________________
પ્રકૃતિને નિર્દોષ દેખો !
કારણ કે ગુના શા હતા કે બધાને દોષિત જોયા અને આ ચંદુભાઈનો દોષ જોયો નથી. એ ગુનાનું રિએક્શન આવ્યું આ. એટલે ગુનેગાર પકડાઈ ગયો. બીજા ગુનેગાર છે જ નહીં.
પ્રશ્નકર્તા : પેલું ઊંધું જોયું છે.
દાદાશ્રી : ઊંધું જ જોયું, હવે છતું જોયું. વાત જ સમજવાની છે. કશું કરવાનું નથી. વીતરાગોની વાત સમજવાની જ હોય, કરવાનું ના હોય. એવા વીતરાગ ડાહ્યા હતા ! જો કરવાનું હોય તો માણસ થાકી જાય બિચારો !
પ્રશ્નકર્તા : અને કરે તો પાછું બંધન આવે ને ?
દાદાશ્રી : હા, કરવું એ જ બંધન ! કંઈ પણ કરવું એ બંધન. માળા ફેરવી, એ કર્યું એટલે બંધન. પણ તે બધાને માટે નહીં. બહારના માટે કહેવાય કે માળા ફેરવજો. કારણ કે બંધનનો વેપાર છે એમનો.
[૧.૫] કેવા ક્યા પ્રકૃતિ સ્વભાવો !
એક જ વાક્યથી મોક્ષમાર્ગ ! કોઈ કહેશે કે મને ભગવાન દેખાડો. તો આપણે કહીએ કે પ્રકૃતિ સ્વભાવ ‘એના” બધાં બાદ કર, તો પોતે ભગવાન જ છે.
પ્રશ્નકર્તા : એ બાદ કરવાની મુખ્ય વસ્તુ છે, દાદા.
દાદાશ્રી : પહેલાં એમાં ભગવાન છે એ નક્કી કર, પછી આ જાણ કે બાદ શી રીતે કરીએ ?
પ્રશ્નકર્તા : જન્મ જન્માંતરની સાધના હોય ત્યારે બાદબાકી કરતાં આવડે.
દાદાશ્રી : આવડે પણ એ બાદ કરવું સહેલું નથી.
પ્રશ્નકર્તા : તમે તો કીધું કે બાદ કરી નાખે, પણ બાદ કેવી રીતે કરવું ? પ્રકૃતિ તો જડ છે.
દાદાશ્રી : જડ છે છતાં ક્રિયાવાન છે. અને કડવાં ફળ, મીઠાં ફળ દેનારી છે. લોક કહે, મીઠાં એ મીઠાં એ મારા કરેલાં અને કડવાં એ મારા જોય. પણ મીઠાં ને કડવાં બેઉ પ્રકૃતિ. જેને ફળ ઊભા કરવા નથી તે આત્માં.