________________
૨૧૦
આપ્તવાણી-૬
જ્ઞાન, ભાન બધું હોય !
મનુષ્યમાત્રને નબળાઈ તો હોય જ ને ? આ નબળાઈના ગુણોને લીધે મનુષ્યપણું રહ્યું છે. મનુષ્યની નબળાઈ જાય એટલે મુક્ત થઈ જાય. પણ એ નબળાઈ જાય એવી નથી. કોણ એ કાઢે ? ‘જ્ઞાનીપુરુષ’ સિવાય નબળાઈ બીજો કોઈ કાઢે નહીં ને ? એ નબળાઈનો ‘જ્ઞાનીપુરુષ’ પોતે ફોડ પાડી આપે ને એને કાઢી આપે. ‘જ્ઞાનીપુરુષ' તો ગમે તેટલું ઘોડું અટક્યું હોય તોય એને આગળ લઈ જાય. કાનમાં ફૂંક મારીને, સમજાવીને, મંત્ર મારીનેય આગળ લઈ જાય. નહીં તો મારી નાખો તોય ઘોડું ના ખસે. ઘોડું તો શું, અરે, મોટા મોટા હાથી હોય તેય અટકણ આવી ત્યાં ખસે નહીં.
પ્રશ્નકર્તા : પણ ભગવન, આગલા જન્મનાં કંઈ તીવ્ર સંસ્કારો હશે કે જેથી અમે આપનાં ચરણોમાં આવ્યા છીએ.
દાદાશ્રી : સંસ્કારના આધારે તો આ ભેગું થાય છે. પણ તે છોડાવડાવે કોણ ? અટકણ છોડાવડાવે છે, અટકણ છૂટા પાડે છે ! માટે અટકણને ઓળખી કાઢવી કે અટકણ ક્યાં છે ? પછી ત્યાં ચેતતા ને ચેતતા જ રહેવું. તું અટકણને ઓળખી ગયો છું ? ચોગરદમથી ઓળખી ગયો છું ? આમ પૂંઠેથી જતું હોય તોય ખબર પડે કે આ અટકણ ચાલ્યું આપણું ! હા, એટલું ચેતતા રહેવું જોઈએ !
અટકણ તો જ્ઞાનીઓ જ ખોળે. બીજો કોઈ ના ખોળે. ભોળા માણસને અટકણ ભોળી હોય, તે જલદી છૂટી જાય અને કપટી માણસને કપટી અટકણ હોય તે તો બહુ વસમી હોય !
અટકણથી અટક્યું અનંત સુખ
હવે બિલકુલ ‘કલીઅરન્સ’ મહીં થઈ જવું જોઈએ. આ ‘અક્રમ જ્ઞાન’ મળ્યું ને પોતાને નિરંતર સુખમાં રહેવું હોય તો રહી શકાય, એવું આપણી પાસે ‘જ્ઞાન’ છે. માટે હવે કેમ કરીને અટકણ છૂટે, કેમ કરીને એનાથી આપણે છૂટા થઈ જઈએ, એ ઉકેલ લાવવો જોઈએ. તે માટે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરીને પણ ઉકેલ લાવી નાખવાનો.
આપ્તવાણી-૬
પહેલાં સુખ ન હતું, ત્યાં સુધી તો અટકણમાં જ માણસ પડે ને ? પણ સુખ કાયમનું ઊભું થયા પછી શેને માટે ? સાચું સુખ શાથી ઉત્પન્ન થતું નથી ? તે આ અટકણને લઈને આવતું નથી !
૨૧૧
પ્રશ્નકર્તા : પણ દાદા. ચોવીસેય કલાક આત્માનો અનુભવ, લક્ષ અને પ્રતીતિ રહેતી હોય, તો પછી અટકણનો પ્રશ્ન રહે ખરો ?
દાદાશ્રી : ના, બધાનેય એવું રહે છે. પણ અટકણ તો મહીં હોય ને, અટકણ તો ખોળી કાઢવી જોઈએ કે અટકણ ક્યાં છે ?
અટકણ ગયા પછી જગત આપણી ઉપર આફરીન થતું જાય. જગતના જીવોને આપણને દેખતાં જ આનંદ થતો જાય. આ તો અટકણને લઈને આનંદ થતો નથી.
આ અરીસો છે, તે એક જ જણનું મોઢું દેખાડે કે બધાના મોઢાં દેખાડે ? જે કોઈ મોટું ધરે તેને દેખાડે. એવું અરીસા જેવું ક્લીઅરન્સ થઈ જાય, ત્યારે કામનું !
આ અટકણને લઈને લોકોને ‘એટ્રેક્શન’ થતું નથી. ‘એટ્રેક્શન’ થવું જોઈએ, પછી એનો શબ્દ એ ‘બ્રહ્મવાક્ય’ કહેવાય. એટલે ક્યાં અટકણ છે તે ખોળી કાઢો. અનુભવ, લક્ષ અને પ્રતીતિ તો બીજા બધાનેય રહે છે. પણ શાથી એટ્રેક્શન વધતું નથી ? એટ્રેક્શન થવું તો જોઈએ ને જગતમાં ? રોકડું એટલે રોકડું, તે ઉધાર તો ના દેખાવું જોઈએને ? એટલે મહીં કારણો ખોળી કાઢવાં જોઈએ ! અટકણ તો... દસ દહાડા સુધી હોટલ ના દેખાય, ત્યાં સુધી કશુંય ના હોય. પણ હોટલ દીઠી તો પેસી જાય !
સંજોગ ભેગા થાય કે ગલગલિયાં થઈ જાય !
આપણે એક જણને દારૂ છોડાવડાવ્યો હોય, તો એ પછી બધે સત્સંગમાં બેસે તો શાંતિમાં રહે. ઘણા દહાડા સુધી એ દારૂને ભૂલી જાય, પણ કો'ક દહાડો તમારી જોડે ફરવા આવ્યો ને દુકાનનું બોર્ડ વાંચ્યું કે ‘દારૂચી દુકાન’ કે તરત એનું મહીં બધું ફેરફાર થઈ જાય, એને મહીં ગલગલિયાં થઈ જાય. એટલે એ તમને શું કહે, ‘ચંદુભાઈ, હું ‘મેકવોટર’ કરીને આવું છું.’ અલ્યા મૂઆ, રસ્તામાં મેકવોટર કરવાની વાત કરો છો ? તે આપણે સમજી જઈએ કે આને ગલગલિયાં થઈ ગયાં. કંઈકનું કંઈક