________________
આપ્તવાણી-૬
૬૭
પ્રશ્નકર્તા : સમાધિ હોય છતાં ક્રોધ થાય ?
દાદાશ્રી : ક્રોધ થાય છે એ ડિસ્ચાર્જ ક્રોધ છે, પણ અંદર ક્રોધ કરવાનો ભાવ હોય તો એમાં સમાધિ રહે નહીં.
પ્રશ્નકર્તા : લોભનું પણ એવી જ રીતે હોય ?
દાદાશ્રી : હા, ક્રોધ-માન-માયા-લોભ બધાનું જ એવું. એક ‘ડિસ્ચાર્જ’ ભાવ છે ને બીજો ‘ચાર્જ’ ભાવ છે. આપનું નામ શું ?
પ્રશ્નકર્તા : ચંદુલાલ.
દાદાશ્રી : આપ ‘ચંદુલાલ છો' એની ખાતરી કરેલી છે ? પ્રશ્નકર્તા : બધાએ કહ્યું છે મને.
દાદાશ્રી : એટલે નામધારી તો હું પણ કબૂલ કરું છું, પણ ખરેખર ‘તમે’ કોણ છો ? જ્યાં સુધી, ‘હું ચંદુલાલ છું’ એ આરોપિત ભાવ છે ત્યાં સુધી કર્મ ચાર્જ થયા જ કરે છે.
પ્રશ્નકર્તા : રાગ-દ્વેષ એ કષાયભાવ છે કે જુદું છે ?
દાદાશ્રી : એ કષાયના જ ભાવ છે. એ જુદું તત્ત્વ નથી. ક્રોધ અને માન એ દ્વેષ છે, ને માયા ને લોભ એ રાગ છે. આ ક્રોધ-માન-માયા-લોભ, એ આત્માના ગુણધર્મ નથી. તેમ પુદ્ગલનાય ગુણધર્મ નથી.
પ્રશ્નકર્તા : તો ત્રીજું કયું તત્ત્વ છે ?
દાદાશ્રી : આત્મા અને પુદ્ગલની હાજરીથી ઉત્પન્ન થતા ગુણ છે. હાજરી ના હોય તો ના થાય.
પ્રશ્નકર્તા : કષાયમાં ક ્ + આય છે ? એ શું છે ?
દાદાશ્રી : આત્માને પીડે એ બધા કષાય.
પ્રશ્નકર્તા : રાગથી પીડા થતી નથી, છતાંય રાગને કષાય કેમ કહ્યો ? દાદાશ્રી : રાગથી પીડા ના થાય, પણ રાગ એ કષાયનું બીજ છે.
૬૮
આપ્તવાણી-૬
એમાંથી મોટું ઝાડ ઉત્પન્ન થાય !
દ્વેષ એ કષાયની શરૂઆત છે અને રાગ એ બીજ નાખ્યું, ત્યાંથી પછી એનું પરિણામ આવશે. એનું પરિણામ શું આવશે ? કષાય. એટલે પરિણામ આવશે તે દહાડે દ્વેષ ઉત્પન્ન થશે. અત્યારે તો રાગ છે એટલે મીઠું લાગે. અનુકૂળમાં કષાયો હોય ?
પ્રશ્નકર્તા : અનુકૂળ સંયોગોમાં કષાયભાવ કે કંઈ આવતો નથી ને પ્રતિકૂળ સંયોગોમાં કષાયભાવ બહુ આવી જાય છે, તો એને માટે શું કરવાનું ?
દાદાશ્રી : એવું છે ને કે પ્રતિકૂળ એકલામાં જ કષાય થાય છે એવું નથી. અનુકૂળમાં બહુ કષાય થાય છે. પણ અનુકૂળના કષાયો ઠંડા હોય. એને રાગકષાય કહેવાય છે. એમાં લોભ અને કપટ બેઉ હોય. એમાં એવી ખરેખરી ઠંડક લાગે કે દહાડે દહાડે ગાંઠ વધતી જ જાય. અનુકૂળ સુખદાયી લાગે છે, પણ સુખદાયી છે એ જ બહુ વસમું છે.
પ્રશ્નકર્તા : અનુકૂળમાં તો ખબર પડતી જ નથી કે આ કષાયભાવ
છે.
દાદાશ્રી : એમાં કષાયની ખબર ના પડે. પણ એ જ કષાય મારી નાખે. પ્રતિકૂળના કષાયો તો ભોળા હોય બિચારા ! એની જગતને તરત જ ખબર પડી જાય. જ્યારે અનુકૂળના કષાયો, લોભ અને કપટ તો એ ફાલીફૂલીને મોટા થાય છે ! પ્રતિકૂળના કષાયો, માન અને ક્રોધ છે. એ બંને દ્વેષમાં જાય. અનુકૂળના કષાયો અનંત અવતારથી ભટકાવી મારે છે. બેન તમને સમજમાં આવી ગયું ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એટલે બન્ને ખોટા છે - અનુકૂળ ને પ્રતિકૂળ. માટે આત્મા જાણવા જેવો છે. આત્મા જાણ્યા પછી અનુકૂળ-પ્રતિકૂળ બધું ઊડી જાય ! પ્રશ્નકર્તા : તો એના માટે શો પુરુષાર્થ કરવો ?
દાદાશ્રી : પુરુષાર્થ કર્યો કશું નહીં થાય. અહીં આવજો. તમને