________________
(૨૧)
તપશ્ચર્યાતા હેતુ !
તપ, ત્યાગ તે ઉપવાસ !
પ્રશ્નકર્તા : વ્રત, તપ, નિયમ એ જરૂરી છે કે અજરૂરી છે ? દાદાશ્રી : એવું છે, આ ‘કેમિસ્ટ’ને ત્યાં જેટલી દવાઓ છે એ બધી જરૂરી છે પણ તે લોકોને જરૂરી છે, તમારે તો જે દવાની જરૂર છે એટલી જ શીશી તમારે લઇ જવાની. એવું વ્રત, તપ, નિયમ આ બધાની જરૂર છે. આ જગતમાં કશું ખોટું નથી. ચોરી કરે છે તેય ખોટું નથી, આ ‘ઇન્કમટેક્ષ’ ઉઘરાવે છે તેય ખોટું નથી. આપણું ગજવું કપાઇ જાય છે એ તો કુદરતનો ટેક્ષ છે ! એ ટેક્ષ ઉઘરાવનારા ચોર લોકો સ્તો ! એમાં કશું ખોટું છે જ નહીં. જપ, તપ કશું ખોટું નથી. પણ સહુ સહુની દૃષ્ટિએ સહુની અપેક્ષાએ સત્ય છે.
પ્રશ્નકર્તા : તો જપ-તપ કરવું જરૂરી છે કે નહીં ?
દાદાશ્રી : ના, ‘ડ્રગિસ્ટ'ને ત્યાં બધી દવાઓ હોય તો કંઇ બધી દવા આપણે પીવાની જરૂર છે ? તમને જેટલું દર્દ હોય એટલી જ દવા, એકાદ-બે બાટલી લેવાની. બધી બાટલીઓ લઇ જઇએ તો મરી જવાય, ઊલટું ! જપ-તપનો શોખ હોય તો તે કરવું.
૧૬૮
આપ્તવાણી-૪
પ્રશ્નકર્તા : જપ-તપમાં શોખ થાય ?
દાદાશ્રી : શોખ વગર તો કોઇ કરતું હશે ? એવું છે, આ સ્ત્રીનો શોખ, દારૂનો શોખ, બીડીનો શોખ, એ બધા શોખ અશુભ શોખ કહેવાય. અને આ જપ-તપ એ શુભના શોખ છે. હંમેશાં રોજ રોજ કરવું પડે એ બધું શોખ કહેવાય.
પ્રશ્નકર્તા : જપ-તપમાં કર્મ બંધાય ?
દાદાશ્રી : એમાં કર્મ જ બંધાયને ? દરેક બાબતમાં કર્મ જ બંધાય. રાત્રે સૂઇ જાવ તોય કર્મ બંધાય. અને જપ-તપ કરે એમાં તો મોટા કર્મ બંધાય. પણ એ પુણ્યનાં કર્મ બંધાય, તેનાથી આવતે ભવે ભૌતિક સુખો
મળે.
આ આખો વીતરાગ માર્ગ લાભાલાભનો માર્ગ છે. ધર્મમાં પાંચ આનાયે ના છૂટકે જવા ના દેશો. ઉપવાસ કરે ને કહેતો ફરે કે ‘બે ઉપવાસ છે ને ત્રણ ઉપવાસ છે’ અને છોકરો આવે તેની જોડે કકળાટ માંડે, ‘કેમ આજે સવારના દુકાનમાં ગયો નથી ?’ અલ્યા, દુકાનને તો તારે શું તોપને બારે ચઢાવવી છે ? તું તારી મેળે ઉપવાસ કરને. છોકરો કહેશે કે, ‘જરા આજે મારાથી જવાયું નહીં,' એટલે પેલો કકળાટ માંડે. આ બાજુ માજી આ રૂમમાં, ઉપવાસમાં બેઠાં હોય ને પેલા રૂમમાં પ્યાલા ખખડયા એટલે “એ શું થયું ? શુ ફૂટયું ?” કરે. માજી, તમારો આત્મા ફૂટયો ! એક પ્યાલો ફૂટયો તો ત્યાં આગળ ચિત્ત જાય. આ બધી નરી ખોટ જ ખાય છે.
પ્રાપ્ત તપ !
એવું છે, આ કાળમાં જીવોએ જાણીબૂઝીને તપ ના કરવાં અને અજાણ્યાં જે તપ આવે, એની મેળે આવી પડે તો તે તપ કરવાનું કહ્યું છે. કારણ કે આ દુષમ કાળમાં એક તો મૂળ તપેલો જ હોય, પછી ઘરમાં હોય, બેડરૂમમાં હોય કે ઉપાશ્રયમાં હોય, પણ હોય તપેલો જ. તપેલાને તપવીને શું કામ છે ? માથું વાઢીને પાઘડી પહેરવા જેવી વાત છે એ. પ્યાલો ફૂટે એટલે તપ કરવાનું. છોકરો દુકાને ના ગયો ત્યારે તપ કરવાનું.