________________
નિશ્ચયને છે ને વ્યવહાર નિકાલી છે ! અક્રમ વિજ્ઞાન સમભાવે નિકાલ કરો એ વ્યવહારના બેઝમેન્ટ પર ઊભું રહેલું છે. કેવળજ્ઞાન થતાં સુધી વ્યવહાર છે. લાખ અવતારે કોટી ઉપાયે ન પ્રાપ્ત થાય, તે નિશ્ચય-વ્યવહાર મહાત્માઓને ચાર-પાંચ વરસમાં અક્રમજ્ઞાનથી પ્રાપ્ત થઈ જાય છે ! વ્યવહાર-નિશ્ચયને કોઈ સગાઈ નથી. વ્યવહાર એ ઇફેક્ટ છે. પોતાના સ્વરૂપની અજ્ઞાનતાથી દેહ ખડો રહ્યો છે. અજ્ઞાન છૂટ્યું તેને દેહ અને વ્યવહાર છૂટી જશે ! નિશ્ચય પ્રાપ્ત થયાની નિશાની શું ? વ્યવહારમાં વીતરાગતા આવતી જાય. નિશ્ચય તો શુદ્ધ જ છે પણ વ્યવહાર શુદ્ધ થશે ત્યારે બધો લાભ મળશે !
વ્યવહારને ઊડાડશે તેનો નિશ્ચયેય ઊડી જશે. એકલો નિશ્ચય હોતો હશે ? નિશ્ચયને ઊડાડશે તેનો વ્યવહારેય ઊડી જશે. નિશ્ચયની મહોર વાગ્યા વિનાના વ્યવહારની કીંમત કોડીની કહેવાય ! શુદ્ધ વસ્તુ, અવિનાશી વસ્તુ એ નિશ્ચય કહેવાય અને અવસ્થાઓને, વિનાશી વસ્તુઓને વ્યવહાર કહ્યો. સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિ પછીનો વ્યવહાર આથમતો હોય અને તે પહેલાંનો વ્યવહાર ઊગતો ને આથમતો બન્ને હોય. વ્યવહાર-નિશ્ચય બને જ્યાં નથી, ત્યાં આત્મધર્મ નથી. નિશ્ચય ધર્મવાળો ક્યારેક પાર જશે પણ વ્યવહારવાળાનો તો આરો જ નથી. નિશ્ચય ધર્મવાળો પુણ્ય બાંધે, ભૌતિક સુખો મળે અને વ્યવહારવાળો ‘હું પાપી છું’ બોલે તો પાપ બંધાય. અક્રમ માર્ગમાં વ્યવહાર-નિશ્ચય બન્ને સાથે જ છે. પુદ્ગલ વ્યવહાર છે ને નિશ્ચય ચેતન છે. કોઈ એકાંતે આગળ વધવા ગયો તે પાછો પડ્યો અને બન્નેમાં ઉદાસીન છે તેનો મોક્ષ થાય. નિશ્ચય એટલે સ્વભાવિક અને વ્યવહાર એટલે વિભાવિક, બદલાયા કરે. વ્યવહાર હોય તો તે કરનારા સહિત હોય. એટલે કર્તા પોતે છે જ નહીં. કેવું અજાયબ જ્ઞાન દાદાશ્રીએ ખુલ્લું પાડ્યું છે. આ એક જ વાક્યમાં ! જમવું હોય તો તેની પાછળ આંગળા એની મેળે કામ કરતાં જ હોય. કારણ બધું મિકેનિકલ છે. અક્રમ વિજ્ઞાન વ્યવહાર કરનારાને દેખાડે છે. એટલે આપણે
જોયા’ કરીએ ને વ્યવહાર કરનારો હોય જ, પછી આપણે ક્યાં ડખો કરવાનો રહ્યો ? વ્યવહાર છોડાય કે કાપી નંખાય નહીં. એ ભાગેડુવૃત્તિ કહેવાય. કંઈ મૂળ નખ કાપી નંખાય ?! વધારાના નખ કાપી નંખાય. વ્યવહાર નિકાલી છે અક્રમ માર્ગમાં. કન્સ્ટ્રક્શનમાં સેન્ટિંગ એ વ્યવહાર છે ને સ્લેબ નાંખે એ નિશ્ચય છે. સેન્ટિંગ કાયમનું ના હોય પણ એના વિના સ્લેબેય ના ભરાય. સેન્ટિંગ કંઈ સાગના લાકડાથી ને કાવિંગ કરીને કરાય ? એ તો સ્લેબ પૂરો થયા પછી તરત કાઢી નાખવાનો જ હોય. જ્ઞાન મળ્યા પછી, આજ્ઞામાં રહેતાં રહેતાં ધીમે ધીમે વ્યવહાર આદર્શ થતો જાય. જેટલો વ્યવહારનો ભાગ આદર્શ નથી એ પોતાને ખેંચ્યા કરે, જે નીકળી જશે. જેનો વ્યવહાર આદર્શ થઈ ગયો એ સંપૂર્ણ શુદ્ધાત્મા થઈ ગયો. પછી આજ્ઞા પાળવાનીય પૂરી થઈ ગઈ ! આદર્શ વ્યવહાર એટલે હરકોઈ ખુશ થઈ જાય. દાદાશ્રીનો વ્યવહાર તીર્થકરોના વ્યવહારની નજીકનો હોય. અથડાવાની જગ્યાએ અથડાય નહીં ને અથડાઈ જાય તો માફી માંગી લે રૂબરૂમાં અગર તો મનમાં એ આદર્શ વ્યવહાર. આદર્શ વ્યવહાર તો તેનું નામ કે આડોશી-પાડોશીઓ, સગા-સંબંધીઓ, ઘરમાં બૈરી-છોકરાં, પૈડા માજી પણ કહે કે ચંદુભાઈ તો બહુ સારા માણસ છે. કોઈને હરકતકર્તા કે દુઃખદાયી ના હોય. આદર્શ વ્યવહાર એ જીવનનો ધ્યેય હોવો જોઈએ. જેટલો વ્યવહાર આદર્શ એટલો નિશ્ચય પ્રગટ થયો કહેવાય. જ્ઞાનીઓનો વ્યવહાર આદર્શ હોય. ભગતોનો વ્યવહાર કાચો પડી જાય. તેથી એ ભગત કહેવાય. ભક્તિમાં ભગતો ઘેલા હોય તેથી વ્યવહાર ભૂલી જાય. પત્નીએ ખાંડ લાવવાનું કહ્યું હોય કે છોકરાંએ ફી માગી હોય તે લાવું છું કરીને ભગત જાય, તે ભજન મંડળી દેખે ને ભૂલી જાય બધું ને બેસી જ રહે ત્યાં. ઘેર બધાં એમ ને એમ રહે રાત સુધી ! જેનો વ્યવહાર બગડ્યો તેનો નિશ્ચય બગડ્યો.
54