________________
ઉદય સ્વરૂપ થઈ જાય. જાગૃતિ આવરાઈ જાય ને ઉપયોગ ચૂકે. એ તો જ્ઞાની પુરુષના સત્સંગમાં રહ્યા કરે તો પછી એ જાગૃતિ પાછી આવે.
જાગૃતિ વસ્તુ જુદી છે ને જ્ઞાન જુદી વસ્તુ છે. ઊંઘમાંથી જાગવું એ જાગૃતિ કહેવાય. જાગૃતિમાં કષાયો ઉપશમેલા હોય. પણ જ્ઞાન તો ક્યારે કહેવાય કે જ્યારે કષાયોનો ક્ષય થયો હોય. જેમ જેમ જાગૃતિ વધે તેમ તેમ કર્મો બંધાય નહીં ને મહીં એકદમ ચોખ્ખું કરી નાખે.
જ્યાં સુધી માનમાં કપટ હોય, તે જાગૃતિ ઉત્પન્ન ના થવા દે. કપટ એટલે ઢાંકવું ને ઊંધે રસ્તે જ લઈ જાય તે. કપટ ને અહંકાર-ક્રોધ, માન
માયા-લોભ જ ઊંધે રસ્તે લઈ જાય.
જ્યારે કોઈ પણ પ્રકારના કપટનો અંશ ના રહે, વિષયનો વિચાર શુદ્ધાં ના આવે, કષાયો નિર્મૂળ થઈ જાય ત્યારે જાગૃતિ છે એ ‘જ્ઞાન’માં પરિણમે.
‘જ્ઞાની પુરુષ’નો આશરો છૂટ્યો કે કષાયો વંશાવાળી સાથે ચઢી બેસે. અરે ! કષાયો તો ગમે તે રસ્તે જ્ઞાનીનો આશરો છોડાવવા ફરે. જરાક મીઠાશ વર્તી કે કષાયોને ખોરાક મળ્યો. કષાયોને ત્રણ વર્ષ સુધી નામે ય ખોરાક ના મળે તો તે નિર્વંશ થાય. પણ જો જરાક ખોરાક મળ્યો કે પાછા તગડા થઈ જાય !
જ્ઞાનીપદ ત્યારે મળે કે કષાયો ક્યારેય જમી ના જાય એટલી બધી જાગૃતિ જોઈએ. જ્ઞાની માથે હોય તો જ કષાયોને જીતી શકે. એમનો આશરો ના છોડવો.
જ્ઞાની પુરુષ જ્યાં સુધી સર્ટિફાય ના કરે ત્યાં સુધી ઉપદેશ અપાય જ નહીં. મહીં બધા દોષ તૈયાર જ બેસી રહેલા હોય તે તરત ચઢી બેસે. બધા ગુણો ક્ષાયક થાય ત્યારે એની મેળે એ પદ આવશે !
જાગૃતિ તો તેને કહેવાય કે ચોર ના પેસે. પોતાના દરેક દોષો દેખાય. અહંકાર પણ દેખાય. એ અહંકાર અહીં છે જ અને એ ગર્વરસ ચખાવડાવે છે. કોઈએ જરા કહ્યું કે તમે બહુ સરસ કર્યું કે તરત જ ગર્વરસ ચાખી લે. એ જ પછી પાડી નાખેને ! આ મીઠું, આ કડવું ભેદ ભાંગે
39
ત્યાં જ્ઞાન છે.
સત્સંગમાં કોઈના પ્રશ્નોના ખુલાસા જ્ઞાની પુરુષ સિવાય કોઈથી ના કરાય. ફક્ત સહેજાસહેજ વાતચીત થાય પણ પોતાની જાતને જરાય વિશેષ માન્યું કે વિષ ફરી વળ્યું સમજો !
જાગૃતિ વધતી જાય તેમ તેમ ઉપશમ કષાયો ક્ષય થતા જાય. જેને જાગૃતિ ઉત્પન્ન થઈ, તેણે સામાયિકો-પ્રતિક્રમણો કરી કરીને દોષો ક્ષય કરવા માટે જાગૃતિનો ફાયદો ઊઠાવી લેવાનો.
‘દાદા’ના બાળક બનીને સીધે સીધું ચાલ્યા જવામાં મઝા છે. દાદાના બાળક બન્યા તો દાદા ઊંચકશે ને મોટા થયા તો જાતે ચાલવાનું ને પછી રખડવાનું ! એ તો જ્યારે ટપલાં પડે ત્યારે પાછો આવે.
પૂજાવાની કામના એ ભયંકર રોગ છે, આત્મઘાતી છે, કોઈ જે’જે’ કરે, તેની પછી ટેવ પડી જાય.
આત્મા તો પૂજ્ય છે જ અને દેહની રાખ થવાની તેને પૂજાવા ફરે છે ! આ રોગથી તો મોક્ષ અટક્યો છે.
જ્ઞાનીથી સહેજ સ્વતંત્ર માર્ગ કાઢ્યો કે ભયંકર ભૂલભૂલામણીમાં પેઠા. જ્ઞાનીની પૂંઠેપૂંઠે વહી જવાનું કહ્યું ત્યાં આડફાંટો કેમ પોષાય ? એ જોખમ કેમ ખેડાય ? એ બધું જ પછાડે છેવટે !
જે જે મોક્ષમાર્ગને બાધક કરનારું આવીને ઊભું રહે તેને તરત જ ઊખેડીને ફેંકી દેવાનું. તો ધ્યેયને વળગી રહેવાય. ધ્યેય મોક્ષનો કરવા જાય. પણ મહીં દાનત ખોરી હોય તો ધ્યેયને ઊડાડી મૂકે. ધ્યેયને તોડાવે તે જ દુશ્મન.
મોક્ષે જવું હોય તો પોતે એટલું મક્કમ થઈ જવાનું કે આ દેહનું જે થવાનું હોય તે થાવ પણ મોક્ષમાર્ગને નહીં ચૂકું, કામ કાઢી જ લેવું છે. તો તેનું કામ પૂર્ણ થાય. આટલો જ ભાવ કરવાનો છે, દઢ નિશ્ચય કરવાનો છે.
મોક્ષમાર્ગનાં આ ભયસ્થાનો જ્ઞાની પાસેથી જાણી લઈ ત્યાં નિરંતર
40