________________
આશાની મહત્વતા
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા: કંઈ બાકી જ ના હોયને ત્યાં ?
દાદાશ્રી : હા. ધીઝ આર ધી ફન્ડામેન્ટલ સેન્ટેન્સિસ. આ શું છે ? આખા વર્લ્ડને તારી લે એવાં આ સેન્ટેન્સ છે. વ્યવહાર-નિશ્ચયનાં ભેદ સહિત છે. નહીં તો બીજાં તો કાં તો આ ખાડામાં હોય ને કાં તો આ ખાડામાં હોય.
બસ, આ પાંચ વાક્યોમાં આખા વર્લ્ડનું બધું સાયન્સ આવી જાય છે. કોઈ જગ્યાએ એને કંઈ બાકી રહેતું નથી. આ પાંચ આજ્ઞામાં બધાં શાસ્ત્રો સમાઈ જાય છે.
પ્રશ્નકર્તા : બધાંનું આ દોહન તત્ત્વ છે એમ કહીએ તો ચાલે.
દાદાશ્રી : આખા વર્લ્ડનું દોહન જ છે આ ! મહાવીરના પીસ્તાળીસ આગમોનું દોહન ! પાંચ આજ્ઞામાં બધું આવી જ જાય છે, આ તો બધું હમણે ફોડ પાડવા માટે, સમજણ માટે કહું છું. બાકી ઝીણવટથી જુઓ તો બધી જ ચીજ આવી જાય છે. કોઈ બાકી નથી રહેતી.
આજ્ઞા સમજ સમજ કરો !
દાદાશ્રી : આ જ મોટું મોટું સમજી લેવાનું અને આપણું કામ થાયને, આપણા કામને હરકત ના આવે એટલું સમજી લેવાનું વધારે સમજવા ગયા તો ગૂંચાય.
પ્રશ્નકર્તા : ગમે ત્યારે સમજવું તો પડશે જ ને ?
દાદાશ્રી : હા, પણ એ જ સમજવાનું. બીજું સમજવાનું નહીં. જે આટલું સમજી લેને, એને પેલું ઉઘાડ થઈને તરત જ બધું દેખાઈ જાય. છેવટે સંપૂર્ણ ઉઘાડ થઈ જાય. આમ ટૂકડે ટૂકડે પાર આવે.
પ્રશ્નકર્તા : એ ક્યારે થાય ?
દાદાશ્રી : આ પાંચ આજ્ઞા પૂરી થાય ત્યારે. પાંચ આજ્ઞા પૂરી થઈ જાય એટલે ઉઘાડ થઈ જાય.
બાકી લોકફસામણમાંથી તો છૂટ્યા આપણે ! આ પાંચ વાક્યો આપી દીધાં. વધારે કશું નહીં. એટલે ગૂંચાવાનું કારણ જ ના રહ્યું !
એકમાં સમાય પાંચેય ! પ્રશ્નકર્તા : આ પાંચ આજ્ઞાઓ જે છે, એ પાંચ આજ્ઞાઓની અંદર આમ એક, બે, ત્રણ, ચાર ને પાંચ લખ્યું છે, પણ એક આજ્ઞાનો વિચાર જો સંપૂર્ણપણે કરવામાં આવે તો પાંચેપાંચ અંદર આવી જાય છે.
દાદાશ્રી : પાંચેપાંચ અંદર આવી જાય. પણ આ દરેક આજ્ઞામાં છે શું, કે જે આજ્ઞા મુખ્ય છે ને, એમાં પચાસ ટકા એ આજ્ઞાનું છે અને પચાસ ટકામાં બીજી ચારનું છે. એવું દરેકમાં છે આ. એટલે જ્યાંથી તું બોલીશ ત્યાંથી તને પરિણામ પામશે. એટલે પચાસ ટકા તો જે એક આજ્ઞા તું પકડે તેનાં પડે. પણ બીજા બધામાંથી થોડા ટકા મળે ખરા. એટલે બધાને હેલ્પ કરી આપે. આ તો વૈજ્ઞાનિક ઢબ છે ને આ તો વિજ્ઞાન છે ને !
નિશ્ચય-વ્યવહાર સમાય પાંચેયમાં ! પ્રશ્નકર્તા : ગઈકાલે સત્સંગમાં આવ્યું કે પાંચ આજ્ઞામાંથી ત્રણ વ્યવહારની છે ને બે નિશ્ચયની છે તે જરા સમજવું છે. કેવી રીતે ?
મૂળ વસ્તુ તમે સમજી ગયાને, પાંચ આજ્ઞાને ? બસ, ટૂંકમાં સમજી જઈને એ બાજુ ચાલવા માંડવું.
આ તો એટલાં બધાં સાધન છે કે ન પૂછો વાત. એક મશીન હોય છે, તો આટલાં સાધન હોય છે. મશીન જો ખોલ્યું હોયને ફરીથી ફીટ કરવું હોય તો ભારે પડી જાય. તો આને ફીટ કરવા જાય તો શું થાય ? આપણે કામ સાથે કામ રાખોને ! આ પાંચ વાક્યો લઈને હેંડ્યા કે ગાડું ચાલ્યું આપણું. અને સમજી લેવાનું છે, એ સમજી ગયો. આ બધું પૂરેપૂરું સમજી લીધું તમે બધાંયે. પછી હવે બીજું ઊંડું નહીં ઉતરવું, બસ. ઊંડે પછી ઝીણી ઝીણી મશીનરી આવે.
પ્રશ્નકર્તા ઃ આપ કહો છો સમજ સમજ કરવાનું. તો પછી અમારે શું સમજવાનું ?