________________
પ્રકૃતિ એ પરિણામ સ્વરૂપે !
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
મજબૂત પ્રકૃતિ બાંધેલી હોય, ગાઢ આવરણવાળી, તો મરે ત્યારે ય છૂટે નહીં, એવી ને એવી દેખાય. પ્રકૃતિ છૂટે નહીં એની. જ્યારે જુઓ ત્યારે એવો ને એવો, માર ખાય તો ય પણ એવો ને એવો. ચોરી કરવાની પ્રકૃતિ હોય તો માર ખઈ-ખઈને પણ એ ચોરી કરે જ, ચારિત્રનો ખરાબ હોય તો માર ખાઈને પણ એની એ જ પ્રકૃતિ અને પ્રકૃતિને વશ થઈને આ બધું કરે છે. દાન આપે છે તે ય પ્રકૃતિને વશ, એ જ્ઞાનથી નહીં અને ચોરી કરે છે તે ય પ્રકૃતિને વશ કરે છે. હવે એ પ્રકૃતિ અને પુરુષનું જ્યારે જ્ઞાન થાય એને કે ‘હું કોણ છું” અને “આ પ્રકૃતિ કોણ છે? ત્યારે બે છુટું પડે, ત્યારે છુટકારો થાય, નહીં તો છુટકારો ના થાય, તમે પુરુષ, આત્મા એ પુરુષ છે અને આ પ્રકૃતિ. જ્યાં સુધી પ્રકૃતિના આધીન છે,
ત્યાં સુધી પુરુષનું કશું ચાલે નહીં. જ્યારે પ્રકૃતિથી છૂટે પુરુષ, ત્યારે પુરુષનું જ ચાલે બધું. ‘હું કોણ છું' એવું જાણો અને એ અનુભવમાં થાય ત્યારે છૂટકારો થાય, નહીં તો છૂટકારો ના થાય. નહીં તો આ દુ:ખો તમને પડ્યા જ કરવાના. સંસારના દુઃખો નિરંતર ભોગવ્યા જ કરવાના. ઘડીકમાં શાંતિ અને ઘડીકમાં અશાંતિ, ઘડીકમાં શાંતિ અને ઘડીકમાં અશાંતિ. એ પ્રકૃતિને લીધે છે. ખરું સુખ આમાં છે જ નહીં. આ તો શાંતિ અને અશાંતિ બેઉ કલ્પિત વસ્તુ છે, સાચું સુખ ન્હોય. સાચું સુખ તો સનાતન, આવ્યા પછી જાય નહીં. સાચું સુખ તો જેલમાં ઘાલેને તો ય ઉપાધિ ના થાય, અશાંતિ ના થાય.
પ્રશ્નકર્તા : કેટલાંક માણસો શાંતિ ના હોય, તો શાંતિ મેળવવા માટે કંટાળીને ઝેર પીને મરી જાય છે.
દાદાશ્રી : હા, પણ શું કરે છે ?! અને ઝેર પીએ છે એવું નથી. એ ય જાણી-જોઈને ઝેર નથી પીતો, એ ય પ્રકૃતિ પીવડાવડાવે છે. જાણી જોઈને તો સંડાસ જવાની શક્તિ નથી. મને ય નથી ને કૃષ્ણ ભગવાનને ય ન્હોતી ને મહાવીર ભગવાનને ય ન્હોતી. પ્રકૃતિના આધીન છે બધું આ. ભગવાન તો ભગવાન હતા, કૃષ્ણ ભગવાન હતા. પુરુષ થયેલા હતા, એટલે આ પ્રકૃતિને જાણતા હતા ! આ પ્રકૃતિ છે, એવું પાડોશીની પેઠ જાણ્યા કરે, ઓળખ્યા કરે. એ બહુ જાણવા જેવું
છે, અંદરનું બધું સાયન્સ !
તચાવે પ્રકૃતિ તેમ લાગે જેમ પ્રકૃતિ નચાવે છે તેમ નાચે છે. પોતાના હિતાહિતનો ખ્યાલ રહેતો નથી. પ્રકૃતિ ગુસ્સો કરાવડાવે છે ત્યારે ગુસ્સો કરીને ઊભો રહે છે. પ્રકૃતિ રડાવે ત્યારે રડે છેય ખરો. એને શરમેય નહીં આવતી. ઊઘાડી આંખે રડે, હંઅ. ડબ ડબ આંસુડા પડે એવું રડે.
પ્રશ્નકર્તા : પ્રકૃતિ રડાવે કે કર્મો રડાવે, દાદા ?
દાદાશ્રી : કર્મો એટલે જ પ્રકૃતિ. એ મૂળ પ્રકૃતિ કહેવાય. આ પ્રકૃતિ જ બધું ચલાવે છે, કરે છે પ્રકૃતિ અને પોતે શું કહે છે કે મેં કહ્યું, એનું નામ ઈગોઈઝમ.
ચા કોણ માંગે છે ? પ્રકૃતિ માંગે છે. આ જલેબી કોણ માંગે છે ? ભૂખ કોને લાગે છે ? તરસ કોને લાગે છે ? એ બધું પ્રકૃતિને. અપમાન કરે ત્યારે અપમાન કોને થાય છે ? પ્રકૃતિને. સંડાસ કોણ જાય છે ? આત્મા જતો હશે, નહીં ? આ બધું પ્રકૃતિ ને લોક શું કહે ? હું સંડાસ જઈ આવ્યો. ભૂખ પ્રકૃતિને લાગે કે આપણને લાગે ?
પ્રશ્નકર્તા : પ્રકૃતિને.
દાદાશ્રી : અને તે કહે છે, હું ભૂખ્યો થઈ ગયો. વ્યવહારથી કહેવામાં વાંધો નથી, ડ્રામેટિક બોલવામાં વાંધો નથી. પણ એઝેક્ટ એમ, મહીં બિલિફ સાથે બોલે છે. વ્યવહારથી તો બોલવું જ પડે, નાટકમાં તો.
આત્માને જાણે એટલે પુરુષ ને પ્રકૃતિ બે છુટું થઈ જાય. પછી પ્રકૃતિ પ્રકૃતિનો ભાગ ભજવે, પુરુષ પુરુષનો ભાગ ભજવે.
આ જ્ઞાન મળ્યા પછી હવે તો કર્તાપણું ગયું, હું પુરુષ થયો અને પ્રકૃતિ જુદી પડી ગઈ. પુરુષ થયા તમે અને પ્રકૃતિ બિલકુલ જુદી પડી ગઈ એટલે પુરુષ પુરુષાર્થ કરી શકે. બાકી પ્રકૃતિ પુરુષાર્થ કરી શકે નહીંને !