________________
(૩) બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : આપણા પુણ્ય કાચાં પડી ગયાં લાગે છે ?
દાદાશ્રી : બહુ મોટાં કાચાં પડી ગયાં. તેથી તે આ શાસ્ત્રકારોએ લખ્યું. ‘કેટલા જણ નર્કે જવાનાં છે ?” ત્યારે કહે, ‘નવ નવડા ગણી લેજો.’ હવે એટલી તો વસ્તીય નથી આપણે ત્યાં. ત્યારે કેટલા કાળ સુધી આવું ને આવું ચાલ્યા કરે, ત્યારે એ નવ નવડા પૂરા થાય.
આ કાળમાં જ, ભેળસેળનો મેળ ? આ જગત એવી જ જાતનું છે. બહુ જ ન્યાયમાં ચાલે છે. કશું ભૂલચૂક કરશો નહીં. બધી જવાબદારી તમારી છે. ભગવાન વચ્ચે આવતા નથી. સમજીને કરશો તો સમજીને, અણસમજણથી કરશો તો અણસમજણથી !
પ્રશ્નકર્તા: એટલે એનો અર્થ એવો કે જેનામાં સમજ છે કે બુદ્ધિ છે અને એનાથી ખોટું કામ થાય તો ?
દાદાશ્રી : વધારે ભોગવવું પડે. પ્રશ્નકર્તા : વધારે ભોગવવાની જવાબદારી આવે ? દાદાશ્રી : જવાબદારી આવે જ ને !
પ્રશ્નકર્તા : અણસમજણમાં જે થયું હોય તે જુદી વાત છે, પણ સમજણ હોવા છતાં કરે તો બહુ જવાબદારી.
દાદાશ્રી : તેથી અમે કહ્યું કે, આ બુદ્ધિથી મારશો તો, વધારે બુદ્ધિથી ઓછી બુદ્ધિવાળાનો લાભ ઉઠાવશો તો એ આઠમી નર્ક આવવાની છે. નર્કો સાત જ હતી પણ નવી જ જાતનું ભોગવવાનું થયું. કારણ કે કોઈ દહાડો બુદ્ધિથી દુરુપયોગ કરેલો જ નહીં. બુદ્ધિનો દુરુપયોગ જો કોઈ કાળમાં થયો હોય તો તે આ કાળમાં. એટલે આ જ અમારે પુસ્તકમાં લખવું પડ્યું કે આઠમી નર્ક આવશે.
હવે ચેતવે છે ને શેઠિયાઓ સાંભળે છે બધા, કે નવી નર્ક કરવામાં આવી છે ! માટે હવે બુદ્ધિથી ના મારશો. આટલું અમારું વાક્ય
સાંભળીને જો કદી વરસ દહાડો ચરી પાળે ને, તો એનું આ અટકી જાય બધું.
બુદ્ધિ હોય તો બુદ્ધિથી મારે ને ? બુદ્ધિ નથી, તે બુદ્ધિથી કઈ રીતે મારવાના છે ? અને ફોરેનવાળા બધા સાહજિક હોય. એટલે એમને બુદ્ધિ હોય છતાં મારે નહીં. આવું આવડે જ નહીં. એમને આ દિશા ભણી વિચાર જ ના જાય. આ ‘આડજંતર’ તો આ લોકોને જ આવડે.
છતાંય મોક્ષતા અધિકારી ! પ્રશ્નકર્તા : સાહેબ, હું વાણિયો એટલે કપટી તો ખરો કે નહિ ?
દાદાશ્રી : કપટ તો બધેય હોય. કપટ તો જેટલી બુદ્ધિ વધે ને, એ બુદ્ધિ અવળી વપરાય એનું નામ કપટ. અને બુદ્ધિ સવળી વપરાય તો કામ કાઢી નાખે. કપટ એ બુદ્ધિ વધ્યાનું હથિયાર છે. અબુધ માણસોને કપટ કરવું હોય તો આવડે નહિ.
જ્યાં બુદ્ધિ ઊંધી વાપરે છે ત્યાં બધે જ પાપ બંધાય છે. એટલે અમે આ કહેવા ફરીએ છીએ કે ભઈ, કંઈક ઠેકાણે આવો. આપણું પોતાનું બગાડી રહ્યા છીએ. એ પારકાનું નથી બગાડી રહ્યા. એટલે એ સમજવા માટે કહીએ છીએ.
છતાંય મોક્ષે જાય એવી પ્રજા છે, આ હિન્દુસ્તાનની ! આપણું બીજ કેવું છે ? મોક્ષે જાય એવું બીજ છે, જો જ્ઞાની પુરુષ મળી જાય તો. જો વાળનાર શક્તિ હોય ને તો શક્તિ જબરજસ્ત ! એવુંય છે. આ બુદ્ધિનું તમને સમજાયું ને ? કંઈ જેવું તેવું કહેવાય ? આ હથિયાર તો ગમે જ નહીં કોઈને. આ હથિયાર લોકોને નુકસાન કરવા માટે ઊગેલું છે, એવું નથી.