________________
૩૯
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પ્રકૃતિને નિર્દોષ દેખો !
પ્રશ્નકર્તા : કારણ કે એવું કંઈ હેન્ડલ માર્યું નથી કે કંઈ કર્યું નથી છતાં મહીંથી દેખાડે કે આ ભૂલ થઈ, ભૂલ થઈ, ભૂલ થઈ.
દાદાશ્રી : એ જુદો છે આત્મા, એનો પુરાવો થઈ ગયો ને હવે જુદો પડી ગયો, એનો પુરાવો છે ને આ.
શુદ્ધાત્મા જોવાથી વાઘ પણ અહિંસક !. પ્રશ્નકર્તા : પોતાની પ્રકૃતિને સામાની પ્રકૃતિ સાથે એડજસ્ટ કરાવવી એને બદલે હવે જો ‘હું શુદ્ધાત્મા છું' અને સામાને જો શુદ્ધાત્મા જોઉં તો પ્રકૃતિ એની મેળે એડજસ્ટ થઈ જાય ?
દાદાશ્રી : થઈ જ જાય. ગોદો મારીએ તો પ્રકૃતિ કૂદે, નહીં તો એવું સરસ-સહજ ભાવમાં આવી જાય. આ અસહજ પોતે થયોને એટલે પેલી પ્રકૃતિ કૂદ્યા કરે.
પ્રશ્નકર્તા : પણ જેણે જ્ઞાન લીધું છે એની પ્રકૃતિ સહજ થાય, પણ સામાએ ના લીધું હોય એની સહજ થોડી થાય છે ?
દાદાશ્રી: પણ જ્ઞાનવાળો બીજાની પ્રકૃતિ જોડે સહજ રીતે કામ કરી શકે. પેલો વચ્ચે મહીં ગોદો ન મારે તો.
પ્રશ્નકર્તા : બે માણસો સામસામા હોય, એકે દાદાનું જ્ઞાન લીધેલું છે એટલે એ પોતાની પ્રકૃતિ સહજ કરતો જાય છે આ પ્રમાણે જ્ઞાનમાં રહીને, પાંચ આજ્ઞા પાળીને. પણ સામો માણસ જે છે, જેણે દાદાનું જ્ઞાન નથી લીધું, તે એની પ્રકૃતિ સહજ કેવી રીતે થાય ?
દાદાશ્રી : ના, એને કશું લેવા-દેવા નહીં.
પ્રશ્નકર્તા: હવે એની પ્રકૃતિ સહજ ના થાય, પણ આપણને વાંધો ના આવે ?
દાદાશ્રી : આપણે તો આ જે પાંચ આજ્ઞા છે ને, એ તમારી સેફસાઈડ છે બધી રીતે. એમાં તમે રહોને, તો કોઈ તમને હેરાન નહીં
કરે, વાઘ-સિંહ કશુંય. વાઘને જેટલો વખત તમે શુદ્ધાત્મા તરીકે જુઓ, તેટલો વખત એ એનો પાશવી ધર્મ, પશુયોનિનો જે ધર્મ છે તે ભૂલી જાય. એનો ધર્મ ભૂલ્યો એટલે થઈ રહ્યું, કશું કરે નહીં.
પ્રશ્નકર્તા : એટલે સામામાં શુદ્ધાત્મા જોવાથી એનામાં કોઈ પરિવર્તન આવતું હશે ?
દાદાશ્રી : ઓફકોર્સ, તેથી જ હું કહું છું કે ઘરના માણસોને શુદ્ધાત્મા તરીકે જુઓ. કોઈ દહાડો જોયા જ નથી ! તમે ઘરમાં પેસતા છે તે મોટા છોકરાને જુઓ તો તમને આમ દ્રષ્ટિમાં કશું ના હોય. દ્રષ્ટિમાં કેમ છો, કેમ નહીં, બધું કરો પણ અંદરખાને કહે, સાલો નાલાયક છે. એવું જુઓ તો એની અસર થાય. જો શુદ્ધાત્મા જોયા તો એની અસર થાય.
નરી અસરવાળું છે આ જગત. એ એટલું બધું ઇફેક્ટિવ છે કે ન પૂછો વાત. આ વિધિઓ કરીએ છીએ તે અમે એવું જ કરીએ છીએ. અસર મૂકીએ છીએ. વિટામીન મૂકીએ છીએ. એટલી શક્તિ ઉત્પન્ન થઈ, નહીં તો શક્તિ કેમ કરીને થાય તે ?! હું અનંત અવતારની કમાણી લઈને આવ્યો છું અને તમે એમ ને એમ રસ્તે હૈડતા આવ્યા.
પ્રશ્નકર્તા : તમે કહેલું કે અમે શુદ્ધાત્માને શુદ્ધાત્મા તરીકે જોઈએ. મહીં આ શુદ્ધાત્મા તો નિર્દોષ છે જ...
દાદાશ્રી : એ તો ભગવાન જ છે.
પ્રશ્નકર્તા : પણ અમને એની પ્રકૃતિ પણ નિર્દોષ દેખાય છે. દાદાશ્રી : હા. તે પ્રકૃતિ નિર્દોષ દેખાવી જોઈએ.
પ્રશ્નકર્તા : એ છેલ્લે પ્રકૃતિ પણ નિર્દોષ દેખાય એટલે બન્નેવ ભેગું આવી રહે.
દાદાશ્રી : હા. વળી આપણો માર્ગ તો ત્યાં સુધીનો, કે તમને કપટ હોય તેય જુઓ, કહે છે. અને ક્રમિક માર્ગમાં કપટ ચાલે જ નહીંને !