________________
આઈસક્રીમ ચાર ડીશ ખવડાવે એ ડખલ અને નથી ખાવા જેવો. ગળું બગાડશે એ ય ડખલ ! ડખલ ના કરે તો એની મેળે પ્રમાણ સચવાઈ જાય !
ડખાને કાઢવાનો નથી, એનાથી છૂટાં રહેવાનું છે ! મહીં પ્રજ્ઞા ડખાને ચેતવે છતાંય કર્યા કરે અને ભગવાન ત્યારે ઉદાસીન, વીતરાગ !!
ડખો કરવો નથી એવો નિશ્ચય કર્યો એ ય ડખો. આમ ડખો ડખાને કાઢે.
ચાર ડીશ આઈસ્ક્રીમ ઠોકતો હોય તો પ્રજ્ઞા એને ચેતવે પણ તો ય એ ઠોકી જ જાય. એ કોણ ઠોકાવડાવે ? એ ચારિત્રમોહ. ચારિત્રમોહના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી એ ઓગળે. જાગૃતિ ના રહી, નિશ્ચય ના કર્યો તો ચારિત્રમોહ વધી જાય ! જ્ઞાતા-દ્રષ્ટા રહે તો ડખોડખલ બંધ થઈ જાય !
અક્રમ માર્ગ સહજતાનો માર્ગ છે. તેથી આમાં ‘નો લૉ લૉ’ છે, જે સહજતા પર લઈ જાય છે. લૉ હોય તો સહજતા કેમ થાય ?
છેલ્લી સ્થિતિ કઇ ? આત્મા સહજ સ્થિતિમાં ને દેહેય સહજ સ્થિતિમાં !
જેટલી દાદાશ્રીની આજ્ઞામાં રહેવાય એટલું સમાધિમાં રહેવાય ! દરરોજ સવારમાં દાદાશ્રીની પાંચ આજ્ઞામાં જ રહેવાની શક્તિઓ માંગવી ! ‘ડખોડખલ કરું નહીં એવી શક્તિઓ આપો’ આમ બોલવાથી ખૂબ અસર થાય.
દાદાશ્રી કહે છે, “અક્રમ વિજ્ઞાનમાં ચૌદ વર્ષનો કોર્સ છે, સામાન્ય રીતે. તે બહુ કાચા હોય તો વધુ થાય ને બહુ પાકા હોય તો તેને અગિયાર વર્ષમાં થઈ જાય ! ચૌદ વર્ષે સહજ થઈ જાય !
કોઈને ટકોર કરવી જ નહીં અને ટકોર થઈ જાય ને એ ના સાંભળે તો આપણે આપણી ટકોર પાછી ખેંચી લેવી જોઈએ. ભરેલો માલ નીકળે તેને આપણે જોયા કરીએ એટલે સહજ થવાય.
આત્મા સ્વયં મોક્ષ સ્વરૂપ છે. પણ આ પૂર્વભવની ફાચરો ડખલો કરે છે. એ અંતરાયને હવે ‘જોયા’ કરવાથી જાય.
પુદ્ગલ તો કાયદેસર જ છે. એને ડખોડખલ ના થાય તો એ ચોખ્ખું થયા જ કરે. પણ આ ડખોડખલ કોણ કરે છે ? અજ્ઞાન માન્યતાઓ અને પછી વાંધા ને વચકો.
આપણા દેહને કંઈ પણ કરે પણ રાગ-દ્વેષ ના થાય. ગજવું કાપી લે કે દેહને કંઈ પણ સળી કરે, તેને સ્વીકારે તો દેહાધ્યાસ. ‘મને કેમ કર્યું તો એ દેહાધ્યાસ અને અડે નહીં તો દેહાધ્યાસ ગયો ! આપણા દેહને કંઈ પણ કરે તો આપણને રાગ-દ્વેષ ના થાય, તેનું નામ સહજ.
મહાત્માઓ આવા સહજ ક્યારે થાય ? જ્ઞાન મળ્યું છે એટલે તે પરિણામ પામીને કર્મો ઓછાં થઈ જાય, એટલે સહજ થતો જાય. પહેલાં અંશે અંશે સહજ થાય ને અંતે સંપૂર્ણ સહજ થાય. જેટલાં અંશે સહજ એટલા અંશે સમાધિ !
મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધાય ડખાવાળા છે. પ્રજ્ઞા ચેતવે પણ એનું માને નહીં તો પછી એ બંધ થઈ જાય. એને સિન્સિયર રહે તો એ બધું જ ચેતવે.
‘આપણને’ ડખો કરવાની ટેવ છે, એમાં “આપણે” કોણ ? “આપણે” બે રીતે રહ્યા છીએ. નિશ્ચયથી પેલી બાજુ રહ્યા છીએ. જેટલું ‘જોઈએ” એટલું છૂટ્યું ને ના જોઈએ એટલું વ્યવહારથી રહ્યું.
જલેબી સામી આવી તે છૂટવા માટે જ આવી પણ ‘મને બહુ ભાવે છે’ કહ્યું કે કર્યો ડખો ?
એટલે “આપણે” એટલે કોણ ? અહંકાર. દેહ ને આત્માની એકતા માની કોણે ? અહંકારે.
જ્ઞાન મળ્યા પછી ચાર્જ કરનારો અહંકાર ફ્રેકચર થઈ જાય છે. પછી ડિસ્ચાર્જ અહંકાર રહે છે. પછી ઈટ હેપન્સ કહેવાય. ચાર્જ અહંકાર હોય ત્યાં સુધી એમ ના કહેવાય. કારણ કે અહંકાર શું ના ગાંડું કાઢે ?
ડિસ્ચાર્જ અહંકારે ય પૂરો થઈ જાય પછી બધું જ સહેજાસતેજ થાય,