરસ્ય ભૂષણમ્ કહેવાય.
અંતે પ્રકૃતિ પણ થાય ભગવાન સ્વરૂપ ! પ્રકૃતિ આત્મા જેવી થશે ત્યારે છૂટાશે, એમ ને એમ છૂટાય નહીંને, પ્રકૃતિને લોક ભગવાન કહેશે, પ્રકૃતિ ભગવાન સ્વરૂપ થશે. કોઈને દુઃખ ના દે, બહુ સુંદર પ્રકૃતિ હોય. પોતે ભગવાન થાય ત્યારે આપણાથી છૂટાશે. અત્યારે ભગવાન થવા માંડી છે, પ્રકૃતિ. હવે પહેલાં જે કરતી હતી, એનાં કરતાં ફેરફાર કરી નાખ્યોને પ્રકૃતિએ કે નથી થયો ફેરફાર ? એ પ્રકૃતિ ભગવાન થઈ રહી છે અત્યારે.
આ મહાવીર ભગવાનનું પુદ્ગલ છેવટે ભગવાન થયું ત્યારે છૂટાં થયા. ભગવાન કરવું જ પડશે એને.
પ્રશ્નકર્તા : બધાંને માટે એક જ નિયમ ?
દાદાશ્રી : હા, પણ કો'કને ગાળો ભાંડતો હોય ને ભગવાન થાય એવું બને નહીંને !
પ્રશ્નકર્તા : એમાં અનાત્મા પુદ્ગલ અને પુદ્ગલ જ્ઞાની છે એવી વાત આવી એટલે મેં પૂછયું ?
દાદાશ્રી : એ રિલેટીવ આત્મા છે ને, રિલેટીવ આત્મા ભગવાન જેવો દેખાશે. લોકોને ખાત્રી થાય કે આ ભગવાન છે ત્યારે છૂટાશે. રિલેટીવ આત્મા ગાળો ભાંડતો હોય ને છૂટાય એવું બને ?
પ્રશ્નકર્તા : એટલે પ્રકૃતિ જ ને કે પુદ્ગલ ?
દાદાશ્રી : પ્રકૃતિ. આત્મા સિવાય બીજી બધી પ્રકૃતિ ને પ્રકૃતિ એ જ પુદ્ગલ.
પ્રશ્નકર્તા : મોક્ષે જતાં પહેલાં અમારી બધાંની પ્રકૃતિ એ સ્ટેજમાં આવવી જ જોઈએ, નિયમાનુસાર ?