________________
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
મારે આટલા આપવાના છે.' ને હું ઊભા ઊભા કહ્યું કે, ‘લાવ.’ એ આપણો વ્યવહાર અને તું એ વ્યવહાર બીજી જગ્યાએ કરવા જાય તો પેલો કહેશે કે એવું મને નહીં ચાલે અને કહેશે, ‘બેસ છાનોમાનો. અહીં ટેબલ પર મૂક.' એ વ્યવહાર. એટલે વ્યવહાર તો જુદા જુદા હોય. વ્યવહારનો કોઈ કાયદો એવો કરવાનો નથી. હા, એકલું વિનય કહ્યું છે કે વિનય સહિત વ્યવહાર. વિનય જોડે રાખે એટલે બધો વ્યવહાર જ ગણાય છે.
૧૨૮
પ્રશ્નકર્તા : પણ આમાં એવું બને છે કે બે જણનો વ્યવહાર છે. હવે એમાં એને ગૂંચ પડી છે મારા નિમિત્તે. પણ હું કહું કે, ‘ના, મારે એવું ન હતું. હું તો આવું કહેવા માગતો હતો.' તો હવે ખુલાસો જ્યાં સુધી ના કર્યો હોય તો છ-છ મહિના સુધી ગૂંચ પડી રહે એને અને આવી સહેજ વાત નીકળી તો એને સમાધાન થઈ જાય ?
દાદાશ્રી : હા, ગૂંચ નીકળી જાય.
પ્રશ્નકર્તા : હવે આવા પ્રસંગમાં સામો પોતે જ્ઞાનમાં રહેવા બહુ માથાકૂટ કરે, જ્ઞાનમાં રહેવાનો પ્રયત્ન કરે, કે જે ભોગવે એની ભૂલ છે. એવી બધી રીતે પોતે સમજી સમજીને જ્ઞાનના એડજસ્ટમેન્ટ્સનો પ્રયત્ન કરે. પણ પેલાનો શબ્દ નીકળેને, તો એને તરત સમાધાન થઈ જાય.
દાદાશ્રી : એ તો થઈ જાય ને !
પ્રશ્નકર્તા : તો હવે જ્ઞાનના એડજસ્ટમેન્ટના જે પ્રયત્નો હોવા
છતાં એ સમાધાન નહોતું પામતું અને વ્યવહારિક ખુલાસાથી તરત સમાધાન પામી ગયું તો ત્યાં પૂછવાનું એ જ હતું કે બેઉની જે ટસર ચઢે છે, ત્યાં સમાધાન માટે વ્યવહારિક ખુલાસાની જરૂર ખરી ? જો સમાધાન થતું હોય તો ?
દાદાશ્રી : હા, એવું વ્યવહારિક ખુલાસાથી સમાધાન થતું હોય તો એના જેવું એય નહીં ને ! પણ થતું હોય એટલે શું કે, દસ વખત ‘માબાપ' કહે તો આપણે કહીએ, “ભાઈ, વીસ વખત ‘માબાપ' ચાલ !'' સામાને સમાધાન કરવા માટે આપણે એ કરવું જ જોઈએ.
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
એટલે જો એ સમાધાન કરવા આવે તો તો આપણે એને વધારે ખુશ કરીએ. પણ એ સમાધાન કરે જ નહીં ને ઊલટો તને વઢે, કે ‘શુંય મારે વઢવાડ થઈ, તે અમથો સમાધાન સમાધાન કરે છે. ગાંડો થઈ ગયો છે કે શું ? દાદાએ ગાંડું શીખવાડ્યું છે ?” કહેશે.
૧૨૯
એટલે સમાધાન તો ક્યારે કરાય કે એ એમની તૈયારી હોય. તે એમના મનમાં એમ હોય કે ‘કંઈક સારું બોલે તો આનો નિવેડો આવી જાય.’ તે ઘડીએ આપણે બોલવું અને ત્યાં સારું બોલવાથી નિવેડો આવી જાય. ગૂંચવાયેલું હોયને બધું ત્યાં આપણે સારું સારું બોલીએ, મીઠું મીઠું બોલીએ તો નિવેડો આવી જાય. તે પેલું ધ્યાનમાં રાખવાનું કે શાનાથી આંટી પડી હતી ને કહેવું કે આ બાજુની મગજની જરા બીમારી છે. કોઈક ફેરો અવળું બોલી જવાય છે, કહીએ. એટલે પછી એ દોષ માટે ભાંજગડ નહીં કરે.
પ્રશ્નકર્તા : એટલે સોલ્યુશન લાવવાની ઇચ્છાવાળો આવું કબૂલ કરી લે તો સમાધાન થઈ જાય ?
દાદાશ્રી : હા. અરે, અમે તો ‘ગાંડા થઈ ગયા છીએ’ એવું હઉ કહીએ. ‘અમારું મગજ જરા એ થઈ ગયું છે', કહીએ. એટલે આપણને એ છોડી દે. આપણે કંઈ પૈણવું છે એમને ? એટલે સમાધાન કરીને આગળ હેંડ્યા આપણે. આપણને તો જે તે રસ્તે વેર બંધાય નહીં એટલું જ જોઈએ છે ને ?
પ્રશ્નકર્તા : હવે એક બીજો દાખલો લઈએ કે કોઈ કામ બે
વ્યક્તિ એ પાર પાડવાનું છે. તો આ કામ પાર પડતું નથી, કારણ કે બે વ્યક્તિ વચ્ચે આંટી પડી છે. તો હવે એ આંટી દૂર થવા માટે બન્નેની તૈયારી છે. બેઉને ખબર છે, આ કામ આગળ થતું નથી. એમ ખબર છે કે કર્યા વગર ચાલે એવુંય નથી. હવે આને આની જોડે કેવી રીતે ખુલાસો કરીને એ આંટી છોડવી પડે ? ત્યાં વ્યવહારિક ખુલાસાથી થતું હોય તો કરી શકાય ને ?
દાદાશ્રી : થઈ શકે.