________________
(૬)
ક્રમિક - કર્તા : અક્રમ - વ્યવસ્થિત
અક્રમ માર્ગ એટલે લીફ્ટ !
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત એટલે ક્રમસર ?!
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : અને એમાં પાછું તમે અક્રમ લાવ્યા. એક તરફથી તમે કહો છો કે બધું જ વ્યવસ્થિત છે. કશું અવ્યવસ્થિત નથી. તો અક્રમ જે છે એ વ્યવસ્થિત છે કે અવ્યવસ્થિત છે ?
દાદાશ્રી : અક્રમે ય વ્યવસ્થિત છે ને ક્રમે ય વ્યવસ્થિત છે. પ્રશ્નકર્તા : હવે અકર્તા અને અક્રમ વચ્ચે શું તફાવત છે ? દાદાશ્રી : અકર્તા અને અક્રમ એક જ માર્ગ છે. જ્યાં અક્રમ છે ત્યાં અકર્તા હોવો જોઈએ. અક્રમ એટલે રિયલ માર્ગ છે. રિયલ માર્ગ એટલે અકર્તા માર્ગ અને રિલેટીવ, ક્રમિક એટલે કર્તામાર્ગ.
૧૪૮
આપ્તવાણી-૧૧
પ્રશ્નકર્તા : અક્રમનો અર્થ નથી સમજાયો.
દાદાશ્રી : એ ક્રમિક માર્ગ એટલે સ્ટેપ બાય સ્ટેપ. પગથિયે, પગથિયે, પગથિયે ચઢતાં ચઢતાં મોક્ષ ભણી જવું, એ ક્રમિક કહેવાય અને અક્રમ એટલે લિફટમાં બેસીને જવું તે. દસ લાખ વર્ષે એક ફેરો નીકળે છે આ લિફટ, એને અક્રમ કહેવાય છે. ક્રમ-શ્રમ નહીં, પગથિયાં ચઢવાનાં નહીં. હવે બધા ય કંઈ પગથિયા ચઢી શકે છે ? કોઈકને હાંફનું દર્દ હોય, બીજા દર્દ હોય, તો એના માટે કંઈ રસ્તો તો કાઢવો પડે ને ! એવા ય દર્દી હોય ને !
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તો એના માટે આ રસ્તો નીકળે આવો.
ક્રમ એટલે બધાં છોડવાનું કહે, અવળું છોડો ને સવળું કરો. આ કપટ-લોભને છોડો ને સારું કરો. એ જ તમે જોયુંને અત્યાર સુધી ?! અને આ અક્રમ એટલે કરવાનું કશું નહીં. કરોમિ, કરોસિ, કરોતિ નહીં ! ગજવું કાપે તો અક્રમમાં કહેશે, ‘એણે કાપ્યું નથી ને મારું કપાયું નથી' અને ક્રમમાં તો એમ કહે કે, ‘એણે કાપ્યું અને મારું કપાયું.’
‘હું કરું છું’ એ એકલું ભાન રાખવાનું નહીં, એવું કહે, તો તો સામો કરે છે એ ભાન પાછું રહે. અને સામાને તું કરે છે, એવું કહે છે એટલે પોતે ‘હું કરું છું’ એ ખાતરી થઈ ગઈ. એટલે અક્રમમાં ‘હું કરું છું, તે કરે છે’ એ ભાન ના રહે. ‘હવે તેઓ કરે છે.’ તે ય ભાન ના રહેવું જોઈએ. એટલે ગજવું કાપે છે તો ‘એ કાપે છે’ એવું આપણા મનમાં રહે નહીં, એનું નામ અક્રમ. ‘આ તમે કર્યું કે તેઓ કરે છે’. એવું તેવું જ્યાં સુધી લક્ષમાં રહે છે. ત્યાં સુધી બધી ભૂલ કહેવાય. અને ‘આ તો ડિસ્ચાર્જ છે, વ્યવસ્થિત કર્યા જ કરે છે એની મેળે’, એ ‘જોયા’ કરો.
કર્તાપદનું ભાન છે ત્યાં સુધી ચાર્જ થયા જ કરે. અક્રમ માર્ગમાં તમારું કર્તાપદ અમે ઉડાડી મૂકીએ છીએ. ‘હું કરું છું' એ ભાન ઉડી જાય છે ને ‘કોણ કરે છે’ એની સમજણ પાડી દઈએ છીએ. એટલે ચાર્જ થતું બંધ થઈ જાય છે. પછી રહ્યું શું ? ખાલી ડિસ્ચાર્જ સ્વરૂપ.