________________
દર્શન સામાન્યભાવે, જ્ઞાન વિશેષભાવે !
પર્યાયો દર્શનમાં આવી જાય. કેવળદર્શન. એ દર્શન ક્યાંથી શરૂઆત થાય ? એ જીવમાત્રને હોય દર્શન. એને આપણા લોકો સૂઝ કહે છે કે જેના આધારે જીવ કામ કરી રહ્યો છે જેનો કોઈ આધાર હોય તો આ એક સૂઝ, દર્શન એકલું જ છે, સૂઝ એકલી જ છે. એ જ્યારે મહીં અટકે છે ને, ત્યારે પોતે ગૂંચાય છે ને ચોગરદમનો લોક મૂંઝવે, એને મૂંઝવીને હેરાન કરી નાખે છે ને પછી એ થોડીવાર બેસી રહે છે અગર તો ઊંધો થઈને સૂઈ રહે છે ને કે મહીં અજવાળું થઈ જાય છે એને. પછી હેંડે હડહડાટ. એ સૂઝ પડી જાય છે એને મહીં.
૩૫૧
પ્રશ્નકર્તા : તો જ્ઞાનીની સૂઝની રેન્જ બહુ મોટી હોય, દાદા ? દાદાશ્રી : એમની સૂઝ છે ને, ત્યાં મોટો ધોધ ફૂટે. આ આને અમથી એ દદુડી પડે. આમને ધોધે ધોધ ફૂટે.
પ્રશ્નકર્તા : એટલે સ્પષ્ટ બધું ખ્યાલ આવી જાય, દાદા. દાદાશ્રી : હં.
આ દર્શન-જ્ઞાનનો અમે જે જવાબ આપીએ છે ને, તે શાસ્ત્રમાં જડે નહીં એવો જવાબ છે.
કેવી ઝીણી સમજ તીર્થંકરોતી !
આજે આ વાત લોકોને સમજ પડતી નથી, ત્યારે જે પુરુષ આ વાત સમજ્યા, તેમણે કહી હશે તે કેવી હશે ?! તે આપણા દેશમાં જ જન્મેલાં !
પ્રશ્નકર્તા : એમણે આ બધી વાત કરી ત્યારે સમાજ ડેવલપ નહોતો ? બહુ પહેલી વાત કરી ગયા હશે ?
દાદાશ્રી : સમાજ તો બહુ ડેવલપ હતો તે ઘડીએ.
પ્રશ્નકર્તા : તો અત્યારે નથી ?
દાદાશ્રી : વચ્ચે બિલકુલ અંધારો કાળ ગયો. હવે ડેવલપ થવા
૩૫૨
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
માંડ્યો. અત્યારે સારો ડેવલપ છે.
હવે આટલી બધી ઝીણવટ તો આ સંસારના લોકો ના સમજેને ! સંસારના લોકો આપણને સમજે નહીંને કે આ કેટલી ઝીણી વીગત ! ભગવાન કેટલા ઝીણા ઉતર્યા છે !
પ્રશ્નકર્તા : દાદા, આપે આજે કહ્યું. જોવું ને જાણવું બહુ અદ્ભુત છે. એ તો અર્થ બહુ મોટો કાઢ્યો આપે ! જોવું ને જાણવું, દર્શન અને જ્ઞાન. નવી જ વસ્તુ જાણવાની મળી આજે.
દાદાશ્રી : અજાયબ વસ્તુ છે.
પ્રશ્નકર્તા : સ્પષ્ટીકરણ બહુ મોટું. દર્શન ને જ્ઞાન સ્પષ્ટ થયું.
દાદાશ્રી : ભગવાન જ એકલા આ સમજી શકે એવી વસ્તુ છે. બહુ ઝીણી શોધખોળ કરી છે ભગવાને. અને ભગવાન તો ડાહી માના ડાહ્યા દીકરા હતા !
કેટલી ઊંડી સમજણ છે આ ! તીર્થંકરોની વાત કેવી સુંદર !! તમને લાગે છેને ? આ જ્ઞાન-દર્શનનો ફોડ પાડી દીધો છેને ? નહીં તો લોકોને નહીં આવડતું. લોકોને જો પૂછોને, તો કશું નહીં, કઢી ને ખીચડી બે જ સમજે.
કેટલી ગજબની વસ્તુ છે ! આ એક વસ્તુ, એક જ શબ્દ સમજાય તો કેટલું બધું કામ કરી નાખે. આ તમને સમજમાં આવ્યો ? આ તો તમને તમારી જ ભાષામાં ફૂલ અર્થમાં સમજાવ્યો. એથી તો બહુ ઊંચો અર્થ છે, એ અમારા જ્ઞાનમાં દેખાય. પણ સ્થૂળમાં ય સમજાય એવો છે બુદ્ધિથી કે આ ‘કંઈક છે’. એ જ્ઞાન તો ખરું જ ને પણ ‘કંઈક છે’ એવું કોઈ પણ પ્રકારનું જ્ઞાન થયું, પણ ‘શું છે’ એ જ્ઞાન થયું નથી. એટલે ડિસાઈડેડ જ્ઞાન એ જ્ઞાન અને અનૂડિસાઈડેડ જ્ઞાન એ દર્શન. કેવી ડહાપણની વાત છે !
܀܀܀܀܀