________________
નિશ્ચય - વ્યવહાર
૪૦૭
૪૦૮
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
મધર કહેવાય. નિશ્ચય તો એનો સગો જ નથી. નિશ્ચય કોઈની મધરેય થતું નથી ને ફાધરેય નહીં.
દેહ અને આત્મા બેય જેમ એકબીજાની જોડે જ છે, એવું આ વ્યવહાર ને નિશ્ચય બે જોડે જ રહેવા જોઈએ. આત્મા નિશ્ચય છે અને દેહ એ વ્યવહાર છે, બન્નેનું કામ પૂરું થવું જોઈએ. દેહનો ભાગ ભજવે એ બધો વ્યવહાર કહેવાય. એટલે સંપૂર્ણ નિશ્ચય થઈ જાય, પછી એને વ્યવહારની જરૂર નથી રહેતી. પણ જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી વ્યવહારની જરૂર છે. નજીકમાં જ મુક્તિ થવાની હોય તો થોડો વ્યવહાર હોય. વધુ છેટે બહુ વારે મુક્તિ થવાની હોય તો વધુ વ્યવહાર હોય. પણ વ્યવહાર તો હોવો જ જોઈએ. વ્યવહાર વગર તો ચાલે જ નહીંને !
પ્રશ્નકર્તા : દેહ છે ત્યાં સુધી વ્યવહારની જરૂર ખરીને ?
દાદાશ્રી : દેહ છે ત્યાં સુધી વ્યવહાર રહે છે. આપણે ના રાખવો હોય તોય રહે. મહાવીર ભગવાન છે તે ત્યાં આગળ ઉપદેશ આપતા હતા તેય પણ દેહ છે ત્યાં સુધી એ વ્યવહાર હતો અને અત્યારે એમને કહીએ કે હવે ઉપદેશ આપો, તો શી રીતે આપે ?
પ્રશ્નકર્તા : દેહ અનાદિકાળથી છે ? ક્યાંથી આવ્યું છે ?
દાદાશ્રી : અનાદિકાળથી હોય એ વસ્તુ ક્યાંથી આવ્યું કહીએ ત્યારે તો એનું આદિ થઈ ગઈ કહેવાય.
પ્રશ્નકર્તા : દેહ અનાદિકાળથી છે કે નહીં ?
દાદાશ્રી : અનાદિકાળથી જ છેને, આ અનાદિકાળની વળગણ છે. આ દેહ એટલે વળગણ. મન-વચન-કાયાના વળગણ છે. તે એમાં ઝાડને છે તે મન નથી હોતું. એમને આ કાયા એકલી જ હોય છે અને મહીં મન બહુ જૂજ હોય છે. તે કોઈ કાપે ત્યારે ખબર પડે. ત્યાં સુધી એવી ખબર ના પડે આમ. અમુક ઝાડ જ એવાં હોય છે આસોપાલવ જેવાં, એને સ્ત્રીઓ હાથ અડાડે ત્યારે મહીં ખીલી ઊઠે છે અને આ લજામણીને હાથ અડાડીએ એટલે લજાઈ જાય.
પ્રશ્નકર્તા : અને પાછો દેહ અનાદિકાળ સુધી રહેવાનો ?
દાદાશ્રી : અજ્ઞાનતાથી દેહ ઊભો રહ્યો છે. અજ્ઞાન જશે એટલે દેહેય છૂટી જશે ને આ વ્યવહારેય છૂટી જશે. અજ્ઞાનથી આ વ્યવહાર ઊભો રહ્યો છે. પોતાના સ્વરૂપનું અજ્ઞાન તેનાથી આ ઊભું રહ્યું છે.
પ્રશ્નકર્તા : તો વ્યવહાર અને નિશ્ચય બેઉમાંય જાગૃતિ રાખવી પડશેને ?
દાદાશ્રી : ના. નિશ્ચયમાં તમારે કશું કરવાનું નહીં. નિશ્ચયમાં મારે જોવાનું, તમારે વ્યવહાર એકલો જ. નિશ્ચયમાં તમારે જોવાનું નહીં.
વ્યવહારમાં વીતરાગતા ના આવતી હોય, તો એ નિશ્ચય પ્રાપ્ત થયો નથી ! નિશ્ચય તો શુદ્ધ જ છે પણ તમને લાભ નહીં મળે. જેટલો તમે વ્યવહાર શુદ્ધ કરશો એટલો લાભ તમને પ્રગટ થશે.
પ્રશ્નકર્તા અને નિશ્ચય થયા વિના વ્યવહાર આવતો જ નથી.
દાદાશ્રી : એ વ્યવહારની કિંમત જ નથી. જ્યાં સુધી ઉપર નિશ્ચયની મહોર વાગી નથી, ત્યાં સુધી વ્યવહારની કિંમત જ નથી.
ન ઉડાડાય વ્યવહારને ! પ્રશ્નકર્તા : એટલે વ્યવહાર ઉડાડી દે, તે ચાલે એવું જ નથી.
દાદાશ્રી : વ્યવહાર વગર નિશ્ચય શી રીતે ? નિશ્ચય એટલે શું ? કોઈ બીજી અનિશ્ચયવાળી વસ્તુ હોવી જોઈએ તો નિશ્ચય, એકલો નિશ્ચય હોતો હશે ? એક અનિશ્ચયવાળી વસ્તુ હોય તો નિશ્ચય. એક છે તે તકલાદી વસ્તુ હોય તો બીજી પરમેનન્ટ વસ્તુ હોય, સનાતન વસ્તુ હોય.
પ્રશ્નકર્તા : જયાં કલ્ચર્ડ મોતી હોય, ત્યાં સાચાં મોતી છે.
દાદાશ્રી : અત્યારે બધાં કલ્ચર્ડ મોતી હોય, તો આપણે એમ સમજી જઈએ કે પહેલાં કો'ક દા'ડોય સાચાં હશે ખરાં, નહીં તો કલ્ચર્ડ બને નહીં. એના પરથી આ સમજી લેવાનું. એટલે આ વ્યવહારવાળાએ શું કહ્યું કે નિશ્ચયની જરૂર નથી. નિશ્ચયવાળાએ શું કહ્યું કે વ્યવહારની જરૂર નથી.