________________
આપ્તવાણી-૬
૫૦
આપ્તવાણી-૬
પ્રશ્નકર્તા : એટલે માણસ સુધરે એવી શક્યતા ખરી ?
દાદાશ્રી : હા, બહુ જ શક્યતા છે. પણ સુધારનાર હોવો જોઈએ. એમાં ‘M.D', ‘ER.C.S.' ડૉક્ટર ના ચાલે, ગોટાળિયું ના ચાલે, એના તો ‘સુધારનાર’ જોઈએ.
હવે કેટલાકને એમ થાય કે ખૂબ પસ્તાવો કર્યો. છતાંય ફરી એવો દોષ થાય, તો એને એમ થાય કે આ આમ કેમ થયું-એટલો બધો પસ્તાવો થયો તોય ? ખરેખર તો ‘હાર્ટિલી’ પસ્તાવો થાય, તેનાથી દોષ અવશ્ય જાય છે !
દોષોતાં શુદ્ધિકરણ પોતાની ભૂલો દેખાય, એનું નામ આત્મા. પોતે પોતાની જાત માટે નિષ્પક્ષપાતી થયો, એનું નામ આત્મા. તમે આત્મા છો, શુદ્ધ ઉપયોગમાં છો તો તમને કોઈ કર્મ અડે જ નહીં. કેટલાક મને કહે છે કે તમારું જ્ઞાન સાચું છે. પણ તમે મોટરમાં ફરો છો તે જીવહિંસા ના ગણાય ? ત્યારે મારે કહેવું પડે છે કે, “અમે શુદ્ધ ઉપયોગી છીએ.’ અને શાસ્ત્રો કહે છે કે,
“શુદ્ધ ઉપયોગ ને સમતાધારી, જ્ઞાનધ્યાન મનોહારી રે; કલંક કો દૂર નિવારી, જીવ વરે શિવનારી રે.”
પોતાના દોષો દેખાય ત્યારથી જ તરવાનો ઉપાય હાથ આવી ગયો. ચંદુભાઈમાં જે જે દોષો હોય તે બધાંય “આપણને દેખાય. જો પોતાના દોષ દેખાતા ના હોય તો, આ ‘જ્ઞાન’ કામનું શું ? એટલે કૃપાળુદેવે કહ્યું હતું,
‘તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ, દીઠા નહીં નિજદોષ તો કરીએ કોણ ઉપાય ?**
દોષ થાય તેનો વાંધો નથી. તેના પર ઉપયોગ રાખવાનો. ઉપયોગ રાખ્યો. એટલે દોષ દેખાયા જ કરે. બીજું કશું કરવાનું નથી.
ચંદુભાઈને ‘તમારે’ એટલું જ કહેવું પડે કે પ્રતિક્રમણ કર્યા કરો.
તમારા ઘરનાં બધાં જ માણસો જોડે તમારે, ‘મારાથી કંઈ પણ પહેલાં મનદુ:ખ થયેલું હોય, આ ભવ સંખ્યાત કે અસંખ્યાત ભવોમાં જે જે રાગદ્વેષ, વિષય-કષાયથી દોષો કર્યા હોય તો તેની ક્ષમા માગું છું.’ એમ રોજ એક-એક કલાક કાઢવો. ઘરનાં દરેક માણસને, આજુબાજુના સર્કલના દરેકને લઈને, ઉપયોગ મૂકીને પ્રતિક્રમણ કર્યા કરવું જોઈએ. એ કર્યા પછી આ બધા બોજા હલકા થઈ જશે. બાકી એમ ને એમ હલકા થવાય નહીં. અમે આખા જગત જોડે આ રીતે નિવારણ કરેલું, ત્યારે તો આ છૂટકો થયો.
જ્યાં સુધી સામાનો દોષ પોતાના મનમાં છે, ત્યાં સુધી જંપ ના વળવા દે. આ પ્રતિક્રમણ કરો, ત્યારે એ ભૂંસાઈ જાય. રાગ-દ્રષવાળી દરેક ચીકણી ‘ફાઈલ’ને ઉપયોગ મૂકીને પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરવું. રાગની ફાઈલ હોય તેનાં તો પ્રતિક્રમણ ખાસ કરવાં જોઈએ.
પ્રતિક્રમણ થઈ ગયાં એટલે ગમે તેટલું વેર હોય તોય આ ભવમાં જ છૂટી જવાય. પ્રતિક્રમણ એ એક જ ઉપાય છે. ભગવાન મહાવીરનો સિદ્ધાંત, આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાનનો છે ! જ્યાં આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન નથી, ત્યાં મોક્ષમાર્ગ જ નથી.
અમારામાં સ્થૂળ દોષો કે સૂક્ષ્મ દોષો ના હોય. જ્ઞાનીમાં સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષ હોય છે. જે અન્ય કોઈને કિંચિત્માત્ર પણ હરકતકર્તા ના હોય. અમારા સૂમમાં સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ દોષો પણ અમારી દૃષ્ટિમાંથી જાય નહીં. બીજા કોઈને ખબર ના પડે કે અમારો દોષ થયો છે.
તમારા દોષો પણ અમને દેખાય, પણ અમારી દૃષ્ટિ તમારા શુદ્ધાત્મા તરફ હોય, ઉદયકર્મ તરફ દૃષ્ટિ ના હોય. અમને બધાના દોષોની ખબર પડી જાય, પણ એની અમને અસર થાય નહીં. તેથી જ કવિએ લખ્યું છે કે,
“મા કદી ખોડ કાઢે નહીં, દાદાનેય દોષ કોઈના દેખાય નહીં.”
તમારી નિર્બળતા અમે જાણીએ અને નિર્બળતા હોય જ. એટલે અમારી સહજ ક્ષમા હોય. ક્ષમા આપવી પડે નહીં; મળી જાય, સહજપણે.