________________
૩૮૧
નિર્ભયતા, જ્ઞાનદશામાં !
ત્યારે વિજ્ઞાત થાય પૂરું ! કોઈ પણ સંયોગમાં ભય ના લાગે, ગમે તેવા એટમબોમ્બ નાખે, ગમે તે એ થાય પણ ભય ના લાગે. મહીં પેટમાં પાણી ના હાલે ત્યારે જાણવું કે વિજ્ઞાન પૂરું થઈ ગયું છે. અગર તો જેણે આવું લક્ષ બાંધ્યું હોય કે કોઈ પણ સંજોગોમાં મને ભય ન લાગવો જોઈએ, તે રસ્તે ચાલે છે, તે માણસને વિજ્ઞાન પૂરું થવાની તૈયારી છે.
ભય ના લાગવો જોઈએ. કોઈ રસ્તે ભય ના લાગવો જોઈએ. કારણ કે જ્યાં માલિક જ તમે છો, ભય વળી કોનો તે ? માલિક છો, દસ્તાવેજ છે, ટાઈટલ છે, બધું જ તમારી પાસે છે પણ તમને ખબર નથી, તે શું થાય તે ?
એટમબોમ્બ પડવાના હોય, તોયે પણ એટમ બોમ્બ નાખનારો ભડકે પણ જેની પર પડનારો છે એ ભડકે નહીં, એટલી બધી તાકાતવાળું વિજ્ઞાન છે આ !
[૧૩] નિશ્ચય-વ્યવહાર
ઉચિત વ્યવહાર - શુદ્ધ વ્યવહાર પ્રશ્નકર્તા : દાદા, અક્રમની અંદર તો આપણો જે વ્યવહાર છે તે બધોય આપે એને નિકાલી જ કીધોને ?
દાદાશ્રી : આપણો વ્યવહારને ? એ ભલે નિકાલી કહ્યો કે ગ્રહણીય કહ્યો. એનો સવાલ નથી તમારે, પણ આપણો વ્યવહાર છે આ. ઉચિત વ્યવહાર. ઉચિત વ્યવહારથી માંડી અને ઠેઠ શુદ્ધ વ્યવહાર સુધીનો વ્યવહાર છે આપણો.
પ્રશ્નકર્તા ઃ એ બેનો, ‘ઉચિત’ અને ‘શુદ્ધ'નો ફોડ પાડોને !
દાદાશ્રી : ઉચિતથી શરૂઆત થાય. ઉચિત એટલે ખોડ કાઢવા જેવો નહીં. કોઈ ગાળો ભાંડતો હોય સામસામી તોય પણ એ વ્યવહાર ઉચિત છે. ત્યાંથી આગળ પછી શુદ્ધ વ્યવહાર.
પ્રશ્નકર્તા : એ કેવું ? આપે ઉચિત વ્યવહારની વ્યાખ્યા કહી કે, કોઈ ખોડ ના કાઢે’ અને આ બીજી બાજુ કહ્યું કે ઉચિત વ્યવહાર એટલે કોઈ ગાળો ભાંડે તોય એ ઉચિત વ્યવહાર કહેવાય.
દાદાશ્રી : અહીં તમે ચિડાયા હોયને કોઈની જોડે તોય આપણે અહીં બધાં સમજે, ‘નિકાલ કરતાં હશે, કંઈક સમભાવે..” એવું જ કહેને ?