________________
નિશ્ચય - વ્યવહાર
પ્રશ્નકર્તા : વ્યવહાર જે ડિસ્ચાર્જ રૂપે છે, તો પછી એ શુદ્ધ વ્યવહાર કરવાની કે થવાની વાત કેવી રીતે આવી ?
૩૮૭
દાદાશ્રી : એ ડિસ્ચાર્જ રૂપે છે. તે આપણે જ્ઞાન આપ્યું હોય તેના માટે છે. અને છતાંય આપણો અંદરનો જે વ્યવહાર છે, તે આદર્શ છે. આ બહારના ભાગનો ડિસ્ચાર્જ છે. અંદરનો શુદ્ધ વ્યવહાર છે.
પ્રશ્નકર્તા : અંદરનો વ્યવહાર એ જરા સ્પષ્ટ કરો, એ જરા સમજાયું નહીં.
દાદાશ્રી : એ છે તે ‘આમ ન હોવું જોઈએ' એ વ્યવહાર છે. બહાર ગુસ્સે થતા હોય એ જોડે જોડે અંદર ‘આમ ન હોવું’ એ વ્યવહાર છે. આ શુદ્ધ વ્યવહાર છે. આત્મા જાણકાર અને ‘આમ ના હોવું જોઈએ' એ વચ્ચે હોય છે.
પ્રશ્નકર્તા : આમ ન હોવું જોઈએ, એ કહેનાર કોણ ?
દાદાશ્રી : એ બધું આ પ્રજ્ઞામાંથી છે, પણ તે શુદ્ધ વ્યવહાર છે એ જાતનો. એટલે કોઈ ગાળ દેતું હોય તો પણ અંદર આપણો એના તરફનો
વ્યવહાર ઊંચો હોય. મન બગાડ્યા વગરનો વ્યવહાર હોય.
જ્ઞાતી જ પમાડે શુદ્ધ વ્યવહાર !
શુદ્ધ વ્યવહાર પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. અમારી આજ્ઞા પાળે તો વ્યવહાર છે એ બધો શુદ્ધ જ છે.
પ્રશ્નકર્તા : શુદ્ધ વ્યવહાર લાવવો છે કોઈ માણસને, તો એમાં જ્ઞાનીની પ્રત્યક્ષ હાજરી તો જોઈશે જ ને ?
દાદાશ્રી : જ્ઞાની વગર તો આ થાય કેવી રીતે ? જ્ઞાની વગર આત્મા જ પ્રાપ્ત ના થાયને ! પછી આગળ વાત જ નહીં. પણ શુદ્ધ વ્યવહાર તમને બધાંને ઉત્પન્ન થશે. કોઈને પાંચ વર્ષે, કોઈને દસ વર્ષે, કોઈને પંદર વર્ષે પણ જેમ આજ્ઞા પાળશોને તેમ વ્યવહાર શુદ્ધ થતો જશે. શુદ્ધ વ્યવહાર એટલે કંઈ કોઈનેય ત્રાસ ના થાય, અડચણરૂપ ના થાય એવો ! એટલે જ્ઞાની વગર શુદ્ધ વ્યવહાર હોય જ નહીંને ! સદ્વ્યવહારેય જ્ઞાની વગર નથી.
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : આ પચ્ચીસ વર્ષ પછી જ્ઞાની ના હોય તો પછી શુદ્ધ વ્યવહાર બંધ થઈ જશે.
૩૮૮
દાદાશ્રી : આ બધાંને તો, હું ના હોઉં તોય થયા કરશે. એનું જ્ઞાન છે ને, પાછળ લગામ છે પછી. અને જેને જ્ઞાની પુરુષ જોડે સંબંધ થયો છે, એને જ્ઞાની પુરુષ આખી જીંદગી, પોતે હોય ત્યાં સુધી રહેશે જ જોડે જોડે. એટલે એને કશું કલ્પના જ કરવા જેવી નથી. જેને નથી સંબંધ થયો કે નથી ઓળખાણ થઈ, તેને માટે બીજા રસ્તા મળી આવશે.
પ્રશ્નકર્તા : પછી શુદ્ધ વ્યવહાર બંધ થઈ જશે ?
દાદાશ્રી : ના, એ તો પેલા ક્રમિકના જ્ઞાનીઓ પાકે તોય શુદ્ધ વ્યવહાર ચાલુ રહેશે. તીર્થંકરો આવે છે ત્યારે બબ્બે લાખ માણસોને શુદ્ધ વ્યવહાર હોય છે. બાકી ભગવાન મહાવીર તો શુદ્ધ વ્યવહારપૂર્વક જ હતા. અને ભગવાનનાં ‘ફોલોઅર્સ’ બધા જે હતા, જે મોક્ષે ગયા, તેય શુદ્ધ વ્યવહાર-પૂર્વક ગયા. શુદ્ધ વ્યવહાર સિવાય તો મોક્ષે જાય નહીંને !
આત્મા જાણે તે વ્યવહાર ચાલે !
જગતનો કલ્પિત વ્યવહાર છે. સહુ સહુની કલ્પનામાં આવ્યો, એ કલ્પિત વ્યવહાર. આપણે અહીં શુદ્ધ વ્યવહાર છે. એટલે જે વ્યવહારમાં ક્રોધ-માન-માયા-લોભ વપરાવાનાં ના હોય, એ શુદ્ધ વ્યવહાર કહેવાય. આપણે ત્યાં ક્રોધ-માન-માયા-લોભ વપરાય જ નહીં. અને જે ગુસ્સો કરો એ ક્રોધ નથી એવું આપણે સાબિત કરી આપ્યું, એટલે આપણો વ્યવહાર એ શુદ્ધ વ્યવહાર છે.
પછી તમારી વાઈફને તમે વ્યવહારિક દ્રષ્ટિએ વાઈફ કહો, પણ તે
મહીં તમે એવું જાણતા હોય કે આ ‘ફાઈલ નંબર ટુ’ છે ! અને તમે છોકરાંનેય ‘ફાઈલ નંબર થ્રી’ કહ્યું. આ દેહને ‘ફાઈલ નંબર વન' કહે. એટલે ‘ફાઈલ’ કહ્યું ત્યારથી જ આત્મા ને દેહ બે જુદાં રહે છે જ. એ વાત બધાંને ધ્યાનમાં જ રહે છે. ચોખ્ખી ઊઘાડી દીવા જેવી સ્પષ્ટ વાત ! એટલે બહુ સુંદર વાત છે આ, એની સમાધિ જો નિરંતર રહે છેને, આઘીપાછી થતી નથીને !