________________
આર્તધ્યાન, રૌદ્રધ્યાન ને ધર્મધ્યાન એ બધું ભાવકર્મ.
ભાવ અને ભાવકર્મમાં શો ફેર ? મને આ ભાવે, મને આ ભાવે થાય છે એ બધી ઈફેક્ટ છે ને ભાવકર્મ એ કૉઝ છે અને ભાવના એ ભાવકર્મનું ફળ છે.
મહીં ભાવ થાય છે કે મારે કમાવું છે, પરણવું છે, ઘર બાંધવું છે, એની અંદર જે સૂક્ષ્મ ભાવ બંધાઈ જાય છે તે ભાવકર્મ છે. ભાવકર્મ સૂક્ષ્મ છે એ વ્યવહારમાં આવે જ નહીં.
ભાવકર્મ કેવી રીતે બંધાય છે ? કોઈએ પચાસ હજાર મેયરના દબાણથી દાનમાં આપ્યા ને મહીં એને ભાવમાં રહે કે આ દબાણ ના આવ્યું હોત તો એકુંય પૈસો ના આપત ! તે આ એણે ભાવકર્મ બગાડ્યું. તે આવતા ભવે ફળશે અને પચાસ હજાર આપ્યા તે ઈફેક્ટ અને તેની ઈફેક્ટ આ ભવમાં જ મળે, લોકો ‘વાહ વાહ કરે તે.
‘હું ચંદુભાઈ છું’ ત્યાં સુધી ભાવકર્મ ને ‘હું શુદ્ધાત્મા છું' થયું તો ભાવકર્મ ઊડ્યું. જગત ભાવકર્મથી ખડું છે. ભાવકર્મ ઊડ્યું તો સંસાર આથમી જાય !
કર્તાભાવથી ભાવકર્મ બંધાય. ભોક્તાભાવે ભોગવ્યું તે ય ભાવકર્મ કહેવાય. ખરેખર તો બધું ‘વ્યવસ્થિત’ કરે છે ! એવું જ્ઞાન રહે તો ભાવકર્મ ઊડ્યું.
[૨.૧૨] દ્રવ્યકર્મ + ભાવકર્મ આઠ પ્રકારનાં દ્રવ્યકર્મ છે. એ ડિસ્ચાર્જ થાય ત્યારે તેમાંથી પાછાં ભાવકર્મ થાય. ચાર કષાય એ ભાવકર્મ છે. હવે દ્રવ્યકર્મનાં માલિક ના થાય, એમાં કષાય ના થાય તો ભાવકર્મ ઊડી જાય. એટલે ચાર્જકર્મ બંધ થાય, માત્ર ડિસ્ચાર્જ કર્મ દેહે કરીને ભોગવવાનાં રહે.
ભાવકર્મનાં પ્રકાર કે ડિગ્રી બદલાતાં નથી. એ મૂળ જગ્યાએથી ઝમે. એક જ જાતનું હોય. પછી એનાં નવાં દ્રવ્યકર્મ થતાં થતાં તો ઘણો સમય લાગી જાય !
આત્માએ એની શુદ્ધતા ક્યારેય છોડી નથી. આ તો જડ અને ચેતન
બે તત્ત્વ ભેગાં થવાથી વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયાં છે. મૂળ દ્રવ્યકર્મમાંથી આ વ્યતિરેક ગુણ (ક્રોધ-માન-માયા-લોભ) એ ભાવકર્મ ઊભાં થયાં છે. રોંગ બિલિફથી પાવર પૂરાયો છે. ચેતનનો પાવર જડમાં બિલિફ રૂપે આવ્યો છે. એ પાવરનું દુ:ખ છે. એ પાવર વપરાઈ જાય એટલે દુઃખ જાય. વ્યતિરેક ગુણથી પાવર ઊભો થયો છે. આને જ વ્યવહાર આત્મા કહ્યો.
મૂળ તત્ત્વો પોતાનાં ગુણ કે સ્વભાવ છોડતા જ નથી. ઊંધું દેખાયું કે ‘હું ચંદુ’ તે ભાવકર્મ ને છતું દેખાય કે ‘હું શુદ્ધાત્મા’ તો સ્વભાવ ભાવ કહેવાય. ‘હું કરું છું તે ય ભાવકર્મ.
મૂળ ઓરિજિનલ દ્રવ્યકર્મ કેવી રીતે થયું ? સમસરણ માર્ગમાં છ દ્રવ્યો ભેગાં થાય છે. તેનાથી પાટા બંધાય છે. આઠ પ્રકારનાં દ્રવ્યકર્મ થાય છે. તેમાં ચાર આંખે પાટા (ચશ્મા આવરણોના) છે અને બાકીનાં ચાર દેહથી ભોગવવાનાં.
પરમ પૂજ્ય દાદાશ્રીએ બસ આટલામાં ઘણું ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન, મૂળ શાને ખુલ્લું કરી દીધું છે. કર્મનું મૂળ ક્યાંથી છે તે અહીં જ સ્પષ્ટ સમજાય એવું છે, સ્વરૂપનું જ્ઞાન મળે ભ્રાંતિ જાય, આવરણો હટે એટલે પાટા નીકળી જાય. ભાવકર્મનો કર્તા કોણ ? અહંકાર, અહંકારમાંથી ક્રોધ-માનમાયા-લોભ ઊભાં થાય છે. અહંકાર ક્યાંથી ઊભો થાય ? આ છ દ્રવ્યો ભેગાં થાય છે. તેમાં જડ અને ચેતન ભેગાં થવાથી વિશેષ પરિણામ ઊભાં થાય છે. એ વિશેષ પરિણામમાં અહમ્ ઊભો થાય છે. પોતે ચેતન છે છતાં અન્યને, જડને ‘હું માને છે એટલે આ રોંગ પ્લેસમાં આરોપિત ભાવ ઊભો થયો, એનું નામ જ અહંકાર. અને સંજોગો કરે છે ને પોતે માને છે કે “મેં કયું', તે અન્ય જગ્યાએ ‘હું'ના અસ્તિત્વની રોંગ બિલિફથી એક સ્ટેપ આગળ રોંગ બિલિફ વધે છે ને કર્તાપણામાં અન્યનાં સ્થાને પોતાને કર્તા માને છે. તેથી અહમૂમાંથી થાય છે અહંકાર, કરવાપણામાં આવ્યો તેથી અહમાંથી અહંકાર થયો. એને જ્ઞાન મળ્યા પછી જડ-ચેતન જુદાં છે તેમ રાઈટ બિલિફ બેસે છે, એટલે અંત આવે છે.
આત્મા કર્મનો પ્રેરક નથી. એ કર્મ ગ્રહણ કરતો ય નથી. આ તો વ્યવહારથી તેને માટે પ્રેરક ને ગ્રહણ કરનારો મનાય છે. માન્યતા પ્રમાણે પુદ્ગલ તે સ્વરૂપનું થઈ જાય ! ભાવ એનાં ફળસ્વરૂપે દ્રવ્ય થઈ જાય.