________________
આપ્તવાણી-૪
૩૦૫
દાદાશ્રી : ના, ભૂલી જવાનું નહીં, વર્તમાનમાં જ રહેવાનું. ભૂલવું એ તો બોજો કહેવાય. ભૂલ્યું ભૂલાય નહીં ને જે ભૂલવા જઇએ તે વધારે યાદ આવે. એક જણ મને કહેતો હતો કે, ‘હું સામાયિક કરવા બેસું છું ત્યારે વિચાર કરું છું કે ‘દુકાન આજે યાદ ના આવે.’ તે દહાડે સામાયિકમાં પહેલો જ ધબડકો દુકાનનો પડે છે ! આમ શાથી થાય છે ? કારણ કે દુકાનનો તિરસ્કાર કર્યો કે દુકાન યાદ ના આવે ! આપણે તો કોઇનો તિરસ્કાર કરવાનો નહીં. વર્તમાનમાં રહેવું એ એક જ વાત છે. ભૂતકાળ ને ભવિષ્યકાળ જોડે આપણે લેવાય નથી ને દેવાય નથી. વર્તમાનમાં જ રહે એનું નામ અમરપદ. અમે વર્તમાનમાં એવા ને એવા જ રહીએ છીએ. રાત્રે ઉઠાડો તોય એવા ને દહાડો ઉઠાડો તોય એવા. જયારે જોઇએ ત્યારે એવા ને એવા જ હોઇએ.
(૪૦) વાણીનું સ્વરૂપ
કાળદ્રવ્ય !
પ્રશ્નકર્તા ઃ કાળ નામનું દ્રવ્ય કેવી રીતે કામ કરે છે ?
દાદાશ્રી : કાળ તો નૈમિત્તિક છે. એક પરમાણુ એનો અવકાશ ભાગ છોડી જેટલા કાળમાં બીજા અવકાશ ભાગમાં પેસે એટલા કાળને ‘સમય’ કહે છે. આ સંસાર એ સમસરણ છે, નિરંતર વહેનારો છે. સહેજેય સ્થિર થાય નહીં. ઘણા સમયનો પલ થાય.
અમે કહેતાંની સાથે તમે સમજી જાવ એ ડેવલપમેન્ટ વધારે કહેવાય. જેટલો કાળ ઓછો લે તેટલું ડેવલપમેન્ટ વધારે ને વધારે કાળ લે તેટલું ઓછું ડેવલપમેન્ટ કહેવાય. કાળ સૂક્ષ્મ છે. સમય સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. અમારે સમય નજીકનો કાળ હોય, અને તિર્થંકરોને સમય હોય. આજે જો સમયને પહોંચે તો મોક્ષ થઇ જાય. પણ આ કાળની વિચિત્રતા છે કે સમય સુધી પહોંચી શકાય નહીં.
વાણી, એ આત્માનો ગુણ નથી ! દાદાશ્રી : આ બોલે છે તે કોણ બોલે છે ? પ્રશ્નકર્તા : તમે, દાદા ભગવાન બોલો છો.
દાદાશ્રી : હું જાતે નથી બોલતો. મારી બોલવાની શક્તિ જ નથીને ? આ તો ઓરિજિનલ ટેપરેકર્ડ બોલી રહી છે. એના પરથી બીજી ટેપરેકર્ડ ઉતારવી હોય તો ઊતરે, ત્રીજી ઊતરે, ચોથી ઊતરે. અને તને તો એમ જ છે ને કે હું જાતે બોલું છું ?” જાતે બોલે છે એટલે એ ‘પઝલ'માં છે, અને હું ‘પઝલ’ને ‘સોલ્વ' કરીને બેઠો છું. તું બોલે છે, તેનો અહંકાર કરે છે કે હું બોલું છું. બાકી તારીય ટેપરેકર્ડ જ બોલે છે.
આત્મા બોલી શકે એવો છે જ નહીં. આત્મામાં વાણી નામનો ગુણધર્મ જ નથી. શબ્દ એ આત્માનો ગુણધર્મ નથી ને પુદ્ગલનોય ગુણધર્મ નથી. જો એમનો એ ગુણ હોય તો કાયમનો હોય. પણ આનો તો નાશ થાય છે. ખરી રીતે શબ્દ એ પુદ્ગલનો પર્યાય છે. એ પુદ્ગલની અવસ્થા છે. બે પરમાણુઓ અથડાય એટલે અવાજ ઉત્પન્ન થાય. આ મોટરનું હોર્ન આમ દબાવીએ તો શું થાય ? વાણી નીકળે.