________________
આપ્તવાણી-૨
૩૯૯
૪00
આપ્તવાણી-૨
લોભ ગયાં એને વીતરાગ માર્ગ પ્રાપ્ત થયો અને જેને ત્યાં એ સાબૂત છે એ જરા ય તૂટ્યાં નથી. જેનો કાંકરો ય તૂટ્યો નથી, તેને વીતરાગ ધર્મ કેમ પ્રાપ્ત થયો કહેવાય ?” જૈન ધર્મ તો પ્રાપ્ત થયો છે; અરે, અનંત અવતારથી જૈન ધર્મ તો પ્રાપ્ત થયો છે. કંઇ એક અવતારથી જૈન ધર્મ થોડો પ્રાપ્ત થયો છે? પણ વીતરાગ ધર્મ કોઇ અવતારમાં પ્રાપ્ત થયો નથી !
વીતરાગો તો સાવ જુદા જ હતા. વીતરાગોને વીતરાગ માર્ગમાં જે કરવું પડ્યું હતું તે અત્યારે લોકોના ખ્યાલમાં નથી, લક્ષમાં નથી, અને એમને જે નહોતું ગમતું તે લોકો કરે છે. અત્યારે એમને શું નહોતું ગમતું કે, “ભાઇ, એક પક્ષમાં ના પડીશ. તું તપમાં પડયો તો તપગચ્છ ના થઇ જઈશ.” વીતરાગો શું કહે છે કે, “એક ગચ્છમાં ના પડશો.’ એ તો એક ખૂણો છે મકાનનો. મકાનનો એક જ ખૂણો જો વાળ વાળ કરે તો આખી રૂમ સાફ થાય ખરી ? શુદ્ધિ થાય ? ના થાય. ભગવાને કહ્યું કે, “બધા ખૂણા સાફ કરજે.' ભગવાન કંઈ તારા ખૂણા વાળવા આવવાના નથી. આ લોક તો એકલા તપની પાછળ પડયા કે એકલા ત્યાગની પાછળ પડયા, તો કેટલાક વળી પુસ્તક વાંચ વાંચ કરે.
જ્ઞાતીની પૂંઠે પૂંઠે..... વીતરાગોએ કહ્યું છે કે, “મોક્ષ માટે કશું જ કરવા જેવું નથી, માત્ર ‘જ્ઞાની'ની પૂંઠે પૂંઠે વહ્યા જજો.’ એમની પૂંઠે સિગારેટ પીએ તો ? ‘હા, પીજ. એમની હાજરીમાં સિગારેટ પણ પીજો, પણ “જ્ઞાનીની પેઠે વહ્યા જજો. એમનો હાથ ના છોડશો.’ કહે છે. ‘જ્ઞાની' કોને કહેવાય ? જેને આ જગતમાં કશું જ જાણવાનું બાકી ના રહ્યું હોય તે ‘જ્ઞાની'. જાણવાનું જેને બાકી રહ્યું હોય તેને આપણે જ્ઞાની કહીએ ને પછી આપણે તેમને જે ઘડીએ પૂછીએ ત્યારે એ ઘૂંટાયા કરે. સા'બ શું કરે ? મહીં ચૂંટાયા કરે, પછી આપણને શાસ્ત્રના ટબ્બા દેખાડે. અલ્યા ભઇ, શાસ્ત્રને શું તોપને બા'રે ચઢાવવું છે ! અહીં આગળ શું કરવા ટબ્બા દેખાડે છે ? મહીંથી તું બોલ ને ! મહીં મરેલો છે કે જીવતો, તે બોલને ! જો મહીં જીવતો છે તો બોલ મહીંથી ! પણ આ શાસ્ત્ર શું કરવા વચ્ચે લાવે છે ? શાસ્ત્ર એ તો બોર્ડ છે, સ્ટેશને ઊતરવાનાં બોર્ડ છે, બોર્ડની કંઇ હરઘડીએ જરૂરી પડે ખરી ? એની તો કો'ક દહાડો જરૂર પડે; એટલું જ જાણવા કે, “ભઇ, કયું સ્ટેશન આવ્યું ?” તો એ કહે કે, “ભઇ, પેલું બોર્ડ દેખાય, દાદર.” તે શાસ્ત્રો તો દાદર છે. શાસ્ત્ર તો ‘ઇટસેલ્ફ’ બોલે છે, ‘ગો ટુ જ્ઞાની.” એ નિશાની બતાવે છે.
કબીરો કહે છે : “પુસ્તક પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોય કબીરાને એક ય પંડિત થયેલો દેખાયો નહીં. પુસ્તક વાંચીને પુસ્તક જેવા થઇ જાય ! જેની આરાધના કરે તેના જેવો થઇ જાય, એવો આત્માનો સ્વભાવ છે. વીતરાગની આરાધના કરે તો વીતરાગ થઈ જાય, માટે વીતરાગની આરાધના કરો તો મોક્ષે જવાશે. મોક્ષનો આ એક જ માર્ગ છે, બીજા બધા અનંત માર્ગોમાં એક માર્ગ, આ વીતરાગની નાની કેડી એકલી જ છે કે જે મોક્ષે લઈ જાય. આ કેડી ઉપરથી એક માણસ મહાપરાણે જઇ શકે, કો'ક દહાડો ! નહીં તો બીજા તો અન્ય માર્ગ છે જ, અન્ય માર્ગો અનંતા છે; ને તે બધા ચતુર્ગતિમાં ભટકાવનારા માર્ગો છે. દેવગતિ ને બીજે રઝળપાટ કરાવનારા છે અને આટલાથી મનમાં સંતોષ લે ને કહે કે, “અમારે તો ઘણું ખરું આવી ગયું છે, અમે ઘણું બધું પામી ગયા છીએ.'
જો સંસારમાં કોઇ ઊંધો માર્ગ જોઇતો હોય, જગતના વિષયી સુખો. જોઇતાં હોય, તારે અહંકારનો ભોગવટો કરવો હોય, તો ભગવાન કહે છે. કે, ‘શાસ્ત્રો વાંચ અને ત્યાગ કર, તપ કર, જપ કર, તને જે અનુકૂળ આવે તે કોઇ પણ તપ-જપ લઇ લે, એક સજેક્ટ લઇ લે, એ સજેક્ટનું ફળ તને મળશે; દેવગતિ અગર તો મનુષ્યમાં ય સારો અવતાર થાય, બીજું થાય, ત્રીજું થાય.' ભગવાનના સજેક્ટોનું આરાધન કર્યું, માટે કંઇક ફળ તો મળે ને ? ભગવાને મોક્ષને માટે નિર્વિષયી માર્ગ કહ્યો છે ! એમાં તપ, ત્યાગ, જપ કે જે બહારના વિષયો છે, એવું કશું છે નહીં.
વીતરાગો એટલે બહુ ડાહ્યા માણસો. મોક્ષનો માર્ગ સરળમાં સરળ, સહેલામાં સહેલો વીતરાગો આપીને ગયા, બીજા બધાએ મોક્ષનો માર્ગ ગૂંચવી ગૂંચવીને ભુલભુલામણી રૂપે મૂક્યો છે. તે ભુલભુલામણી કેવી ?