________________
૨૩૦
આપ્તવાણી-૬
પ્રશ્નકર્તા: મહાત્માઓને પરાક્રમ ઊભું થયું નથી. એટલે એનો અર્થ એ કે એમને યથાર્થ પુરુષાર્થ નથી.
દાદાશ્રી : પુરુષાર્થ છે જ બધા મહાત્માઓને, પણ તે હજી પરાક્રમ ભાવમાં નથી આવ્યા. કેટલાક સામાયિક કરીને પરાક્રમમાં આવે. પુરુષ થયા પછી પુરુષાર્થ હોય જ ને ? એ તો સ્વાભાવિક થાય.
પ્રશ્નકર્તા ઃ આમાં કોઈ નિયમ નથી ને ? ઘણી વખત સામાયિકમાં બેઠા હોઈએ, ત્યારે બિલકુલ એકાકાર ના થવાય અને રસ્તામાં ઓચિંતું જ એકાકાર થઈ જવાય ને આનંદ આનંદ થઈ જાય. તો એ કેવી રીતે આવ્યું ? એ ઉદયથી આવ્યું ?
દાદાશ્રી : આય ઉદયથી આવે છે ને પેલુંય ઉદયથી આવે છે. બંને ઉદયથી જ આવે છે.
પ્રશ્નકર્તા : એનો અર્થ એ કે પરાક્રમભાવ એકદમ જુદો છે ?
દાદાશ્રી : હા, પરાક્રમભાવ જુદો જ છે. પરાક્રમમાં પોતાને કશું જ કરવાનું નથી. પોતાનો ભાવ પરાક્રમભાવ ઉત્પન્ન થાય છે. એટલે પછી પ્રજ્ઞા તે ભાવ પ્રમાણે બધું કરી આપે છે.
પ્રશ્નકર્તા : પરાક્રમભાવ એટલે જ્ઞાતા-દ્રષ્ટા ભાવ ?
દાદાશ્રી : પરાક્રમભાવ એટલે શું ? “મારે પરાક્રમભાવમાં આવવું છે” એવો ભાવ એમને હોતો નથી. મૂળ જે ભાવ હોય છે, તેનાથી આ પરાક્રમભાવ જુદી વસ્તુ છે. એ ‘એલર્ટનેસ’ છે. મારે “એલર્ટનેસ'માં જ રહેવું છે. એવું જેને નક્કી હોય, તેને પછી પ્રજ્ઞા બધી વ્યવસ્થા કરી આપે.
પ્રશ્નકર્તા : પરાક્રમભાવ સ્ટ્રોંગ નિશ્ચયમાં આવે છે ?
દાદાશ્રી : હાસ્તો ને, નિશ્ચય આપણો હોવો જ જોઈએ ને ? મારે સ્વભાવમાં જ રહેવું છે. પછી જે થાય છે, અને પછી કોણ રોકનાર છે ? પછી છે તે પ્રજ્ઞાશક્તિ એમાં જોર કરશે. તેની મહીં અજ્ઞાશક્તિ એનુંય જોર કરે. પણ છેવટે અજ્ઞાશક્તિ હારશે. કારણ કે ભગવાન આમના પક્ષમાં છે.