________________
આપ્તવાણી-૨
સંસાર-સ્વરૂપ : વૈરાગ્ય-સ્વરૂપ સંસાર આખો દગો છે. એમાં કોઇ આપણો સગો નથી. એવા આ સંસારની વિકરાળતા જો સમજાઇ જાય તો મોક્ષની ઇચ્છા તીવ્ર થાય. સંસારની વિકરાળતા એ તો મોક્ષ માટેનું કાઉન્ટર વેઇટ છે.
આજે વિકરાળતા લાગે છે, છતાં ય પાછો મૂર્છાથી મૂઢ માર ખાય છે. પાછું લાગે કે હશે ભાઇ, આવતી કાલે સુધરશે. પિત્તળ સુધરીને સોનું થશે ખરું ? ના, એ તો કયારેય પણ સોનું ના થાય. તેથી આવા સંસારની વિકરાળતા સમજી લેવાની છે. આ તો એમ જ સમજે છે કે આમાંથી હું કાંઇક સુખ લઇ આવું છું. આમ કરીશ એટલે કંઇક સુખ મળશે. પણ ત્યાં ય માર ખાય છે.
જો ‘જ્ઞાની પુરુષ' આ સંસારની વિકરાળતાનું માત્ર વર્ણન જ કરે તો એને થઇ જ જાય કે, “આવો અતિ કઠિન સંસાર છે ? આમાંથી તો છુટાય એવું નથી. માટે એ આખો કેસ ઊંચે મૂકવાનો.’ હા બાપા ! હા બાપા” કરીને ઉકેલ લાવવાનો. ‘સમભાવે નિકાલ’ કરવા જેવું છે જગત!
આ અમારી ઝીણી વાત છે. જાડી વાતોથી તો સંસાર ઊભો છે !
દહીનું વાસણ હોય અને તેનું મોટું નાનું હોય ને નીચે મૂકેલું હોય ત્યારે બિલાડીને તેની સુગંધ આવે. તે વાસણ હલાવીને દહીં ખાઇ જાય.
પછી થોડું ચપટીક દહીં મહીં રહ્યું હોય તો તેની લાલચે બિલાડી મોટું જોરથી અંદર ખોસી દે ત્યારે એનું મોં અંદર ફસાઈ જાય. પછી તો અંદર અંધારું. તે બિલાડી આમથી દોડે ને તેમથી દોડે. હવે આવી ફસામણમાં ફસાયા પછી છૂટે શી રીતે ? તેમ આ આખું જગત આવું ફસાયું છે ! હવે પોતે પોતાથી છુટાય શી રીતે ? બિલાડીને છૂટવું હોય તો કોઇ છોડાવી આપે તો જ છૂટે. તેમ આ જગતની ફસામણમાંથી એક ‘જ્ઞાની પુષ' જ છોડાવી શકે, બીજો કોઇ છોડાવી ના શકે. પોતે પોતાનાથી તો કયારે ય ના છૂટી શકે, ઊલટો વધારે ગૂંચાય.
નાનપણમાં અમે આ બધું બિલાડીનું નિરીક્ષણ કરેલું. હું જાતે દહીંનું વાસણ મૂકી છાનોમાનો જોયા કરું. દહીં બગડે એની પડેલી જ નહીં. પણ જોવા ને જાણવા તો મળે ને ! આ તો આવી પ્રત્યક્ષ ફસામણ જાણ્યા છતાં પાછો ફસાય એવો મૂરખ કોણ ? આ બિલાડીને કેવું કે એક વખત મોટું ફસાયું હોય છતાં પણ ફરી દૂધનું વાસણ જુએ ને પછી ભૂલી જાય ને છોડે નહીં ને પાછી ફસાય. પછી તે બહુ ય પસ્તાય. પણ ફસાયા પછી શું થાય ? આ એક વાર ફસામણ થઈ ગઈ હોય તે પછી તેને યાદ રહેતું હશે કે આવું ફરી નહીં કરાય ? ના, એ તો શિક્ષા કરી હોય તો ય ભૂલી જાય. આ માણસો ભૂલી જાય છે તો પછી જનાવરનું શું ગજું ? આ દેહ આપણો ના થાય ને “આ મારો, આ મારો’ એવું બધાં કહે છે. અલ્યા, આ દેહ જ તારો નથી, ને બીજાં તારાં શી રીતે થશે ?
આપણે કલકત્તાથી આવતાં સારી કરી દીઠી હોય, ને ત્યાં મજૂર ના મળે, કરંડિયા ના મળે, તો ય સાચવીને અહીં લાવીએ. અને અહીં લાવ્યા પછી કેરીઓ ખાઇએ અને ખાઇ લીધા પછી ગોટલા ને છોતરાં નાખી દઇએ. અલ્યા, આટલી મહેનત કર્યા પછી નાખી દીધું ? તો કહે કે, હા, માત્ર રસનું જ કામ હતું. એમ આ માણસોને ય ગોટલા-છોતરાં રહે, રસ ના રહે ત્યારે છોકરાં ય લાતો મારે !
અમારે ત્યાં પાડોશીમાં એક આંધળા ડોસી અને તેનો દીકરો રહે. ડોસી આખો દહાડો ઘર સાચવે ને કામ કર્યા કરે. તે ભાઇને ઘેર એક દિવસ તેના સાહેબ આવ્યા. આ ઘરના સાહેબ અને પેલા ઓફિસના સાહેબ ! બંને ઘેર આવ્યા. તે ભાઇ સાહેબને થયું કે મારી આંધળી માને મારો સાહેબ