________________
આપ્તવાણી-૬
નથી કરવો ! હવે મોક્ષે જ જવું છે. જેમ તેમ કરીને, ખોટ-નફાનાં બધાં ખાતાં નિકાલ કરીને માંડવાળ કરીને ઉકેલ લાવી નાખવાનો છે !
આ ખરેખર મોક્ષનો માર્ગ છે ! કોઈ કાળે કોઈ નામ ના દે, એવું આ જ્ઞાન આપેલું છે ! પણ જો તમે જાણી જોઈને ઊંધું કરો તો પછી બગડે ! તોય અમુક કાળે ઉકેલ લાવી જ નાખશે ! એટલે એક ફેરો આ પ્રાપ્ત થયું છે, એ છોડવા જેવું નથી !
લોકસંજ્ઞાએ અભિપ્રાય અવગાઢ
આખું જગત અભિપ્રાયને લીધે ચાલે છે. અભિપ્રાય વસ્તુ તો એવી છે ને કે આપણે અહીં કેરી આવી, બીજી બધી ચીજો આવી. તે ઇન્દ્રિયોને આપણી પ્રકૃતિ પ્રમાણે બધું ગમે અને ઈન્દ્રિયો બધું ખાય, વધુ ખાઈ જાય પણ ઈન્દ્રિયોને એવું નથી કે અભિપ્રાય બાંધવો. આ તો બુદ્ધિ મહીં નક્કી કરે છે કે આ કેરી બહુ સરસ છે ! એટલે એને કેરીનો અભિપ્રાય બેસી જાય. પછી બીજાને એમ કહે પણ ખરો કે ભાઈ, કેરી જેવી ચીજ કોઈ નથી દુનિયામાં. પાછું એને યાદ આવ્યા કરે, ખૂંચ્યા કરે કે કેરી મળતી નથી. ઈન્દ્રિયોનો બીજો કોઈ વાંધો નથી, એ તો કોઈ દહાડો કેરી આવે તો ખાય, ના આવે તો કશું નહીં. આ અભિપ્રાય જ છે તે બધા પજવે છે ! હવે આમાં બુદ્ધિ એકલી કામ નથી કરતી ! લોકસંજ્ઞા આમાં બહુ કામ કરે છે ! લોકોએ માનેલું એને પહેલાં પોતે બીલિફમાં બાંધે છે, આ સારું ને આ ખરાબ. પાછું પોતાનો પ્રિયજન હોય તે બોલે, એટલે એની બીલિફ વધારે બંધાતી જાય !
એવું આ અભિપ્રાય કોઈ બેસાડતું નથી, પણ લોકસંજ્ઞાથી અભિપ્રાય બેસી જાય છે કે આપણા વગર કેમ થાય ? આવું આપણે ના કરીએ તો કેમ કરીને ચાલે ? એવી સંજ્ઞા બેસી ગયેલી, તે પછી અમે તમને ‘વ્યવસ્થિત’ કર્તા આપ્યું. એટલે તમારો અભિપ્રાય ફરી ગયો કે ખરેખર આપણે કર્તા નથી, ‘વ્યવસ્થિત’ કર્તા છે !
લોકસંજ્ઞાથી અભિપ્રાય બેઠા છે, તે જ્ઞાનીની સંજ્ઞાએ તોડી નાખવાના છે ! મોટામાં મોટો અભિપ્રાય, ‘હું કર્તા છું’ એ તો જે દહાડે જ્ઞાન આપ્યું, તે દહાડે ‘જ્ઞાનીપુરુષ” તોડી આપે. પણ બીજા નાનાં નાનાં,
આપ્તવાણી-૬
૨૨૩ સહુ સહુની પ્રકૃતિ પ્રમાણે અભિપ્રાય બેઠા હોય. તે કેટલાકને બહુ મોટા અભિપ્રાય હોય એ અટકણ કહેવાય. આમ તો કરવું જ પડે ને ? એ અભિપ્રાય હજી બધા ઊભા રહ્યા છે એ અભિપ્રાય બધા કાઢે ને, તો વીતરાગ માર્ગ ખુલ્લેખુલ્લો થઈ જાય.
જ્યારે ‘ચંદુ’ અહીં રૂમમાં પેસે કે તરત જ આપણને એના તરફ અભાવ ઉત્પન્ન થાય, શાથી ? કારણ કે ‘ચંદુ’નો સ્વભાવ જ નાલાયક છે, એવો અભિપ્રાય બેસી ગયો છે. તે ‘ચંદુ’ આપણને સારું કહેવા આવ્યો હોય, તોય પણ પોતે એને અવળું મોટું દેખાડે. એ અભિપ્રાય બેસી ગયા છે, જે બધા કાઢવા તો પડશે જ ને ?
એટલે અભિપ્રાય કોઈ જાતના રાખવાના નહીં. જેના તરફ ખરાબ અભિપ્રાય બેસી ગયા હોય, એ બધા તોડી નાખવાના. આ તો બધા વગર કામના અભિપ્રાય બેઠેલા હોય છે, ગેરસમજણથી બેઠા હોય છે.
કોઈ કહેશે કે, ‘આપણો અભિપ્રાય ઊઠી ગયો તોય એની પ્રકૃતિ કંઈ ફરી જવાની છે ?” ત્યારે હું શું કહ્યું કે પ્રકૃતિ ભલેને ના ફરે, એનું આપણે શું કામ છે ? તો કહેશે કે, ‘આપણને પછી અથડામણ તો ઊભી રહેશે ને ? તો હું શું કહ્યું કે, “ના આપણા જેવા સામા માટે પરિણામ હશે, તેવા સામાનાં પરિણામ થઈ જશે.' હા, આપણો એના માટે અભિપ્રાય તૂટ્યો ને આપણે એની જોડે ખુશી થઈને વાત કરીએ, તો એ પણ ખુશી થઈને આપણી જોડે વાત કરે. પછી તે ઘડીએ આપણને એની પ્રકૃતિ ના દેખાય !
એટલે આપણા મનની છાયા એની ઉપર પડે છે ! અમારા મનની છાયા બધા પર કેવી રીતે પડે છે !! ઘનચક્કર હોય, તોય ડાહ્યા થઈ જાય ! આપણા મનમાં ‘ચંદુ’ ગમે નહીં, એમ હોય તો ચંદુ આવ્યો એટલે પછી અણગમો ઉત્પન્ન થાય ને તેનો ફોટો એની ઉપર પડે ! એને તરત મહીં ફોટો પડે કે આમને મહીં શું ચાલી રહ્યું છે ? એ આપણા મહીંના પરિણામો સામાને ગૂંચવે ! સામાને પોતાને ખબર ના પડે, પણ એને ગુંચવે ! એટલે આપણે અભિપ્રાય તોડી નાખવા જોઈએ ! આપણા બધા અભિપ્રાય આપણે ધોઈ નાખવા એટલે આપણે છૂટ્યા.