________________
૧૦ર
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૦૧ સમાધાત વૃત્તિ કે સમભાવે નિકાલ ? પ્રશ્નકર્તા: સમાધાન વૃત્તિ અને સમભાવે નિકાલ એ બેમાં ફરક શું?
દાદાશ્રી : ફરક ખરો. સમભાવે નિકાલ અને સમાધાન વૃત્તિ. આપણી વૃત્તિ કેવી હોય ? સમાધાનવાળી. એટલે જ્યાં ને ત્યાં સમાધાન ખોળે. અને આ સમભાવે નિકાલ એટલે આપણને સમાધાન ન થાય તોય નિકાલ કરવાનો અને સમાધાન થાય તોય નિકાલ કરવાનો. એટલે એનો નિકાલ જ કરવાનો, સમભાવથી. એટલે સમાધાનવૃત્તિ તો ક્યારે ? રેગ્યુલર કોર્સમાં હોય તો જ સમાધાન આપણને રહે, ન્યાય-અન્યાય બન્ને જુએ. આ સમભાવે નિકાલમાં ન્યાય-અન્યાય એ જોવાનું નથી.
અમે એક ફેરો એક ઓળખાણવાળાને પાંચસો રૂપિયા આપેલા. આ તો જ્ઞાન થતાં પહેલાંની વાત કરું છું. તે પછી અમે તો કોઈ દહાડો માંગીએ નહીં. પછી મને અમારા મહેતાજીએ એક દહાડો કહ્યું, “આ આના બે-એક વર્ષ થયા, તે આ ભઈને કાગળ લખું ?” ત્યારે મેં કહ્યું, “ના, કાગળ ના લખશો. ખોટું લાગે એમને.' અને મને રસ્તામાં ભેગા થયા એ. ત્યારે મેં કહ્યું, ‘મહેતાજી કાગળ લખવાનું કહેતા હતા. પેલા પાંચસો રૂપિયા મોકલી આપજો.’ ત્યારે કહે, ‘કયા પાંચસોની તમે વાત કરો છો ?” ત્યારે મેં કહ્યું, ‘તમે બે વર્ષ પહેલાં હોતા લઈ ગયા ? તે વખતના ચોપડામાં જોઈ જાવ.’ ‘એ મેં તમને આપેલા, તમે આ તો ભૂલ ખઈ ગયા છો’ કહે છે. મેં જાણ્યું કે આવી ડિઝાઈન આખી જિંદગીમાં ફરી જોવાજાણવા નહીં મળે. માટે આપણે આ ધન્યભાગ્ય આજે, મોટામાં મોટો ઉપદેશ આપવા આ માણસ આવ્યો. એટલે મેં એને શું કહ્યું ? આ મારી ભૂલ થઈ હોય વખતે, આજ બપોરે આવો ઘેર તમે. પછી ચા-પાણી પઈને પાંચસો આપી પાવતી લખાવી લીધી. આવો માણસ ફરી આખી જિંદગીમાં મળવાનો નથી. તે મુઆ પાંચસો નહીં ને હજાર ગયા, પણ આટલો ઉપદેશ મળ્યોને કે આવાં પણ માણસ હોય છે ! માટે ચેતીને જરા ચાલવાનો ભાવ થાયને આપણને ! પણ તે કેવો માણસ મળી ગયો મને ! સ્વપ્નામાંય કલ્પના ના કરી હોય આપણે. ઉપકાર તો ક્યાં ગયો !
હવે ત્યાં આગળ તમે કહો કે સમાધાન વૃત્તિ, ત્યાં શી રીતે મેળ પડે ?! અમે નિકાલ કરી નાખીએ, સમભાવે નિકાલ. તમને સમજાયુંને, હું શું કહેવા માગું છું તે ? આફટર ઓલ આપણે આ ભાંજગડોમાં પડી રહેવું નથી અને પાછું એ પાંચસો જે લઈ ગયો તે કો'કના હાથની સત્તા નથી, એ વ્યવસ્થિતની સત્તાના આધારે એ નિમિત્ત છે. એને આવો વ્યાપાર કરવો છે એટલે આ વ્યવસ્થિત એને ભેગો કરી આપે છે, એની દાનત આવી છે એટલે અને આપણા હિસાબમાં જવાનું હોય. અને આપણને બોધપાઠ મળે છે. તમે જિંદગીમાં જોયેલો ના હોયને આવો ?!
ત્યાર પછી આ તે ઘડીએ તમારા મનમાં કેટલા બધા ડિસ્કરેજ થઈ જાવ, આ પાંચસોની બાબતમાં ! આમ આપણે હોટલમાં પાંચસો રૂપિયા ખર્ચી નાખીએ. ખર્ચાએ કે ના ખર્ચીએ ? મુંબઈ ગયા હોય અને સારી હોટલ હોય તો બે દહાડા રાખીને પણ પાંચસો રૂપિયા ખર્ચી નાંખીએ. અને આમ પાંચસો ગયા તે આપણને છાતીએ ઘા લાગે. કારણ કે પેલું આપણે સમાધાન વૃત્તિ ખોળીએ છીએ ! કોઈ દહાડો સમાધાન ના થાય, કેમ થાય ?! આ સાવ આવું ઊંધું જ બોલે તેને ! એટલે સમભાવે નિકાલ કરી નાખો. ખરું કે ખોટું પણ કેસ ઊંચો મૂકી દેવાનો ! વેર ના બાંધે ને કશુંય નહીં ! ઊંધો ચોંટી પડે તો ઊંધો ચોંટી પડ, છતો તો છતો ચોંટી પડ ! અમે લોભિયો હોયને ત્યાં છેતરાઈને એને ખુશ કરીએ ! માની માણસ હોય તેને માન આપીને ખુશ કરીએ. જેમ તેમ ખુશ કરીને આગળ જઈએ ! અમે આ લોકોની જોડે ઊભા ના રહીએ. એડજસ્ટ એવરીવ્હેર, એવી કોઈ જગ્યા નથી કે અમે એડજસ્ટ ન થઈએ.
પ્રશ્નકર્તા: આવી રીતે જ્યાં એડજસ્ટ થવા જઈએ, ત્યાં વ્યવહાર શુદ્ધિ રહે ખરી ?
દાદાશ્રી : ચોક્કસ રહે. વ્યવહાર શુદ્ધિ એટલે શું ? કોઈને દુ:ખ ન થાય, એનું નામ જીવન. કંઈ ન્યાય તોળવો, એનું નામ વ્યવહાર શુદ્ધિ નથી. અને ન્યાય-અન્યાય કરવા ગયા તો એકને દુઃખ થાય ને એકને સુખ થાય. સમાધાન વૃત્તિ અને સમભાવે નિકાલ, એને એક્ઝક્ટ હું શું કહેવા માગું છું એ સમજાઈ ગયુંને !