________________
આપ્તવાણી-૨
ત્યાગીને આત્માના ત્યાગની ભ્રાંતિ છે અને સંસારીને આત્માના સંસારની ભ્રાંતિ છે.
૨૬૫
જ્ઞાતીતી આજ્ઞા એ જ ધર્મ તે તપ !
મોક્ષના માર્ગમાં કંઇ ખર્ચવાની જરૂર નથી, તપ, ત્યાગ કશું કરવાનું હોય નહીં; માત્ર જો ‘જ્ઞાની પુરુષ’ મળે તો જ્ઞાનીની આજ્ઞા એ જ તપ અને એ જ ધર્મ. ‘જ્ઞાની’ મળ્યા પછી નવું તપ ઊભું થાય- આંતરિક તપ. આંતરિક તપથી મોક્ષ થાય અને બાહ્ય તપથી સંસાર મળે ! કોઇ ગાળ આપે તો મહીં તરત જ રોકડું પ્રતિક્રમણ કરો, એ આંતરિક તપ કહેવાય.
જન્મ્યો ત્યારથી મન, વચન, કાયા લાવ્યો છે. મુખ્ય મોહ અને મુખ્ય પરિગ્રહ આ છે. આ ત્રણથી જ બીજાં અનેક મોહ ને પરિગ્રહો ઉત્પન્ન થાય છે. માટે બધાંને ત્યાગી ના શકાય. જગત ક્રમવાર છે, કોઇ દહાડો ક્રમ તૂટતો નથી. કોઇ માણસને ક્રમમાં ત્યાગ મળ્યો તો એ ત્યાગ કરે અને આગળ ઉપર એ જ વટાવીને સંસાર મળે. પરિગ્રહ તો અનેક છે. તું લાખ પરિગ્રહ લઇને આવે, અમે તો ય તને આમ હાથ માથે મૂકીને અપરિગ્રહી બનાવી દઇએ ! અપરિગ્રહી એ તો સમજણ ભેદથી છે. આ અક્રમ માર્ગ છે ને પેલો ક્રમિક માર્ગ છે. ક્રમિક માર્ગમાં લાખ બધું છોડીને જંગલમાં જાય પણ મન, વચન, કાયા જોડે છે, તે પરિગ્રહ જોડે જ હોય, તેથી નવો સંસાર ઊભો કરી દે; જયારે અક્રમ માર્ગમાં પરિગ્રહોમાં અપરિગ્રહી રહીને મોક્ષ છે. ભરત રાજાને કેવું હતું ? મહેલો, રાજપાટ ને તેરસો તેરસો તો રાણી હતી, છતાં ય ઋષભદેવ ભગવાને તેમને ‘અક્રમ’ જ્ઞાન આપ્યું, તેનાથી આ બધા જ વૈભવ સાથે રહેવા છતાં તેઓ મોક્ષે ગયા !
કેટલાક લૂગડાંને પરિગ્રહ માને છે અને શિષ્યો ૧૦૮ કરે છે ! આ લૂગડાં તે કંઇ કૈડે છે ? ખરો તો આ જ જીવતો પરિગ્રહ છે.
અમારે કેવું હોય ? કે આ મકાન બળતું હોય તો ય તેનો પરિગ્રહ ના હોય ! સહજ હોય. આ અમારી સામે ખાવાની થાળી મૂકી હોય અને કોઇ ઉપાડીને લઇ જાય તો અમે તેને વિનંતિ કરીએ કે, “ભાઇ, સવારનો ભૂખ્યો છું'. જો ભૂખ્યા હોય તો વિનંતિ કરીને માગીએ, ને છતાં ય
આપ્તવાણી-૨
ઉપાડીને લઇ જ જાય તો અમને વાંધો નથી. માગવું એને પરિગ્રહ ના ગણાય. ભલે ‘જ્ઞાની’ હોઇએ, પણ માગવું પડે. અમને જમવાની થાળીની મૂર્છા ના હોય. આ બધા જ પરિગ્રહો છે, એમાં અપરિગ્રહી થાય તો અંત આવે, ‘સત્સુખ’ને પામે. પણ આજે આ લોકો આડી ગલીમાં પેસી ગયા છે, પણ એમાં એમનો દોષ નથી, આ તો કાળચક્રને આધીન છે. અમને કોઇ દોષિત દેખાતા નથી. મહીં જે છે એ સંપૂર્ણ દરઅસલ વીતરાગ છે ! આ તો અજાયબી ઊભી થઇ ગઇ છે ! આ અક્રમ જ્ઞાન ઊભું થયું છે અને તે ‘વિક્રમ' ટોચ પર છે !!!
૨૬૬
આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કોઇ માણસ તમારી પાસે આવે અને તે તમને કડવું પાય, તો તે વખતે મહીં હાર્ટ લાલ થઇ જાય, તે વખતે તમે જ્ઞાનમાં સ્થિર થઇ જાવ અને હાર્ટને જોયા કરો કે કેટલું તપે છે, આને જ ભગવાને ‘જ્ઞાન-તપ’ કહ્યું છે. સંસાર અવસ્થા એ કુદરતી રચના છે, તેમાં અસ્થિર શું થવાનું ?
ભગવાને તો કહ્યું કે જ્ઞાન નહીં હોય પણ ભાન હશે તો ય ચાલશે. ભગવાને ભાન નહીં હોય તો ચાલશે એમ નથી કહ્યું. ભાન થયા પછી જ જ્ઞાન-તપ ચાલુ થાય. ભગવાને પ્રયત્નદશામાં એબ્નોર્મલ થવાનું ના કહ્યું અને અપ્રયત્ન દશામાં ય એબ્નોર્મલ થવાનું ના કહ્યું છે. ભગવાન કહે છે કે નોર્માલિટીમાં બધેથી જ આવો! ભગવાને એબ્નોર્મલમાં તું જે કંઇ કરે તેને વિષય કહ્યો છે.
આ તપ-ત્યાગ જે કરો છો તે તમને સમષ્ટિ કરાવડાવે છે અને તેને તમે માનો છો કે, ‘હું તપ કરું છું.’ આ રીલેટિવ વસ્તુ છે, રીલેટિવમાં કોઇ કંઇ કરી શકે જ નહીં. અમે તો છેવટનું કહી દીધું છે કે, ‘તું તપ કરે કે જપ કરે, ત્યાગ કરે કે વેશ બદલે, જે કરે તે બધું જ તારું ભમરડા સ્વરૂપ છે ! જયાં સુધી શુદ્ધાત્મા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી બધું જ પ્રકૃતિ કરાવે છે, તેથી તું ભમરડો જ છું.’
܀܀܀܀܀