________________
દ્રવ્યકર્મ + ભાવકર્મ + નોકર્મ
એ દ્રવ્યકર્મ એની મેળે ફળ આપ્યા જ કરે. નોકર્મ તમારે બધા કરવાનાં. જો આ ભાવકર્મ ના હોય તો નોકર્મ અડે નહીં. ભાવકર્મ હોય તો નોકર્મ હેલ્પ કરે. સારાં કરો તો પુણ્યાઈ બંધાય, ખોટાં કરો તો પાપ બંધાય પણ ભાવકર્મની ફાચર હોય તો જ થાય.
૩૨૩
આ ‘દ્રષ્ટિ’ બદલાઈ ને ઊંધી થઈ છે એટલે ભાવકર્મ શરૂ થાય છે, વિશેષ ભાવ. સ્વભાવ ભાવ નહીં પણ વિશેષ ભાવ. એ ભાવકર્મ અંદર થયા કરે છે. ઊંધી દ્રષ્ટિ છે માટે. આ અમારાં સાળા છે ને આ મારા આમ છે ને આ અમારા આમ છે ને ! ‘હું આ કરું છું ને હું તે કરું છું’, એ ભાવકર્મ બધું. એ બધા બીજ નાખે છે તે.
સમતા ત્યાં ચાર્જ બંધ !
આ દ્રવ્યકર્મથી ભાવકર્મ ઊભા થાય. એવું છે ને, કડવું ને મીઠું બેઉ સમભાવે સહન થતાં નથી પણ કડવા ઉપર દ્વેષ છે અને મીઠા ઉપર રાગ છે. એટલે કર્મ બંધાય છે. સમભાવ થઈ જાય કડવા-મીઠાનું, તો કર્મ ના બંધાય.
પ્રશ્નકર્તા ઃ ભાવકર્મ એટલે દ્રવ્યકર્મ દ્વારા જે કંઈ પરિસ્થિતિ આવી... દાદાશ્રી : આ દ્રવ્યકર્મ છે તો આ ક્રોધ-માન-માયા-લોભ થાય છે, એ બધાં ભાવકર્મ. પણ જેને ન કરવાં હોય, જેને જ્ઞાન હોય, તે ન કરે. મીઠાં સંયોગ આવે છે ત્યારે ખુશ થાય છે અને કડવા આવે છે ત્યારે ચિઢાય છે. એવું ને એવું ચાલ્યા કરે છે. ત્યાં સમતા રાખે તો કશું બંધાય નહીં.
પ્રશ્નકર્તા : તો જે થાય છે, ક્રોધ-માન-માયા-લોભ અંદર જીવમાં થાય છે, એ....
દાદાશ્રી : એ ભાવકર્મ.
પ્રશ્નકર્તા : એ ભાવકર્મ થયા અને તે દ્રવ્યકર્મને નિમિત્તે થાય છે કે દ્રવ્યકર્મ કરાવે છે ?
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : ના, દ્રવ્યકર્મ કરાવડાવે છે ‘એને’. પણ તે દ્રવ્યકર્મનું ‘એ’ ક્યારે ના માને કે જો ‘પોતે’ જ્ઞાની હોય તો ના માને.
૩૨૪
પ્રશ્નકર્તા : એટલે અત્યારે જે કંઈ મારું શરીર પછી ભોગવે...
દાદાશ્રી : દુ:ખ-સુખ બધું ભોગવો એ નોકર્મ. એટલે આપણે એને સમભાવે નિકાલ કરી નાખીએ, એ બધાં કર્મ આવે તેને, કડવાં-મીઠાં આવે તેને. એટલે નોકર્મનો અર્થ શો ? જ્ઞાની હોય તો એનાથી કર્મ નહીં બંધાય અને અજ્ઞાની હશે તો આ કર્મમાંથી પાછું બીજ પડશે.
અહંકાર પહેરે ચશ્મા !
પ્રશ્નકર્તા : આપ્તસૂત્ર ૩૯૬૩માં છે કે અહમ્નું સ્થાન ક્યાં સુધી રહેતું હશે ? કાર્યણ શરીર અને શુદ્ધાત્મા આ બેની વચ્ચે ‘જે છે તે’ ના ઊડે ત્યાં સુધી રહે છે. આ ‘જે છે તે’ એ શું છે ?
દાદાશ્રી : એ જ અજ્ઞાન. એ અજ્ઞાનરૂપી પડદો. અજ્ઞાન ના રહ્યું એટલે જીવતો અહંકાર બધું ઊડી જાય. પછી પાછો પડછાયારૂપી અહંકાર રહે, ડ્રામેટીકલ. એ સંસાર ચલાવી લે. એટલે અહંકારનો જ મોક્ષ કરવાનો છે. મૂળ આત્માનો તો મોક્ષ થયેલો જ છે ને !
અજ્ઞાન જાય તો બધું જાય. આવરણ બે રીતે છે. અજ્ઞાનરૂપી જે પડદો, તે અને બીજું દ્રવ્યકર્મનું આવરણ છે. દ્રવ્યકર્મ તો રોજે હોય છે જ. પણ કાયમના અજ્ઞાનરૂપી પડદાની વાત કરી. દ્રવ્યકર્મ તો અમુક અપેક્ષા પૂરતું છે, એમાં કંઇ વાંધો નથી, ચાલીસ-પચાસ વર્ષ માટેનું. પાછું બીજું બદલાયા કરે અને પેલું અજ્ઞાન તો કાયમનું છે. દ્રવ્યકર્મ તો એ વસ્તુ એવી છે કે એ તો ચશ્મા સિવાય બીજું કશું નથી. એ કંઇ અજ્ઞાનતા નથી. એ તો ચશ્મા છે, જેવું પહેરે એવું દેખાય. પીળા પહેરે તો પીળું દેખાય.
પ્રશ્નકર્તા ઃ એ પહેરનાર કોણ છે ?
દાદાશ્રી : અહંકાર.