________________
આપ્તવાણી-૨
૪૨૯
દહાડો ભક્તિ કરે છે ! અને હજાર હજાર વાર એમને નમસ્કાર કરે છે !!
જયાં સુધી આત્મા સંપૂર્ણ પ્રાપ્ત થયો નથી, ત્યાં સુધી એવું રહેવું જોઇએ કે “જ્ઞાની પુરુષ' એ જ મારો આત્મા છે અને એમની ભક્તિ એ પોતાના જ આત્માની ભક્તિ છે ! ભક્તિનો સ્વભાવ કેવો ? જે રૂપની ભક્તિ કરે તેવો થાય. ‘જ્ઞાની પુરુષ'ની ભક્તિમાં ઊંચામાં ઊંચી કીર્તનભક્તિ છે. કીર્તનભક્તિ કયારે ઉત્પન્ન થાય ? કયારે ય પણ અપકીર્તિનો વિચાર ના આવે, ગમે તેટલું અવળું હોય તો ય સવળું જ દેખાય. જો કે ‘જ્ઞાની પુરુષ'માં અવળું હોય જ નહીં. કીર્તનભક્તિમાં તો નામે ય મહેનત નહીં ! કીર્તનભક્તિથી તો ગજબની શક્તિ વધે !
નિષ્પક્ષપાતી મોક્ષમાર્ગ ! દાદાશ્રી : મોક્ષ હશે કે નહીં ?
પ્રશ્નકર્તા : હા. એ તો વિશ્વાસ છે, માટે માર્ગ પણ હશે અને એના જાણકાર પણ હશે ખરા ને ?
દાદાશ્રી : હા. ‘અમે' તેના જાણકાર છીએ. આ સાન્તાક્રુઝનો માર્ગ બતાવનાર તો મળી આવે, પણ મોક્ષનો માર્ગ તો બહુ સાંકડો અને ભુલભુલામણીવાળો છે, તેનો બતાવનાર મળવો અતિ દુર્લભ છે. તે જો મળી જાય તો એ “મોક્ષદાતા” પાસેથી માગી લેવાનું હોય જ ને ? ધીસ ઇઝ ધી ઓન્લી કેશ બેંક ઇન ધી વર્લ્ડ !
અમે એક કલાકમાં જ તમારા હાથમાં રોકડો મોક્ષ આપી દઇએ છીએ. અહીં ક્યાં મહિના સુધી શ્રદ્ધા રાખવા કહીએ છીએ ? ‘શ્રદ્ધા રાખ, શ્રદ્ધા રાખ’ એમ જે કહે છે એમને તો આપણે ખખડાવીએ કે, ‘પણ અમને શ્રદ્ધા આવતી નથી ને ! તમે કંઇક એવું બોલો કે જેથી અમને શ્રદ્ધા આવે !” પણ શું કરે ? દુકાનમાં માલ હોય તો આપે ને ? ક્રોધની દુકાનમાં શાંતિનું પડીકું માગવા જઇએ તો મળે ?
પ્રશ્નકર્તા : ના મળે.