________________
આપ્તવાણી-૨
વીતરાગતામાં રહે છે. ચોવીસેય તીર્થકરોની મૂર્તિઓમાં વીતરાગનાં દર્શન માટે પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ગજબની છે !
આજે તો આ લોકને સહન કરવાનું જરા ય છે નહીં, છતાં રોજ ગા ગા કરે ! આખી જિંદગીનું સરવૈયું કાઢે તો ય મહાન પુરુષનું એક દહાડાનું ય દુ:ખ ના હોય, છતાં ય ગા ગા કરે !
૨૦૫
જગતના લોક તો અમને નિરંતર જ્ઞાનમાં દેખાય છે કે વેરથી જ બંધાયા છે, અને તેથી તો મોઢું દિવેલ પીધેલા જેવું દેખાય છે! વેરથી કલેશ થાય. આ પાર્શ્વનાથ ભગવાનને જો સહેજ પણ ઓળખો તો વીતરાગના ફણગા ફૂટે, પણ આ ઓળખે કેવી રીતે ? સાપવાળા પાર્શ્વનાથ ને
સિંહવાળા મહાવીર સ્વામી !!! આ કેરીને ઓળખે કે રત્નાગિરિની કે વલસાડી ! પણ ભગવાનનું ઓળખાણ એમને નથી પડતું !!! હવે આમને ક્યાં પહોંચી વળાય ?
કોઇ ને ય આપણાથી દુઃખ ના થાય એ સુખી થવાનો માર્ગ !
અમારે રાત્રે બહારથી આવવાનું થાય તો અમારા બૂટના અવાજથી કૂતરું જાગી ના જાય એટલે અમે સાચવીને ચાલીએ. એ કૂતરાંને ય ઊંઘ તો હોય ને ! એમને બિચારાને પથારી-બથારી તો, રામ તારી માયા ! તો એમને શાંતિથી સૂવા પણ ના દેવાય ?
એક દહાડો રાત્રે અમારી પોળનો એક ઓળખીતો માણસ જોરથી દોડતો દોડતો જતો હતો. હવે બસો કિલોનું પોટલું, તે રસ્તામાં પડયો. તેથી બે-ત્રણ વાર તો ગોથમડું ખાઇ ગયો ! તેને મેં પૂછ્યું કે, ‘ભાઇ, આટલી રાત્રે આટલો દોડતો દોડતો કેમ જાય છે ?' તો કહે કે, ‘જલેબી લેવા દોડું છું ! અમે પાનાં રમતા હતા, તે એક શરત હાર્યો એટલે દશ રૂપિયાની જલેબી લેવા જઉં છું. મોડું થયું છે તે દુકાન બંધ ના થઇ જાય એટલે દોડું છું !'
ઓત્તારીની ! આ જલેબી જડ ને તું ચેતન, તે આવડી જલેબી આ
બસો કિલોને ખેંચે કઇ રીતે ? એ ય અજાયબી છે ને ?
܀܀܀܀܀
સંગ અસર
દાદાશ્રી : સત્સંગ કોને કહેવાય ? પ્રશ્નકર્તા : ઇશ્વરના ઘરની સારી વાતો થાય તેને સત્સંગ કહેવાય. દાદાશ્રી : ઇશ્વર તો જાણ્યો નથી કે એ કોણ છે ને કોણ નથી, ત્યાર વગર શી રીતે એની વાતો થાય ?
સત્સંગ તો ઘણા ય પ્રકારના છે. પુસ્તકો વગેરેનું આરાધન કરે તે પણ સત્સંગ છે. ‘સંત પુરુષ’નો સંગ પણ સત્સંગ, સત્ પુરુષનો સંગ કરે એ પણ સત્સંગ અને ‘જ્ઞાની પુરુષ’નો સંગ એ પણ સત્સંગ અને પછી છેલ્લે ‘વીતરાગ’નો સંગ એ પણ સત્સંગ કહેવાય, પણ એ બધાના પ્રકારમાં ફેર.
સંત પુરુષ કોને કહેવાય ? જેનું ચિત્ત નિર્મળ થઇ ગયેલું છે તે ‘સંત પુરુષ'. સંત પુરુષને પોતાના સ્વરૂપનું ભાન ના હોય; જેને પોતાના સ્વરૂપનું ભાન હોય, જેને અમે સ્વરૂપનું જ્ઞાન આપીએ, તેઓ ‘સત્ પુરુષ’ કહેવાય, અને એની આગળ જ્ઞાની પુરુષ કે જે મુક્તિ આપે, જે મોક્ષનું દાન આપી શકે તે મોક્ષદાતા પુરુષ અને એમની આગળ વીતરાગ કે જેમનાં દર્શન માત્રથી મોક્ષ થાય એ ‘વીતરાગ ભગવાન !'