________________
આપ્તવાણી-૨
૨૭૧
ભાવહિંસા
ખાઈને પડયા છે.’ મહારાજને એમ કે આ તો એમને કંઇક સંયમ પમાડું એવું રહે. સંયમનો અર્થ સમજયા નથી. - ત્યાગ તો કોનું નામ કે જે વર્તે એ, યાદ જ ના આવે એને ત્યાગ કહેવાય. ભગવાને ત્યાગ કોને કહ્યો ? કે મનમાં જે જે વિચારો ઉત્પન્ન થાય, વાણીના જે જે પરમાણુ ઊંડે તેમાં પોતે તન્મયાકાર ના થાય તેને શુદ્ધ ત્યાગ કહ્યો. મનમાં જે જે વિચારો આવે, પછી ગમે તેવા સારા હોય, ગમતા હોય કે ના ગમતા હોય, પણ તેમાં છૂટો રહે અને તન્મયાકાર ના થાય તેને ભગવાને ત્યાગ કહ્યો. પછી, વાણીના જે જે પરમાણુ ઊડે તે દરેકમાં પોતે તન્મયાકાર ના થાય તેને સર્વસ્વ ત્યાગ ભગવાને કહ્યો, એ જ મોક્ષ આપે એવો છે. ભ્રાંત ભાષામાં બાહ્ય ત્યાગ માટે પણ ત્યાગનો અર્થ જુદો જ છે, પણ રીયલ ભાષામાં અને ત્યાગ નથી કહ્યો. ‘અહીં'નો એક આનો પણ ‘ત્યાં' કામ નહીં આવે. આ તન્મયાકાર ના થવું એ કયારે બને ? કે જયારે પોતે શુદ્ધ થાય તો, પોતે જે અશુદ્ધ છે તેમાંથી ‘જ્ઞાની પુરુષ' શુદ્ધપદ આપે ત્યારે ભગવાનની ભાષાનો ત્યાગ વર્ત. ‘જ્ઞાની પુરુષ' શુદ્ધપદમાં બેસાડે તે પછી મોક્ષ થઇ જાય. આ તો કેટલું સરળ છે ! નહીં તો અનંત અવતારે ય ઠેકાણું ના પડે એવું છે !
બાહ્ય ત્યાગનો અર્થે ય જો સમજે તો ય એ કેટલું સાર્થક થાય ! એક બાજુ બૈરી-છોકરાંને તરછોડ મારે ને બીજી બાજુ મોક્ષ ખોળે તેનો વાંધો છે. આ તો કહેશે કે, “મારે ઉદયકર્મ છે.” અલ્યા, તરછોડ મારી એને ઉદયકર્મ ના કહેવાય. આજુબાજુના, ઘેર બૈરી-છોકરાં, મા-બાપ બધાંને રાજીખુશી રાખીને જાય એને ખરો ઉદયકર્મ કહેવાય. પેલો ય ઉદયકર્મ ખરો, પણ એ રાજીખુશીથી નથી માટે ખરો ઉદયકર્મ ના કહેવાય. ભગવાન મહાવીરને ય ભાઇએ રજા આપી ત્યારે જ તેમણે દીક્ષા લીધી. ઘરનાં બધાંને - પત્નીને, નાની બેબીને, કોઇ પણ જીવને તરછોડ મારીને મોક્ષ ના જવાય. સહેજ પણ તરછોડ વાગે એ મોક્ષનો માર્ગ ન હોય.
જગત ગપ્યું નથી, પણ લોક અવળું માની બેઠા છે. ઘણાં ખરા લોકો કહે છે કે ભગવાન ઉપર છે, પણ તે સાચું નથી, લોકોની અવળી સમજ છે. તેથી જ અમારે ખુલ્લું કહેવું પડે છે કે આ વર્લ્ડમાં કોઇ એવું પરમાણુ બાકી નથી જયાં હું ફર્યો ન હોઉં. બ્રહ્માંડની અંદર રહીને અને બ્રહ્માંડની બહાર રહીને હું ‘જેમ છે તેમ' જોઇને કહું છું અને ગેરેન્ટી આપું છું કે ઉપર કોઇ બાપો ય નથી. આ તો ઉપરવાળો, ઉપરવાળો કરીને વગર કામનો ડખો કર્યો, તે તમારો કાગળ ભગવાનને નહીં પહોંચે અને કાગળના પૈસા નકામા જાય અને ભાવના ય નકામી જાય. જયાં છે ત્યાં વાત કરોને કે જયાં બાપો મહીં બેઠો છે, તો કો'ક દહાડો તારી અરજી પહોંચશે. અગર તો મૂર્તિમાં પૂજ, કારણ કે એ પ્રત્યક્ષ આંખે દેખાય છે, પછી ભલેને એ પથ્થરની છે, પણ લોકોએ માન્ય કરી છે. ભલે તને માન્ય ના હોય, પણ લોકોને માન્ય છે, લોકોનો આરોપિત ભાવ છે, ત્યાં આગળ ચૈતન્યવાળાનો આરોપિત ભાવ છે. પેલી માન્યતા ય રોંગ માન્યતા છે કે ઉપર ભગવાન છે, એ રોંગ એડ્રેસ છે. એડ્રેસ વગરનો કાગળ નાખીએ તો કોને પહોંચે ? મહીંવાળાને દેખને ! ભગવાન મહીં જ બેઠો છે, બીજે કયાં ય નથી. એ ભગવાનનું સાચું એડ્રેસ તને આપું - ગોડ ઇઝ ઇન એવરી ક્રીએચર, વેધર વિઝિબલ ઓર ઇન્વિઝિબલ.