________________
પ્રકૃતિને આમ કરો ચોખી...
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : પ્રકૃતિને માફ કેવી રીતે કરી શકાય ?
દાદાશ્રી : એની ઉપર ચીડ નહીં કે કંઈ નહીં, પોતાની પ્રકૃતિ ઉપર ચીડ નહીં ખાવી, ઉપરાણું લેવાનું નહીં. અને માફ કરી દેવું એટલે એના તરફ રાગ નહીં, દ્વેષ નહીં, વીતરાગતા. ખરાબ તો નીકળે જ. જ્ઞાનીને ય ખરાબ નીકળે કોઈ વખત, પણ એના તરફ અમે વીતરાગ થઈ જઈએ તરત !
પ્રકૃતિથી જે જે બને છે, એ શેમાં છે ? ઉદયમાં આવ્યું છે. પ્રકૃતિને જે ભોગવવાનું આવ્યું, તે ભોગવો છો. આ હું જે બોલું, તે પાછું મનમાં એમ થાય કે આ શા સારુ બોલ્યો'તો ! પણ તે ચાલે નહીં આપણું, કારણ કે પ્રકૃતિમાં વણાયેલું છે તે એ બોલે જ, તે આપણે જોયા જ કરવાનું. હું કહેવા માગું છું એ સમજાયું કે ના સમજાયું ? કમ્પ્લિટ. સમજાય તો બહુ કામ થઈ જાય !
હવે તમે કહો છો ને, મને દેખાતું નથી.
પ્રશ્નકર્તા એટલે જ્યારે અમુક દેખાય, જે પહેલા ના દેખાયેલું હોય એ દેખાય. ત્યાર પછી એવું થાય કે આવું તો આજે દેખાયું તો આવું તો કેટલુંય મહીં પડી રહ્યું હશે !
દાદાશ્રી : ભલે પણ આ, દેખાયું તેની જ છે તે પાર્ટી આપવી પડે. હોય ક્યાંથી, દેખાય ક્યાંથી ? દેખાવું કંઈ સહેલી વસ્તુ નથી.
પ્રશ્નકર્તા : કોઈ વખત આમ દાદાની પાસેથી એવી દ્રષ્ટિ મળી જાય છે કે પછી એક નવી દિશા જ દેખાડી દે છે. વાતમાં, કંઈ સામાન્ય સત્સંગમાં કે વ્યક્તિગત પણ એવી દ્રષ્ટિ મળી જાય છે, એ એક નવી દિશા દેખાડતી થાય છે કે, ઓહોહો ! આ ખૂણો તો રહી ગયેલો.
દાદાશ્રી : સત્સંગમાં કોમનભાવે નીકળે બધી વાત. એક માણસને ઉદેશીને ના હોય. એમાં સહુ સહુનું, બધાનું, દરેકનું જુદું હોય, ભઈ.
દોષ દેખાય ત્યાં થવું ખુશ ! પોતે બંધાવું ના હોય, તેને કોણ બાંધે ?
પ્રશ્નકર્તા એ બરોબર છે પણ આમ પોતાની પ્રકૃતિના બધા જ પાસા પોતાને ના દેખાતા હોય, તો....
દાદાશ્રી : ના દેખાય તો માર ખાઇને ય દેખાય ! પ્રશ્નકર્તા તે અમુક, જે ભાગ ના દેખાય.
દાદાશ્રી : એ ફરી દેખાવાનો. બીજા અવતારમાં દેખવાનો. બધું કેવી રીતે દેખાય ? જેટલું દેખાય છે તે બધું, એની પાર્ટી આપવી જોઈએ કે આટલાં દેખાયા. બીજું તો દેખાય નહીં. થોડા ઘણાં દેખાય છે ને ?
પ્રશ્નકર્તા : ઢગલેબંધ દેખાય છે, દાદા.
દાદાશ્રી : તો તો પછી પાર્ટી આપો બધાને. ભગવાનની ભાષામાં ચાલવું. શું નથી એવું નહીં જોવાનું, શું છે મારી પાસે એ જોવાનું.
જ્ઞાન કે જ્ઞાતી, કાઢે પ્રકૃતિ ! આ ય પૂરું સમજવું પડશે. હજારો માણસના રૂબરૂમાં કોઈ કહે, ‘ચંદુભાઈમાં અક્કલ નથી” તો આપણને આશીર્વાદ આપવાનું મન થાય કે “ઓહોહો, આપણે જાણતા હતા, ચંદુભાઈમાં અક્કલ નથી પણ આ તો એ હઉ જાણે છે.’ ત્યારે એ જુદાપણું રહેશે.
આ ભઈને અમે રોજ બોલાવીએ, કો'ક દહાડો ના બોલાવીએ, એનું શું કારણ ? કે એમને વિચાર આવે કે સાલું, આજે કેમ આવું ?! ત્યારે ખબર પડે કે જુદો રહી શકે છે. એવી ચાવીઓ આપીએ અમે. ચઢાવીએ ને પાડીએ, ચઢાવીએ ને પાડીએ, એમ કરતો કરતો જ્ઞાનને પામે. આ અમારી બધી ક્રિયાઓ જ્ઞાન પમાડવા માટે છે. દરેકની જોડે જુદી જુદી હોય એની પ્રકૃતિ જોઈને ! બધાની પ્રકૃતિ જોઈને કરેલું હોય.
પ્રશ્નકર્તા : હા, પ્રકૃતિ પ્રમાણે.