________________
આપ્તવાણી-૪
૨૪૫
‘કરવું કે કરવા જેવું નથી’ એવુંય ના બોલાય કારણ કે કર્તાપણું આપણામાં છે જ નહીં. આત્મા અકર્તા છે.
સંયમ, અંતિમ દશાનો !
પ્રશ્નકર્તા : પણ વ્યવહારનાં જે કર્મો કરવાનાં હોય એ કર્યો તો આવે
ને ?
દાદાશ્રી : એ તો બધું ચાલ્યા જ કરે એની મેળે. ‘આપણે’ ચંદુભાઈ ને કહેવાનું કે, ‘ચંદુભાઇ, ઓફિસનો ટાઇમ થઇ ગયો. કેમ જતા નથી?” બસ, આટલી જ ચેતવણી આપવાની. એ થયા જ કરે. ‘ડિસ્ચાર્જ’ એટલે થયા જ કરે. કોઇની જોડે અવળું બોલાઇ જાય તો તમારે ચંદુભાઇ ને કહેવામાં વાંધો નહીં કે સામાને દુઃખ થાય એવું ના બોલો તો સારું. તેમ છતાં અવળું બોલાય તો આપણે ચંદુભાઇને કહેવું, ‘તમે અતિક્રમણ કેમ કર્યું ? આ છોકરાને દુઃખ થાય એવું બોલ્યા માટે તમે પ્રતિક્રમણ કરો.’ પછી છોકરાના નામનું પ્રતિક્રમણ કરવાનું. બસ, આટલું જ સમજવાનું છે.
‘શું થાય છે’ એમાં એ જોવાનું ચૂકે એને અસંયમ કહ્યો છે; અને સંયમ કોને કહેવાય કે ‘શું થાય છે’ એ જોયા જ કરે !
આ છેલ્લો સંયમ, આ જ્ઞાનીઓનો સંયમ કહેવાય. અને આ જગતના લોકો તો દેહના સંયમને સંયમ કહે છે. એ બધી સ્થૂળ વાતો છે અને ‘આ’ તો સંયમની છેલ્લી વાતો છે. ‘આ’ સંયમ આવ્યો તેને તો નિયમથી જ દેહ ધીમે ધીમે સંયમિત થતો જ જાય. માટે આ છેલ્લા સંયમમાં જ આવવા જેવું છે.
܀܀܀܀܀
(૩૫)
કર્મની થીયરી
વ્યવહારમાં, કર્મ શું ? ધર્મ શું ?
સામસામી સમાધાનપૂર્વક હિસાબ કરવો તેનું નામ ધર્મ. સામસામી સમાધાનપૂર્વક હિસાબ નહીં કરવો તેનું નામ કર્મ. શાકમાં મીઠું વધારે પડયું ત્યાં ખાઇ લેવું તે ધર્મ, અને ખારું બનાવ્યુ, આમ કેમ કર્યું' કહીએ તેનું નામ કર્મ.
જગતે કર્તા થીયરી જ જાણી !
પ્રશ્નકર્તા : કર્મની ‘થીયરી’ જૈનીઝમમાં નથી ને ગીતામાં છે. તો એમ કેમ ?
દાદાશ્રી : કર્મની થીયરી જૈનીઝમે ને બીજા ધર્મોએ પણ ‘એકસેપ્ટ’ કરી છે. જેટલા લોકો પુનર્જન્મને માને છે તે બધા કર્મની ‘થીયરી’ને માને
છે.
કર્મની ‘થીયરી’ સમજો. આત્માની કર્તા ‘થીયરી’ બધા જુએ છે.