________________
અક્રમના મહાત્માઓને જ્ઞાનવિધિ વખતે અનંત અવતારની અમાસ કાયમને માટે માત્ર બે કલાકમાં જ જાય છે અને બીજનો ચંદ્રમા ઊગે છે. બીજમાંથી પૂનમ સુધીનો માર્ગ દાદાની પાંચ આજ્ઞામાં રહીને પૂરો કરવાનો છે. એમાં ખાસ તો પાંચમી આજ્ઞા પ્રમાણે દાદાનો સત્સંગ નિયમિત કરવાનો તેમજ જેના થકી અક્રમ વિજ્ઞાન પામ્યા તે પરમ નિમિત્તને સજ્જડ પકડીને, તેમને સર્વભાવ સમર્પીને ઊભા થતાં પ્રશ્નો પ્રત્યક્ષમાં તેમને મળીને ઉકેલી નાખવાના. આ જ એકમેવ અક્રમનો પૂર્ણાહૂતિનો માર્ગ રહે છે પછી. અક્રમમાં કશી સાધના કરવાની રહેતી નથી. એ બધું ક્રમિકમાં હોય છે. અક્રમમાં આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ જ તપ. બીજું કશું જ નહીં.
સંપૂર્ણ જ્ઞાનમાં રહે છે, તેની શું નિશાની ? ગમે તેવાં પરિગ્રહોમાં સંપૂર્ણ અપરિગ્રહી રહે તે ! અને જ્ઞાનમાં પૂર્ણ ન રહેતો હોય, તેને જેટલો પરિગ્રહ ઓછો હોય તેટલો પ્રગતિ માટે ફાયદાકારક છે. અક્રમમાં અહંકાર સજીવન ક્યારે થાય ? પાંચ આજ્ઞા પાળવાની છોડી દો તો. પછી કુસંગ ચોગરદમથી પેસીને અહંકાર સજીવન કરી દેશે ! અક્રમમાં પડવાનો ભય ખરો ? પ્રગતિ ઓછી-વધતી થયા કરે પણ પડાય તો નહીં જ.
અક્રમમાં લપસવાના સ્થાન ક્યાં ? માંસાહાર, દારૂ-ગાંજો અને પરસ્ત્રીગમન(અણહક્કનાં વિષયો). આનાથી જે પડશે, તેનું ફરી ઠેકાણું નહીં રહે ! હાડકુંય નહીં જડે. દાદાશ્રીએ પોતાની જ્ઞાન થયા પહેલાંની પાંચ આજ્ઞાઓ અને પોતાની ક્રમિક માર્ગની સાધનાની સુંદર વાતો કરી છે. દાદાશ્રી કહે છે, તમે અજ્ઞાનીમાંથી મહાત્મા બન્યા. જ્ઞાન પામીને હવે આજ્ઞામાં રહીને, પ્યોર રહીને ચોખ્ખી દાનતવાળો એક દહાડો મહાત્મામાંથી ભગવાન થઈને ઊભો રહેશે !